શ્રી મુક્તજીવન સ્વામીબાપા ફોરેસ્ટ પાર્ક ખાતે પ્રકૃતિ શિબિર તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં કલોલ-વડનગરપુરા-પ્રતાપપુરા ખાતે ગ્રીન પ્લાનેટ ઇન્ટરનેશનલ દ્વારા શ્રી મુક્તજીવન સ્વામીબાપા ફોરેસ્ટ પાર્ક ખાતે દીપ પ્રાગટ્ય સાથે પ્રકૃતિ શિબિર તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.ગ્રીન પ્લાનેટ ઇન્ટરનેશનલ પર્યાવરણ સંસ્થાના સ્થાપક એહમદભાઈ પઠાણે શ્રી મુક્તજીવન સ્વામીબાપા ફોરેસ્ટ પાર્ક વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે વડનગરપુરા-પ્રતાપપુરા રોડ ઉપર બનાવવામાં આવેલ પાર્ક કુલ ૭ વિદ્યામાં ૩૦૦૦ રોપાઓ રોપીને એક સુંદર અને આકર્ષક ફોરેસ્ટ પાર્ક બનાવવામાં આવ્યો છે.

નજીકના બે વર્ષમાં સાચા અર્થમાં જંગલ બની જશે લોકોનું આકર્ષણનું કેન્દ્ર. વધુમાં તેઓશ્રીએ જણાવ્યું હતું કે આ સંસ્થા દ્વારા ગાંધીનગર જિલ્લામાં આવા કુલ નવ (૯) ફોરેસ્ટ પાર્ક બનાવશે. ઉપરાંત ભારતના માનનીય પ્રધાનમંત્રીના માતા-પિતાના સ્મરણાર્થે “હીરા દામો” ફોરેસ્ટ પાર્ક સાબરમતી નદીના કિનારે બનાવશે. યુનાઈટેડ નેશને પણ આ સંસ્થાની નોંધ લીધી છે. મહંત સદ્ગુરુ શ્રી ભગવતપ્રિયદાસજી સ્વામીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સહયોગથી ગ્રીન પ્લાનેટ ઈન્ટરનેશનલ દ્વારા અબોલા પક્ષીઓના જતન માટે માળા, વૃક્ષોનું જતન, પર્યાવરણ બચાવો ઝુંબેશ, વૃક્ષવેલીના જતનથી ઓક્સિજન પણ મળે છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનના “શિક્ષાપત્રી” ના આદેશ અનુસાર સર્વ જીવ હિતાવહનું પાલન કરવામાં આવે છે.

પ્રકૃતિ શિબિરમાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું હતું કે પ્રકૃતિ પ્રેમીઓને આનંદ આપે એવી સંધ્યા ખીલી રહી છે સાથે સંતો ભક્તોનું સાનિધ્ય છે. પર્યાવરણ રક્ષણ માટે પહેલાં કેટલા જંગલોમાં સુંદર ઝાડી હતી. જેને લીધે અબોલ પક્ષીઓને રહેઠાણ મળતું હતું. અબોલ જીવો કંઈ પણ બોલી શકતા નથી તેથી તેની અનુકંપા ગ્રીન પ્લાનેટ ઈન્ટરનેશનલ તથા તેના મિત્રો સાથે રહી કાર્ય કરી રહ્યા છે. આ સેવાથી શ્રી સ્વામિનારાયણ ભગવાનનો રાજીપો રહેલો છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનને વન, પર્વત, નદી, નાળા, તળાવ, દરિયા કિનારો ખૂબ જ પ્રિય હતાં. વૃક્ષોમાં પીપળો ચોવીસ કલાક શુધ્ધ પ્રાણવાયુ આપે છે. કેનેડા વિગેરે વિદેશોમાં પણ આ સંસ્થા દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાતા રહે છે. આ કાર્યક્રમમાં વરિષ્ઠ સંતમંડળ તથા પ્રકૃતિપ્રેમીઓ હરિભક્તો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here