રાજપીપલા ખાતે જિલ્લા વહિવટી તંત્ર અને પિરામલ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે સંકલન અમલીકરણ માટે NGO કાર્યપ્રદાન અંગે શિબિર યોજાઈ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

પિરામલ ફાઉન્ડેશન સાથે સકારાત્મક અભિગમ અપનાવી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે નર્મદા જિલ્લા તંત્ર કટિબદ્ધ

પિરામલ ફાઉન્ડેશનની લોકજાગૃતિ અંગે સરાહનીય પ્રયાસો : એક મંચ પર અનેકવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ ઉપસ્થિત રહી રચનાત્મક સૂચનો કર્યા

નર્મદા જિલ્લા વહિવટી તંત્ર અને પિરામલ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે એસ્પિરેશનલ જિલ્લા વિકાસ એવમ લોકજાગૃતિ કાર્યક્રમ અંતર્ગત ડો.બાબાસાહેબ આંબેડકર ભવન રાજપીપલા ખાતે એક દિવસીય સુંદર NGO વર્કશોપનું આયોજન કરાયું હતું. જેમાં સંકલન અને અમલીકરણ અને અવેરનેસ ઉપર સમૂહ ચિંતન કરવામાં આવ્યું હતું.

નર્મદા જિલ્લા વિકાસ કાર્યો માટે અગ્રેસર રહેનાર જિલ્લામાં અનેકવિધ સ્વૈચ્છિક સંસ્થાઓનું પણ કાર્ય પ્રદાન રહ્યું છે. નર્મદા જિલ્લા વહિવટી તંત્ર સાથે સહકાર અને સંકલનની ભાવના સાથે સમૂહ ચર્ચા ચિંતન કરી નર્મદા જિલ્લાના વિકાસને વેગવાન બનાવવા માટે આ વિશેષ મંચ પર અનેકવિધ સ્વૈચ્છીક સંસ્થાઓ ભેગી થઈ હતી.

આ પ્રસંગે જિલ્લાના આરોગ્ય વિભાગના ક્ષય અધિકારી ડો.ઝંખનાબેન વસાવાએ જણાવ્યું કે, નર્મદા જિલ્લા વહિવટી તંત્રના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ એસ્પિરેશનલ નર્મદા જિલ્લાના વિવિધ સૂચકાંકોને સુધારીને જિલ્લાના નાગરિકોના સર્વાંગી વિકાસ માટે પિરામલ ફાઉન્ડેશન સહિત અનેકવિધ સ્વૈચ્છીક સંસ્થાઓના પ્રયાસો થકી આજે જિલ્લાની અનેકવિધ યોજનાઓના અમલીકરણ અને લોકજાગૃતિ અંગેના અનેકક્ષેત્રે કામો થઈ રહ્યાં છે. જિલ્લાના વિકાસ માટેની કામગીરીમાં સંસ્થાઓનો પણ નમ્ર પ્રયાસ રહ્યો છે, અને ભાવિ આયોજન માટેનો એક રોડમેપ તૈયાર કરવા માટે આ એક શ્રેષ્ઠ મંચ સાબિત થશે તેવો મને વિશ્વાસ છે.

આ પ્રસંગે આઈ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી ક્રિષ્નાબેન પટેલે પણ પિરામલ ફાઉન્ડેશન સહિત અનેકવિધ સંસ્થા સાથે સાથ સહકાર અને સંકલનમાં રહીને સકારાત્મક સુધારા અભિગમ સાથે જિલ્લાના આરોગ્ય, પોષણ અને શિક્ષણને વધુ બહેતર બનાવવાનો સૌનો પ્રયાસ અંગે ઊંડો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

પિરામલ ફાઉન્ડેશન ભારત સરકારની સર્વોચ્ચ સંસ્થા નીતિ આયોગના નક્કી કરેલા ધારાધોરણો મુજબ એસ્પિરેશનલ નર્મદા જિલ્લામાં સસ્ટેનેબિલિટી ડેવલપમેન્ટ માટે તંત્ર સાથે સંકલન સહકાર સાધીને સરાહનીય પ્રયાસો કરી રહ્યું છે. જ્યાં તંત્ર દ્વારા પણ ખૂટતી કડીઓને જોડીને પૂરક સપોર્ટ માટે આવી સ્વૈચ્છિક સંસ્થાઓ ઉમદા સાબિત થઈ શકે તેમ છે. આપણે સૌ સાથે મળીને નર્મદા જિલ્લાને વિકાસની મુખ્યધારામાં લાવવાની દિશામાં ખભેખભા મિલાવીને કામગીરી કરીશું.

અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારશ્રીની અનેકવિધ પ્રજાલક્ષી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે પિરામલ ફાઉન્ડેશન વહિવટી તંત્રના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લા-તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સ્થાનિક પ્રતિનિધિ તેમજ લોક સભ્યો સાથે સંકલન સાધીને ખુબ નોંધનીય કામગીરી કરે છે. સંસ્થાની આ આવકારદાયક કામગીરીને સફળતા મળી રહી છે. જે માટે પિરામલ ફાઉન્ડેશન નર્મદા જિલ્લા વહિવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

ગ્રામીણ-શહેરી લોકોના જીવનધોરણમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે નર્મદા જિલ્લાના પાંચેય તાલુકામાં એક વિકાસનો રોડમેપ તૈયારમાં જે તે સ્વૈચ્છિક સંસ્થાઓના ચેરમેનશ્રી-પ્રતિનિધિશ્રીઓએ આ સફળ એકદિવસીય વર્કશોપમાં પોતાની ઉમદા કામગીરી અને ભાવિ આયોજન અંગે ચર્ચા અને સંવાદ કરીને સૌને પોતાનો પરિચિત કરાવ્યો હતો.

આ કાર્યક્રમમાં પિરામલ ફાઉન્ડેશન અને વહિવટી તંત્રના તાલુકા-જિલ્લાકક્ષાના અધિકારીશ્રીઓની વિશેષ ઉપસ્થિતિમાં ખુશહાલ બચપન અભિયાનને લોન્ચ કરાયું હતું. જેમાં ૦-૬ વર્ષના બાળકોને નક્કી કરેલા આંગણવાડીમાં ૯ માસ દરમિયાન બાળપણના પ્રારંભે શિક્ષણ જેમાં શીખો, રમો અને વિકસોના મંત્ર સાથે સાક્ષરતા અને સામાજિક ભાવનાત્મક શિક્ષણ-સંસ્કારને પ્રોત્સાહિત કરવામાં આવશે.

આ પ્રસંગે પિરામલ ફાઉન્ડેશનના પ્રોજેક્ટ ડાયરેક્ટર તબરેજ સિદ્ધિકીએ જણાવ્યુ કે, એક વિકસિત સમાજના સ્વપ્નને સાકાર કરવા માટે આર્થિક, સામાજિક, શૈક્ષણિક સહિત વિવિધ ક્ષેત્રોમાં બદલાવ માટે સામુહિક પ્રયાસ અને અભિગમથી જ આ વિકાસકામ શક્ય બને છે. સરકાર પ્રજાકલ્યાણ માટે જ કામગીરી કરે છે અને લોકો માટે અનેકવિધ યોજનાઓ અમલી બનાવે છે. સમાજના વિકાસને એક નવી દિશા આપવા માટે પ્રજાની સહભાગીદારીતા પણ અતિમહત્વપૂર્ણ છે. તેમાં સ્વૈચ્છિક સંસ્થાઓ પૂરક બની ઉર્દીપકનું કામ કરે છે.

આ સફળ કાર્યક્રમનું સંપૂર્ણ સંકલન ફાઉન્ડેશનના જિલ્લા કોર્ડિનેટર નજમા કેસવાણીએ કર્યું હતું. આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીમતી ડો.વર્ષાબેન વસાવા, જિલ્લા આયોજન કચેરીના પ્રતિનિધિ, જિલ્લા વિકાસ અધિકારી ગરૂડેશ્વર તાલુકાના વિસ્તરણ અધિકારી કમલેશ પટેલ, આઈ.સી.ડી.એસ.ના તાલુકાકક્ષાના અધિકારીઓ, જિલ્લા માહિતી કચેરીની “ટીમ નર્મદા” સહિત અનેકવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના ચેરમેન-પ્રતિનિધિઓ પોતાની વિશેષ ઉપસ્થિતિ નોંધાવીને જિલ્લાના વિકાસને એક નવી દિશા-આશા આપવા માટે એક મંચ પર ભેગા થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here