પંચમહાલ જિલ્લામાં એસએસસી- એચએસસી પૂરક પરીક્ષા અને ગુજકેટ-૨૦૨૦ પરીક્ષા સંદર્ભે બેઠક યોજાઈ

  • ગુજકેટ અને એચ.એસ.સી. પરીક્ષાની હોલ ટિકીટ ઓનલાઈન મેળવી શકાશે
  • કોરોના સંક્રમણથી સુરક્ષા માટેના ઉપાયો સાથે કરાયેલ આયોજન
  • કુલ ૩૧૦૦ વિદ્યાર્થીઓ એસ.સી.સી.ની, ૯૦૦ વિદ્યાર્થીઓ એચ.એસ.સી.ની પૂરક પરીક્ષા તેમજ ૧૭૯૭ વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે

ગોધરા(પંચમહાલ)

ગોધરા કલેકટર કચેરી ખાતે પંચમહાલ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને આગામી સમયમાં જિલ્લામાં યોજાનાર એસ.એસ.સી. અને એચ.એસ.સી તેમજ ગુજકેટ- ૨૦૨૦ની પરીક્ષાઓ સંદર્ભે જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતીની બેઠક યોજાઈ હતી. કલેક્ટરશ્રીએ કોરોના સંક્રમણથી બચાવ માટે પરીક્ષાકેન્દ્રો અને ખંડો પર કરાયેલ વ્યવસ્થા સહિત પરીક્ષા અંગેના આયોજનની માહિતી મેળવી હતી. દરેક પરીક્ષાકેન્દ્રો પર ટેમ્પરેચર ગન મારફતે વિદ્યાર્થી સહિતના તમામનું તાપમાન માપી, માસ્ક-સેનેટાઈઝરનો ફરજિયાત ઉપયોગ સુનિશ્ચિત કરી એક રૂમમાં પરીક્ષાર્થીઓ વચ્ચે સલામત અંતર જળવાય તે રીતે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. કલેક્ટરશ્રીએ આ બાબતોના પાલનનું ચુસ્તપણે પાલન થાય તે સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. બેઠકમાં કેન્દ્રો પર સીસીટીવી, પીવાના પાણી બેઠક વ્યવસ્થા, નિરીક્ષકો, પ્રશ્નપત્રોની સ્ટ્રોંગરૂમ વ્યવસ્થા, પરીક્ષા દરમિયાન વીજપુરવઠો, એસ.ટી. બસની સુવિધા તેમજ કન્ટ્રોલરૂમ શરૂ કરવા અંગે ચર્ચા કરી જિલ્લા સમાહર્તાશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે જાહેર થયેલ કાર્યક્રમ અનુસાર ૨૪મી ઓગસ્ટ, ૨૦૨૦ના રોજ સવારે ૦૯.૦૦ થી ૧૭.૦૦ કલાક દરમિયાન ૦૭ પરીક્ષા કેન્દ્રો પર ૧૭૯૭ વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે. જ્યારે ૨૫મી ઓગસ્ટ થી ૨૮ ઓગસ્ટ, ૨૦૨૦ દરમિયાન ૧૦.૩૦ કલાકથી ૧૩.૦૦ અને ૧૫.૦૦ કલાકથી ૧૮.૦૦ કલાક સુધીમાં ૦૯ પરીક્ષા કેન્દ્રોએ કુલ ૩૧૦૦ વિદ્યાર્થીઓ તેમજ તા. ૨૫ ઓગસ્ટ થી ૨૭ ઓગસ્ટ દરમિયાન ૧૦.૦૦ કલાકથી ૧૩.૧૫ અને ૧૫.૦૦ કલાકથી ૧૮.૧૫ દરમિયાન ૯૦૦ વિદ્યાર્થીઓ ૦૨ કેન્દ્રો પર પરીક્ષા આપશે. ગુજકેટ અને એચ.એસ.સી. ના વિદ્યાર્થીઓ તેમની હોલ ટિકીટ ઓનલાઈન પણ મેળવી શકે તે પ્રકારે વ્યવસ્થા કરવામાં આવી છે.
આ સમીક્ષા બેઠકમાં અધિક નિવાસી કલેકટરશ્રી એલ બી બાંભણીયા, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી બી.એસ પંચાલ, ડીવાયએસપીશ્રી હરીશ કણસાગરા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here