મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ખેડા તાલુકા સેવા સદનની ઓચિંતી મુલાકાતે પહોંચ્યા

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

કચેરીની રોજિંદી કામગીરી-નાગરિકોને આપવાના થતા દાખલા – પ્રમાણપત્રો – ઈ–ધરા કેન્દ્રની કાર્યવાહીનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું

મુલાકાતીઓ સાથે વાતચીત કરી વહીવટી તંત્રની કામગીરી અંગેના પ્રતિભાવો જાણ્યા

તાલુકાના અધિકારીઓ સાથે પણ બેઠક યોજી જરૂરી સૂચનો કર્યા-માર્ગદર્શન આપ્યું

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારની કચેરીઓમાં થતી પ્રજાલક્ષી કામગીરીના નિરીક્ષણ અને કમૅયોગીઓના લોકો સાથેના વ્યવહાર વર્તનની જાત માહિતી મેળવવા જિલ્લા વહીવટી તંત્રની કચેરીઓની ઓચિંતી મુલાકાત લેવાનો જન સંવેદનાલક્ષી અભિગમ અપનાવ્યો છે.

મુખ્યમંત્રીશ્રી આ અભિગમને આગળ ધપાવતાં શુક્રવારે સવારે ખેડા જિલ્લા સેવા સદનની સરપ્રાઈઝ વિઝીટ માટે પહોંચ્યા હતા.

મુખ્યમંત્રીશ્રી આણંદના સારસામાં ગ્રામજનો સાથે સંવાદ કાર્યક્રમ પૂર્ણ કરીને કોઈ જ પૂર્વનિર્ધારિત કાર્યક્રમ સિવાય ખેડા જિલ્લા સેવા સદનની મુલાકાતે ગયા હતા.

તેમણે તાલુકા સેવા સદનમાં પોતાના કામકાજ માટે આવેલા સામાન્ય નાગરિકો, મુલાકાતીઓ સાથે વાતચીત કરીને વહીવટી તંત્રની કામગીરી અંગે તેમના પ્રતિભાવો જાણ્યા હતા.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તાલુકા સેવા સદનની રોજિંદી કાર્યવાહીનું નિરીક્ષણ કરીને આવકના દાખલા, જાતિ પ્રમાણપત્રો વગેરે સમયસર લોકોને મળી રહે છે કે કેમ તેની ખાતરી કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ તાલુકા સેવા સદનમાં કાર્યરત ઈ-ધરા કેન્દ્રની કામગીરીનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. એટલું જ નહિં, બિનજરૂરી કોઈપણ નોંધ નામંજૂર ન થાય તેમજ તકરારી નોંધ સહિતની નોંધનો સમયસર નિકાલ થાય તે માટેની સૂચનાઓ આપી હતી.

તેમણે ખેડૂતો દસ્તાવેજ નોંધણી કરાવે તે જ દિવસે ઈ-ધરા કેન્દ્રમાં તેની ઓટોજનરેટ નોંધ થાય તે સુનિશ્ચિત કરવા પણ સૂચનો કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ ખેડૂતોને રસ્તાના કેસો, જન્મ પ્રમાણપત્રના કેસો તથા અન્ય તમામ કેસોનો સમયસર નિકાલ થાય છે કે કેમ તેની પણ ખાતરી આ મુલાકાત દરમિયાન કરી હતી.

પોતાના કામકાજ માટે કચેરીની મુલાકાતે આવતા લોકો માટે પીવાનું પાણી, બેસવા માટેની વ્યવસ્થા તથા કચેરીઓની સફાઈ-સ્વચ્છતા અને અન્ય સુવિધાઓ બાબતે પણ જિલ્લા વહીવટી તંત્રને જરૂરી સૂચનો કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રીની આ ઓચિંતી મુલાકાત દરમિયાન જનપ્રતિનિધિઓ-પદાધિકારીઓને પણ મળ્યા હતા તેમજ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી વગેરે તાલુકા અધિકારીઓ સાથે પણ બેઠક યોજીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

મુખ્યમંત્રીશ્રી સાથે મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસ, મુખ્યમંત્રીશ્રીના ઓ.એસ.ડી. શ્રી ધીરજ પારેખ વગેરે પણ આ સરપ્રાઈઝ વિઝીટમાં જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here