સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલા જંગલ સફારી પાર્ક, કેક્ટસ ગાર્ડન અને મિયાંવાકી ફોરેસ્ટની ગુજરાત ના મુખ્ય સચિવે મુલાકાત લીધી

એકતાનગર, (નર્મદા) આશિક પઠાણ :-

જંગલ સફારીમાં દેશ-વિદેશના પક્ષી-પ્રાણીઓ નિહાળી મકાઉ પોપટ અને ડુમખલ પોપટને હાથ પર બેસાડી તેને ભાવતું ફળ ખવડાવી રોમાંચ અનુભવ્યો

પક્ષીની લેવાઈ રહેલી કાળજીને બિરદાવી એનિમલ કિપર નૈનાબેન સાથે વાર્તાલાપ કર્યો

સીઈઓ ઉદિત અગ્રવાલ અને ઈન્ચાર્જ નાયબ વન સંરક્ષક ડો.રામ રતન નાલા દ્વારા જંગલ સફારી તેમજ કેક્ટસ ગાર્ડન અને મિયાંવાકી ફોરેસ્ટ અંગે વિસ્તૃત માહિતી આપી

માહિતી-માર્ગદર્શનથી મુખ્ય સચિવે સંતોષ વ્યક્ત કરી એક્સેલન્ટ કામ ગણાવ્યું

ગુજરાતના મુખ્ય સચિવ રાજ કુમાર ના નર્મદા જિલ્લાના બે દિવસીય પ્રવાસ કાર્યક્રમના બીજા દિવસે સવારે પરિવાર સાથે જંગલ સફારી પાર્ક, કેક્ટસ ગાર્ડન અને મિયાવાંકી ફોરેસ્ટની મુલાકાત લઈ એકતાનગર એક ઉત્તમકક્ષાનું વિશ્વસ્તરિય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાના દેશના દિર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પરિકલ્પનાઓને ફળીભૂત થતી નજરે નિહાળી આનંદનો અનુભવ કર્યો હતો.

ગુજરાતના મુખ્ય સચિવ રાજ કુમારે જિલ્લાની મુલાકાતના પ્રથમ દિવસે સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને આરોગ્ય વન સહિતના પ્રોજેક્ટ નિહાળ્યા હતા, અને આજે બીજા દિવસે રવિવારે સવારે મુખ્ય સચિવે સરદાર વલ્લભભાઇ પટેલ ઝૂલોજીકલ પાર્ક (જંગલ સફારી)ની મુલાકાત લઈને દેશ વિદેશના પ્રાણી-પક્ષીઓને નિહાળીને આનંદ વ્યક્ત કર્યો હતો અને જુદા જુદા પ્રાણીઓ અંગેની માહિતી મેળવી હતી. આ મુલાકાત દરમ્યાન સચિવ ની સાથે જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા, સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથરિટીના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ, જંગલ સફારી પાર્કના નિયામક અને ઈન્ચાર્જ નાયબ વન સંરક્ષક ડૉ. રામ રતન નાલા સહિતનાં સંબંધિત પ્રોટોકોલ અધિકારી ઓ વગેરે જોડાયા હતા.

જંગલ સફારીની મુલાકાત દરમિયાન ડો.રામ રતન નાલાએ સમગ્ર પ્રોજેક્ટની માહિતીથી મુખ્ય સચિવ ને વાકેફ કર્યા હતા. મુખ્યસચિવ એ ઓસ્ટ્રેલિય-આફ્રિકન સેક્સનમાં મકાઉ પોપટ તથા સ્થાનિક ડુમખલના પોપટને હાથ પર બેસાડી તેને ભાવતું દાડમ ખવડાવી રોમાંચક અનુભવ કર્યો હતો. અને આ પક્ષીઓ કેટલા ફ્રેન્ડલી લાગે છે તેઓને પણ ટ્રેનિંગ દ્વારા ટ્રેઈન કરવામાં આવ્યા છે. તેની સરાહના કરી હતી. પક્ષીઓના ખોરાક, આદત, સારવાર અને અહીંના વાતાવરણમાં જે પ્રકારે અનુકૂલિત કરીને સાચવવામાં આવે છે તેની પણ પ્રસંશા કરી હતી. આટલી મોટી સંખ્યામાં પ્રાણી-પક્ષીઓને અહીં રાખવામાં આવ્યા તે સારી વાત છે અને તેથી જ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર પક્ષીઓ પણ બન્યા છે. આ જંગલ સફારીની ટીમને રખ-રખાવ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને સફારી વિસ્તરણ સ્નેક અને આગામી કાર્યયોજના અને ભવિષ્યમાં વધુ વિકસિત થાય, ઉત્તરોત્તર પ્રગતિ સાથે વિકાસ કરવા અંગેની માહિતી મેળવી હતી.

