“વાઈબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ નર્મદા” અંગતર્ગ યોજાયેલા સ્ટોલ પ્રદર્શનમાં મિલેટ્સ પાકોને પ્રોત્સાહિત કરતી ડાંગ જિલ્લાના વિવિધ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો

રાજપીપળા (નર્મદા) આશિક પઠાણ :-

ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના ઉદ્યમીઓ દ્વારા ભગર, નાગલી સહિતના તૃણ ધાન્યોની ખેતી કરી વિવિધ પેદાશો તૈયાર કરી બજારમાં મોકલાય છે

ગુજરાતનાં ઔદ્યોગિક વિકાસને વેગવાન બનાવવા માટેનો કાર્યક્રમ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનાં દસમા સંસ્કરણનાં ભાગરૂપે નર્મદા જિલ્લામાં તા.૧૯ અને ૨૦ ઓક્ટોબર-૨૦૨૩ દરમિયાન “વાઈબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ નર્મદા” અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં નર્મદા ડેમ વ્યુ પોઇન્ટ ખાતે વિવિધ સ્ટોલ-પ્રદર્શન ઊભું કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક ઉત્પાદનો અને પ્રાકૃતિક કૃષિને પ્રાધાન્ય આપતા સ્ટોલે મુલાકાતીઓમાં અનેરૂ આકર્ષણ જમાવ્યું હતું.

વાઈબ્રન્ટ નર્મદા અંતર્ગત સ્ટોલ-પ્રદર્શનમાં ભાગ લેનાર કાસમભાઇ સૈયદે જણાવ્યું કે, નર્મદા જિલ્લામાં યોજાયેલી આ વાઇબ્રન્ટ સમિટ અમે સ્ટોલ પ્રદર્શનમાં અમને ભાગ લેવાનો મોકો મળ્યો છે. અમારા સ્ટોલમાં મુખ્યત્વે તૃણ ધાન્યોની પ્રાકૃતિક ખેતી જે ખાસ કરીને ડાંગ જિલ્લામાં થાય છે જેવી કે ભગર, નાગલી સહિતના પાકો સુબીર તાલુકામાં વધુ જોવા મળે છે તેમાંથી બનાવેલી ચીજ વસ્તુઓ અમે પ્રદર્શનમાં મૂકી અન્ય વિસ્તારના લોકોને પણ આવા પ્રકારના ધાન્યો ઉગાડવા પ્રોત્સાહિત કરી રહ્યા છીએ.

વધુમાં તેઓ જણાવે છે કે, ડાંગ જિલ્લાના ખેડુતોને તાલીમ આપવામાં આવે છે, સાથોસાથે સ્વાસ્થ્ય માટે કેવી રીતે આ ધાન્ય ઉપયોગી બને અને તેમાંથી રોજગારી કેવી રીતે મેળવી શકાય તે અંગેની માહિતી પુરી પાડવામાં આવે છે. વર્ષ-૨૦૨૩ને મિલેટ્સ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે ત્યારે આ વર્ષને પ્રોત્સાહિત કરીને આદિવાસી સમાજ આત્મનિર્ભર બને, તેમની પાસે રહેલા ઉત્પાદનોનું કેવી રીતે માર્કેટિંગ કરી શકાય તેના માટેની પણ તાલીમ આપવામાં આવે છે. તેમજ પ્રોડ્કટ ખરીદનાર માટે સ્માર્ટ સ્કેલ રાખવામાં આવે છે જેનાથી ખરીદદારને ડાયેટ પ્લાન પણ બતાવી શકાય છે.

અત્રે ઉલેખનિય છે કે, ડાંગ જિલ્લાને પ્રાકૃતિક જિલ્લા તરીકે જાહેર કરવામાં આવ્યો છે ત્યારે અહીં પરંપરાગત અનાજની અનેક પ્રકારની પેદાશો તૈયાર કરવામાં આવે છે. કઠોળમાં જોઈએ તો કળથી, અળદ, ચોળા, ચણા, વાલ, મગ, મસુર, વટાણા, દેશી મઠ, કાળા મગ, દેશી તુવેર જોવા મળે છે. તેમજ દેશી ભગર, કાજૂ અને મગફળી જેવા કૃષિ ઉત્પાદનો મળી રહે છે. જેમાંથી અનેક પ્રકાશની વાનગીઓ બનાવીને રોજિંદા જીવનમાં ઉપયોગમાં લઈ શકાય છે.

પ્રાકૃતિક કૃષિ આધારિત વિવિધ બનાવટો પ્રદર્શિત કરતો આ સ્ટોલ મુલાકાતીઓ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. મુલાકાતીઓ આ સ્ટોલ પરથી વિવિધ વસ્તુઓની ખરીદી કરતા પણ જોવા મળ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here