સુરતના નગરજનોને રૂ.૫૧૪.૧૫ કરોડના વિકાસકામોની ભેટ આપતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

સુરત,

શહેરના બાંધકામ શ્રમિકોને પરિવહન માટે વાર્ષિક ધોરણે બસ પાસ અર્પણ કરાયા

સુરત મહાનગરપાલિકાના વિસ્તારમાં ગ્રોસ કોસ્ટ કોન્ટ્રાકટ મોડલથી ૧૫૦ ઈલેકટ્રીક બસોનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

ઉભરાટ ખાતે રૂા.૨૦૦ કરોડના ખર્ચે બ્રિજ બનાવવાની જાહેર કરતા મુખ્યમંત્રીશ્રી

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ સુરત ખાતેના અડાજણ સ્થિત સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન વિસ્તારના અંદાજિત રૂ.૪૩૧.૩૨ કરોડના અને સુરત શહેરી વિકાસ સત્તામંડળ(સુડા)ના રૂ.૮૨.૮૩ કરોડના મળી કુલ રૂ.૫૧૪.૧૫ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહુર્ત-લોકાર્પણ કર્યું હતું. આ વેળાએ મુખ્યમંત્રીશ્રીએ ઉભરાટ ખાતે રૂા.૨૦૦ કરોડના ખર્ચે નવા બ્રિજ બનાવવાની જાહેરાત કરી હતી.

વિકાસની હરણફાળમાં સતત અગ્રેસર તથા શહેરના સમતોલ વિકાસથી પ્રજાભિમુખ પ્રકલ્પોને આગળ ધપાવતી સુરત મહાનગરપાલિકા દ્વારા રૂા.૪૩૧.૩૨ કરોડના ખર્ચે વરાછા અને રાંદેર ઝોનમાં સાકારિત સુમન હાઈસ્કૂલ, વાંચનાલય, ઈ-બસની સુવિધા અને વર્કિંગ વુમન હોસ્ટેલ સહિતના વિવિધ પ્રકલ્પોનો સમાવેશ થાય છે.

રૂા.૪૩૧.૩ર કરોડના ખર્ચે શહેરના વિવિધ ઝોન વિસ્તારમાં NRCP યોજના અંતર્ગતના કામો, પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) અંતર્ગત EWSના આવાસો, લિંબાયત-ડીંડોલી વિસ્તારને જોડતો રેલવે અંડરપાસ તથા નગર પ્રાથમિક શાળા, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ઓવરહેડ ટાંકી, આંગણવાડી, કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત થશે. જ્યારે સુરત શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા PM આવાસ યોજના અંતર્ગત સાકારિત થનાર આવાસો, ખાડી પુલ તથા રોડ વિગેરેના અંદાજિત રૂા. ૮ર.૮૩ કરોડના ખર્ચના વિવિધ પ્રકલ્પોની તકતીઓની અનાવરણવિધિ સંપન્ન થઈ હતી.

આ સાથે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ગ્રોસ કોસ્ટ કોન્ટ્રાકટ મોડલથી ૧૫૦ ઈલેકટ્રીક બસ લોકાર્પિત કરાશે. રાજ્ય સરકારના મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા બાંધકામ શ્રમિક પરિવહન યોજના હેઠળ સુરત શહેરના બાંધકામ શ્રમિકોને પરિવહન માટે વાર્ષિક ધોરણે બસ પાસ અર્પણ કરાશે. વધુમાં મુખ્યમંત્રીશ્રી દ્વારા જૂન-૨૦૧૮ થી ડિસેમ્બર-૨૦૨૦ દરમિયાન સુરત મહાનગરપાલિકા દ્વારા કરાયેલા વિવિધ વિકાસકાર્યોની માહિતી દર્શાવતી “વિકાસયાત્રા” પુસ્તિકાનું વિમોચન કર્યું હતું.

આ વેળાએ વન, આદિજાતિ, મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા,આરોગ્ય રાજયમંત્રીશ્રી કિશોરભાઈ કાનાણી, સાંસદશ્રી સી.આર.પાટીલ સાંસદશ્રીમતિ દર્શનાબેન જરદોશ, મેયરશ્રી જગદીશભાઈ પટેલ, ધારાસભ્યો, સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓ-અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here