સાથે જંગલ સફારીમાં સ્થાનિક આદિવાસી યુવક-યુવતીઓને રોજગારી આપવામાં આવી છે તે અંગેની માહિતી પણ મેળવી હતી અને તેમની સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. પક્ષીઓની પરિભાષાને તેઓ સમજી શક્યા છે અને રિસ્પોન્સ સિસ્ટમને જોઈને રોમાંચિત સાથે આશ્ચર્યચકિત થયા હતા. પ્રાણીઓ પણ તમારી ભાષાને સમજે છે, ભાષા કરતા પણ એકબીજાના ભાવ સમજે છે તે મહત્વની બાબત છે. જંગલ સફારી કિપર નૈનાબેન સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. અને એકતાનગરના વિકાસ થવાથી તમારા જિવનમાં શું પરિવર્તન આવ્યું છે. તમે આ પ્રવૃત્તિને રસ પૂર્વક કરો છો તેમાં તમે કોઈ વિશેષ તાલીમ મેળવી છે? આ અંગે નૈના બહેને જણાવ્યું કે, ઈન્દ્રોડા પાર્ક-ગાંધીનગર અને શક્કરબાગ જૂનાગઢ સહિતના સ્થળોએ તાલીમ લઈ પશુ પક્ષીના વર્તન અને રખ-રખાઉની તાલીમ દ્વારા અમને ઘણું શીખવા મળ્યું છે. તેનો અમે અહીં સુંદર રીતે ઉપયોગ કરીને તેઓ પ્રત્યે પ્રેમ અને તેમના વર્તનથી સારી રીતે સમજી શકીએ છીએ.

મુખ્ય સચિવે કેક્ટસ ગાર્ડનની મુલાકાત વેળાએ અલગ-અલગ પ્રકારના કેક્ટસ, થોર, એલોવીરા વગેરેની દેશી-વિદેશી જાતો નિહાળી તેના આકાર અને ફ્લાવરના કલર જોઈને ખૂબ પ્રભાવિત થયા હતા. અને કેક્ટસનો મેડિસિન ઉપયોગ તથા સુશોભનમાં કાબિલે તારીફ કરી હતી અને આ કાર્યને વિકસિત કરવા અભિનંદન સાથે એક્સેલેન્ટ વર્ક ગણાવ્યું હતું.

જાપાનના બોટનિસ્ટ(વનસ્પતિશાસ્ત્રી) અકિરા મિયાવાકી દ્વારા વિકસાવેલી પદ્ધતિ દ્વારા તૈયાર થયેલા મિયાવાકી ફોરેસ્ટની મુલાકાત કરી હતી. એકતા મોલની નજીક ૨ એકર વિસ્તારમાં વિકસાવાયેલા મિયાવાકી જંગલમાં પહોંચી મુખ્ય સચિવે સૌ પ્રથમ ડિજિટલ ઓરિએન્ટેશન સેન્ટર થકી એક શોર્ટ ફિલ્મ નિહાળી હતી. બાદમાં નેટિવ ફ્લોરલ ગાર્ડન, ટિંબર ગાર્ડન, ફ્રુટ ગાર્ડન, મેડિસિનલ ગાર્ડન અને મિશ્ર પ્રજાતિઓના મિયાવાકી સેક્શનની મુલાકાત હતી. અહીં ખાસ પ્રકારના પાથવે અને નેચર ટ્રેલ્સ વગેરે જેવી મૂળભૂત સુવિધાઓ નિહાળી પર્યાવરણના જૈવિક અને અજૈવિક તત્વોના મહત્વ તેમજ તેમાં ઉગાડેલા વનસ્પતિના ઔષધીય ફાયદાઓ અંગે માહિતી સ્થાનિક ગાઈડ પાસેથી મેળવી હતી. નર્મદા જિલ્લાના વિસ્તારમાં આવેલા મૂળ જંગલોની માફક વિકસાવેલા આ ફોરેસ્ટનો આકર્ષક અનુભવ કરી મુખ્ય સચિવ રાજ કુમારે ખુશી વ્યક્ત કરી હતી. અને વધુમાં વધુ મિયાવાકી પદ્ધતિએ વૃક્ષોનો ઉછેર થાય તેમાં બાગાયતી પાકો પણ સામેલ થાય તો લોકોને આવકનો સ્ત્રોત અને જંગલ વિસ્તારમાં વધારો થશે.

મુખ્ય સચિવશ ની ઉક્ત મુલાકાત દરમિયાન તેઓની સાથે ધર્મપત્ની શ્રીમતી શર્મિલીબેન તથા તેમના ચિરંજીવી હર્ષભાઈ, જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા, SoUADTGAના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, ઈન્ચાર્જ નાયબ વન સંરક્ષક ડૉ. રામ રતન નાલા, નાયબ કલેકટર પ્રોટોકોલ એન.એફ.વસાવા, પ્રાંત અધિકારી શૈલેષ ગોકલાણી, નાયબ માહિતી નિયામક અરવિંદ મછાર, સ્ટેચ્યૂ ઓફ યુનિટીના જનસંપર્ક અધિકારી રાહુલ પટેલ સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ પણ જોડાયા હતા.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here