રાજપીપલાના આંબેડકર હોલ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષી તાલીમ આપવામાં આવી

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

ચૂંટણી અધિકારી મદદનીશ ચૂંટણી અધિકારી અને ચૂંટણી સાથે સંકળાયેલ અન્ય સ્ટાફ સહિત કુલ-૭૦ જેટલાં અધિકારીઓને ચૂંટણીલક્ષી ફરજ માટે તાલીમ અપાઇ

પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા થીયરીની સાથોસાથ પ્રેક્ટીકલ નિદર્શન દ્વારા અપાયેલું વિસ્તૃત માર્ગદર્શન

નર્મદા જિલ્લામાં આગામી તા.૨૮ મી ફેબ્રુઆરી, ૨૦૨૧ ના રોજ યોજાનારી જિલ્લા પંચાયત/તાલુકા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૧ સંદર્ભે મતદાનની કામગીરી સુનિશ્વિત રીતે સુપેરે પાર પડે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહનાં માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સાથે સંકળાયેલા ચૂંટણી અધિકારી/ મદદનીશ ચૂંટણી અધિકારી અને ચૂંટણી સાથે સંકળાયેલ અન્ય સ્ટાફ સહિત કુલ-૭૦ જેટલાં અધિકારીઓને તેમની ફરજના ભાગરૂપે તબક્કાવાર તાલીમી આયોજન અન્વયે આજે રાજપીપલા આંબેડકર હોલ ખાતે ઇન્ચાર્જ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી એચ.કે.વ્યાસની ઉપસ્થિતિમાં તાલીમ યોજાઇ હતી.

નાંદોદના પ્રાંત અધિકારીશ્રી કે.ડી.ભગતે ઉક્ત તાલીમમાં મતદાનનાં દિવસે સમયસર કરવાની થતી કામગીરી અંગેનું વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. ઉક્ત તાલીમવર્ગમાં પ્રિ-પોલ, પોલ-ડે અને આફ્ટર પોલ, EVM, VVPAT, રિસીવીંગ-ડિસ્પેચીંગ સહિતની તબક્કાવાર તમામ પ્રકારની કામગીરી અંગે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જરૂરી જાણકારી સાથે સમજ અપાઇ હતી. તદ્ઉપરાંત તમામને EVM, VVPAT અંગે હેન્ડસ ઓન ચૂંટણીલક્ષી કામગીરી સબબ જાણકારી સાથે પ્રત્યક્ષ પ્રેક્ટીકલ નિદર્શન દ્વારા વિસ્તૃત માર્ગદર્શન પણ પુરૂ પડાયું હતું. આ ચૂંટણીમાં મતદાન વખતે મતદારે ફોટો વોટર સ્લીપની સાથોસાથ ચૂંટણીપંચે સૂચવેલ વૈકલ્પિક દસ્તાવેજી પુરાવાઓ પૈકી કોઇ એક પુરાવો પણ હવે રજૂ કરવાનો રહેશે તેની પણ સમજ અપાઇ હતી.

તાલીમ વર્ગમાં સુપરવાઇઝરી કામગીરી બાબતે ચોકસાઇ અને સચોટતાની સાથે મતદાનની કામગીરી સરળ બની રહે તે માટે મતદાન મથકના ફરજ પરના અધિકારીઓ-કર્મચારીઓ માટે જુદા જુદા વૈદ્યાનિક ફોર્મની વિગતો ભરવા ઉપરાંત રજીસ્ટરમાં તેની નોંધણી, મોકપોલ, મતદાન પ્રક્રિયા, પૂર્ણ થયા બાદ EVM મશીન VVPAT સીલ કરીને તેના ડિસ્પેચીંગ સુધીની તમામ બાબતો અંગે તાલીમાર્થીઓને જરૂરી માર્ગદર્શન પુરૂ પડાયું હતું.

ઉક્ત તાલીમમાં ચૂંટણીના માસ્ટર ટ્રેનર શ્રી સુરેન્દ્રકુમાર ચંદુભાઇ ગામીતે EVM, VVPAT ના પ્રત્યક્ષ પ્રેક્ટીકલ નિદર્શન દ્વારા વિસ્તૃત માર્ગદર્શન પણ પુરૂ પડાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here