પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે રોજગાર ઈચ્છુક દિવ્યાંગ ઉમેદવારો માટે ઓનલાઈન ભરતી મેળા અને માર્ગદર્શન શિબિર યોજાયા

ગોધરા,(પંચમહાલ)
ઇશ્હાક રાંટા

પંચમહાલ જિલ્લા રોજગાર કચેરી દ્વારા ગત શનિવારે જીલ્લાના દિવ્યાંગ ઉમેદવારો માટે ગુગલમીટ એપના માધ્યમથી ઔદ્યોગિક રોજગાર ભરતીમેળો, એપ્રન્ટિસશીપ મેળો અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજવામાં આવી હતી. આ ઓનલાઈન ભરતી મેળામાં સન ફાર્માસ્યુટિકલ હાલોલ હાજર રહી હતી. તેમણે દિવ્યાંગ ઉમેદવારો માટેની ૨૫ જેટલી ખાલી જગ્યાઓ ભરવા ધો.૧૦ પાસ, ૧૨ પાસ, આઈ.ટી.આઈ ડિપ્લોમા, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રીધારકો તેમજ અનુભવી, બિન-અનુભવી, ૧૮થી ૩૫ની વય ધરાવતા દિવ્યાંગ સ્ત્રી-પુરૂષ ઉમેદવારોને જોબની તકો ઓફર કરી હતી. તેમજ રસ ધરાવતા દિવ્યાંગ ઉમેદવારોને એકમના ઈમેલ આઈ.ડી પર બાયોડેટા મોકલવા, સોમવાર અને શુક્રવારે માસ્ક પહેરીને હાલોલ ખાતેના પ્લાન્ટ ગેટ નંબર-૨ પર સવારે ૧૧.૦૦ થી બપોરે ૩.૦૦ સુધી સોશ્યલ ડિસ્ટન્સિંગના પાલન સાથે અને કોવીડ-૧૯ની ગાઈડલાઈનનું પાલન કરી રૂબરૂ દિવ્યાંગતાનું પ્રમાણપત્ર ,અભ્યાસના પ્રમાણપત્ર ,રોજગાર કચેરીનું નોંધણી કાર્ડ વગેરે સાથે ઉપસ્થિત રહેવા જણાવ્યું હતું. ઈન્ટરવ્યું દરમિયાન યોગ્ય લાયકાત મુજબ એકમમાં, કોન્ટ્રાકટમાં ,એપ્રેન્ટીસ ,નીમ પ્રોજેક્ટ વગેરેમાં રાખવામાં આવશે. ભરતી મેળામાં જે ઉમેદવારો ઘેર બેઠા પોતાનો ધંધો સ્વરોજગાર કરવા માંગતા હોય અને આત્મ નિર્ભર બનવા માંગતા ઉમેદવારોને જીલ્લા ઉધોગ કેન્દ્રની બાજપાઈ બેન્કેબલ યોજના, માનવ કલ્યાણ યોજના ,જીલ્લા સમાજ સુરક્ષા કચેરીની સાધન સહાય યોજના , સમાજ કલ્યાણ કચેરીની માનવ ગરિમા યોજના અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સ્વરોજગાર કરવા માટે જરૂરી કૌશલ્ય તાલીમ અંગે બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન દ્વારા સ્વરોજગાર લોન સહાય અને ટૂંકા ગાળાના રોજગારલક્ષી તાલીમ વર્ગોમાં જોડાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ નેશનલ કેરિયર સેન્ટર પોર્ટલ WWW.NCS.GOV.IN પર દિવ્યાંગ ઉમેદવારો માટે વ્યવસાય માર્ગદર્શન અને રોજગારીની તકો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ૨૦ થી વધુ દિવ્યાંગ ઉમેદવારોએ ગુગલ મીટ એપમાં જોડાઈને આ મેળાનો લાભ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here