પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લામાં પોલિસ કામગીરીની સમીક્ષા હાથ ધરતા ગૃહરાજ્યમંત્રી

ગોધરા,(પંચમહાલ)
ઇશ્હાક રાંટા

ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ આજે પંચમહાલ જિલ્લાની મુલાકાત દરમિયાન પંચમહાલ રેન્જ-ગોધરાના ત્રણેય જિલ્લા- પંચમહાલ, દાહોદ અને મહિસાગર પોલિસની કામગીરી સંદર્ભે સમીક્ષા હાથ ધરી હતી. ડીઆઈજીપીશ્રી એમ.એસ.ભરાડાએ ગૃહ રાજ્યમંત્રીશ્રીને ત્રણેય જિલ્લામાં પોલિસનું સંખ્યાબળ, ગુનાના બનેલ બનાવો, ઉકેલાયેલા-વણઉકલ્યા બનાવો, પ્રોહીબીશન-જુગારના કેસો, નાર્કોટિક્સ, NDPS એક્ટ અંતર્ગત કરાયેલ કામગીરી, પશુ સંરક્ષણ અધિનિયમ અંતર્ગત નોંધાયેલ કેસો, લોકડાઉન દરમિયાન પોલિસે કરેલી કામગીરી, વિશેષ કામગીરી સહિતની વિગતો આપી હતી. કોરોના કટોકટીના પરિણામે ગુનાના બનાવો- પ્રકારમાં આવેલ ફેરફાર અને તે સંદર્ભે પોલિસે કરેલ કામગીરીની મંત્રીશ્રીએ નોંધ લીધી હતી. પંચમહાલ જિલ્લા પોલિસ દ્વારા લોક ડાઉન દરમિયાન સર્વેલન્સ માટે ઉપયોગમાં લેવાયેલ એર-બલૂન વિશે માહિતી મેળવી બોર્ડર સહિતના વિસ્તારોમાં શંકાસ્પદ હેરફેર પર નજર રાખવા માટે વાપરી શકાય કે કેમની શક્યતા ચકાસવા જણાવ્યું હતું. ત્રણેય જિલ્લાઓમાં નાસતા-ફરતા આરોપીઓને પકડવાની ડ્રાઈવ સતત ચાલુ રાખવા જણાવી સતત પેટ્રોલિંગ પર ભાર મૂકવા મંત્રીશ્રીએ સૂચના આપી હતી. મંત્રીશ્રી પંચમહાલ જિલ્લામાં શરૂ કરાયેલ ડ્રીલ નર્સરીની પહેલને આવકારદાયક ગણાવતા અન્ય જિલ્લાઓમાં પણ આ પ્રકારની ડ્રીલ નર્સરી શરૂ કરી શકાય તેમ જણાવ્યું હતું.
ગૃહરાજ્યમંત્રીશ્રીએ ત્રણેય જિલ્લાઓમાં કોરોના સંક્રમણનો ભોગ બનેલા પોલિસ જવાનો અને તેમની સારવાર-સ્થિતિ અંગે પૃચ્છા કરી સંવેદના વ્યક્ત કરી હતી. બેઠકમાં પંચમહાલ જિલ્લાના પોલિસ વડા ડો. લીના પાટિલ, દાહોદ પોલિસ વડા શ્રી હિતેષ જોયસર, મહિસાગર જિલ્લા પોલિસ વડા શ્રી રાકેશ બારોટ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here