સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આવતા પ્રવાસીઓ માટે કેસુડાથી બનેલા સૌંદર્ય પ્રસાધનો બન્યા આકર્ષણ નું કેન્દ્ર

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

એકતા નર્સરી ખાતે આવેલી સાબુ શોપમાં કેસુડાથી બનેલા સાબુ, પાવડર અને ફેસવોશની ભારે માંગ, પ્રવાસીઓ જથ્થાબંધ ખરીદી કરતા સ્થાનિકો માટે રોજગારી ના અવસર ખુલ્યા 

સ્થાનિક આદિવાસી મહિલાઓ માટે કેસુડો પ્રતિવર્ષ લાવે છે કમાણીનો અવસર, ફૂલો એકત્ર કરી આખુ વર્ષ સૌંદર્ય પ્રસાધન બનાવવામાં વાપરે છે

સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થિત એકતા નર્સરી અહીં આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર હોવા ઉપરાંત સ્થાનિક મહિલાઓને તેમના કૌશલ્યના નિદર્શનનું પ્લેટફોર્મ અને અર્થોપાર્જનનું કેન્દ્ર બની છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વસંત ઋતુમાં કેવડિયાના જંગલમાં ખાખરાના વૃક્ષો અને તેના મનોહર ફુલ એવા કેસુડા વિશે પ્રવાસીઓ વાકેફ થાય એ માટે કેસુડા ટ્રેઇલ શરૂ કરવામાં આવી છે. આ કેસુડા ટ્રેઇલમાં જોડાતા પ્રવાસીઓને કેવડિયાના જંગલમાં પરિભ્રમણ સાથે કેસુડાથી લથબથ ખાખરાના વૃક્ષો વચ્ચે પ્રકૃત્તિની નજીક જવાનો અવસર મળે છે. આ ટ્રેઇલના આકર્ષણ સાથે પ્રવાસીઓમાં કેસુડામાંથી બનતા વિવિધ સૌંદર્ય વર્ધક ઉત્પાદનો લોકપ્રિય બન્યા છે.

એકતા નર્સરીમાં કેસુડામાંથી વિવિધ ઉત્પાદનો બનાવવા માટેનું એક એકમ બનાવવામાં આવ્યું છે. જેનું સંપૂર્ણ સંચાલન મહિલાઓ કરી રહી છે. એકતા નર્સરીની મુલાકાતે આવતા દેશવિદેશના પ્રવાસીઓ માટે વિવિધ આયુર્વેદિક ઉત્પાદનો ખરીદ કરે છે. તેમાં સૌથી વધુ લોકપ્રિય છે કેસુડામાંથી બનતા ફેશવોશ, સાબુ, પાવડર

ગોરા ગામના સુમિત્રાબેન તડવી આ સાબુ શોપનું સંચાલન કરે છે. તેઓ માત્ર ૧૦ ધોરણ સુધી અભ્યાસ કરી શક્યા છે. પણ, શોપ મેનેજમેન્ટની સૂઝ ગજબની છે. તેઓ કહે છે, એકતા નર્સરીની સાબુ શોપમાં કેસુડામાંથી બનતા ફેશવોશ, સાબુ અને પાવડરનું વેચાણ કરવામાં આવે છે. અહીં આવતા ગ્રાહકો કેસુડાના ઉત્પાદનોની ખાસ માંગણી કરે છે.

તે કહે છે, કેસુડાની મૌસમમાં એકતા નર્સરી સખી મંડળની ચારપાંચ મહિલાઓ જંગલમાં જઇ ખરેલા આ ફાગણિયા ફૂલો એકત્ર કરે છે. જરૂરિયાત મુજબના જથ્થામાં કેસુડા એકત્ર થયા બાદ તેને છાંયે સૂકવવામાં આવે છે. તત્પશ્ચયાત, તેને બોરામાં ભરી સંગ્રહિત કરવામાં આવે છે. એક વર્ષનું ઉત્પાદન કરી શકાય એ એટલા કેસુડાના ફૂલો એકત્ર કરવામાં આવે છે.

આ કામગીરીમાં રાજ્ય સરકારના વનવિભાગની ચાવીરૂપ ભૂમિકા રહેલી છે. એકતા નર્સરી સખી મંડળની બહેનો પગભર બને એ માટે રાજ્ય સરકાર દ્વારા દ્વારા ફેશવોશ, સાબુ બનાવવાના વિવિધ યંત્રો આપવામાં આવ્યા છે. સાબુ બનાવવાની કામગીરી પણ નર્સરીની અંદર જ કરવામાં આવે છે. બજારમાં મળતા સાબુમાં હોય એવા કેમિકલનો બિલ્કુલ ઉપયોગ કરવામાં આવતો નથી. એટલે કે, એકતા નર્સરીના સૌંદર્ય પ્રસાધનો સંપૂર્ણ સુરક્ષિત છે. ઓનલાઇન કે બજારમાં મળતા નેચરલ પ્રોડક્ટની સરખામણીએ એકતા નર્સરીના ઉત્પાદનો ૩૦થી ૪૦ ટકા ઓછી કિંમતે મળે છે. વળી, વધુ ભાવે ઓનલાઇન મળે કે ના મળે, અહીં તો બારેય માસ ઉપલબ્ધ જ હોય છે.

સુમિત્રાબેન તડવીએ જણાવ્યું કે, વન વિભાગ દ્વારા અમને શોપ મેનેજમેન્ટ અને પ્રોડક્શન માટે વિશેષ તાલીમ આપવામાં આવી હતી. હવે અમે આ કામગીરી સારી રીતે કરી શકીએ છીએ. પ્રવાસીઓના પિક ડેમાં સાબુ શોપમાં પ્રતિદિન સરેરાશ પાંચથી છ હજારનું કાઉન્ટર એકત્ર થાય છે. અમારી પ્રોડક્ટ એટલી લોકપ્રિય છે કે, ઘણા ગ્રાહકો તો બેબે હજારની કિંમતના સાબુ અને ફેશવોશ એક સાથે લઇ જાય છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસ દરમિયાન એકતા નર્સરીની સાથે તેની આ શોપ્સની મુલાકાત લેવા જેવી ખરી…

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here