રાજપીપલા માં ચાર કેન્દ્રો ખાતે ૭૫૮ છાત્રો આવતી કાલે ગુજકેટની પરીક્ષા આપશે

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

છાત્રો શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે સૂચારુ આયોજન અમલવારી અંગે નર્મદા જિલ્લા કલેક્ટરે પરીક્ષાલક્ષી બેઠક યોજી અઘિકારીઓ ને આપી સુચના

આવતી કાલે તા. ૩૧ માર્ચ, ૨૦૨૪ ના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાનારી ગુજરાત કોમન એન્ટ્રરન્સ ટેસ્ટ (ગુજકેટ) ૨૦૨૪ ની પરીક્ષા સંદર્ભે નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના અધ્યક્ષપદે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે આયોજન-અમલવારી અંગે બેઠક યોજાઈ હતી.

નર્મદા કલેક્ટર શ્રીમતી તેવતિયાએ પરીક્ષા કેન્દ્રો, વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા, ઉમેદવારના પ્રવેશ તેમજ પરીક્ષા કેન્દ્ર પરના સંચાલક, સુપરવાઈઝર, કર્મચારીઓની ફરજો અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરીને કેટલાંક રચનાત્મક સૂચનો કર્યા હતા. ઉપરાંત, કલેક્ટર એ પોલીસ, એસ. ટી. ડેપો, વીજળી અને આરોગ્ય વિભાગની ટીમને પણ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓની સુવિધાઓને સુનિશ્ચિત કરવા માટે જણાવ્યું હતું.

આ બેઠકમાં કેટલીક બાબતો ઉપર ખાસ ભાર મુકવામાં આવ્યો હતો. જેમાં પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના ૧૦૦ મીટરના વિસ્તારની હદમાં કોપીયર મશીન દ્વારા કોપીનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ તથા અંગત ઉપયોગ માટે વપરાશ કરતા કોપીયર મશીન ધારકોએ આગામી તા.૩૧ માર્ચ દરમિયાન સવારના ૦૯:૩૦ કલાકથી સાંજના ૦૫:૦૦ કલાક સુધી તેઓના કોપીયર મશીનો દ્વારા પરીક્ષા વિષયક પત્રો કે દસ્તાવેજી કાગળોની નકલો ન કાઢવા ઉપરાંત પરીક્ષા કેન્દ્રોમાં કોઈપણ વ્યક્તિએ મોબાઈલ, ઈલેકટ્રોનિક સાધનો, કેલ્કયુલેટર, ઈલેકટ્રોનિક વોચ કે અન્ય અનાધિકૃત સાહિત્ય વગેરે સાથે પ્રવેશ કરવા પર અને પરીક્ષા કેન્દ્રોની આસપાસ લાઉડ સ્પીકર વગાડવા પર એક જાહેરનામા થકી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

આગામી તા. ૩૧ માર્ચ, ૨૦૨૪ ના રોજ સવારે ૧૦.૦૦ થી ૧૨.૦૦ કલાકે ભૌતિક અને રસાયણ વિજ્ઞાન, બપોરે ૧૩.૦૦ થી ૧૪.૦૦ કલાક દરમિયાન જીવવિજ્ઞાન અને બપોરે ૧૫.૦૦ થી ૧૬.૦૦ દરમિયાન ગણિત વિષયની પરીક્ષા લેવાશે. નર્મદા જિલ્લામાં પરીક્ષા કેન્દ્રો તરીકે રાજપીપલાની શ્રી અંબુભાઈ પુરાણી હાઈસ્કુલ, શ્રીમતી એસ.આર.મહીડા કન્યા વિનય મંદીર, સરકારી હાઈસ્કુલ રાજપીપલા અને શ્રી નવદુર્ગા હાઈસ્કુલની પસંદગી કરાઈ છે. આ ચાર કેન્દ્રોમાં જિલ્લાના કુલ ૭૫૮ વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે.

આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતી ડો. કિરણબેન પટેલ, શાળા સંચાલક મંડળના પ્રમુખ મહેશભાઈ પટેલ, આચાર્ય સંઘના પ્રમુખ નિલેશભાઈ વસાવા, આચાર્ય/શિક્ષક સંઘના મંત્રી તુષાર પટેલ, રાજપીપલા હાઈસ્કુલના આચાર્ય તુષારભાઈ સોલંકી તેમજ પોલીસ વિભાગ સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here