નારી સંરક્ષણ કેન્દ્ર,ગોધરા ખાતે શરણાઈના સૂર અને ઢોલ ઢબુકશે

ગોધરા, (પંચમહાલ) નવાઝ શેખ :-

નારી સંરક્ષણ કેન્દ્ર,ગોધરાની દીકરી ભારતી પ્રભુતામાં પગલા માંડશે

પંચમહાલ જિલ્લાના ગોધરા સ્થિત નારી સંરક્ષણ ગૃહમાં શરણાઈના સૂર રેલાશે અને ઢોલ ઢબુકશે.કારણ કે ગૃહની જ એક દીકરી કુમ કુમ પગલા માંડવા જઈ રહી છે. ગૃહમાં લગ્નની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ દીકરીના લગ્ન અને કન્યાદાનનો તમામ ખર્ચ સરકાર અને દાતાઓ ઉઠાવી રહ્યા છે.પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર, મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી તથા નારી સંરક્ષણ કેન્દ્રના સંયુક્ત પ્રયાસો થકી તારીખ ૦૪ ફેબ્રુઆરી,૨૦૨૪ના રોજ નારી ગૃહમાં ઉછરેલી દીકરી ભારતી પ્રભુતામાં પગલા માંડશે.

નારી સંરક્ષણ ગૃહ,ગોધરા ખાતે દીકરી ભારતીના લગ્નની તાડામાર તૈયારીઓ ચાલી રહી છે. એ દિવસ હવે દૂર નથી ,જ્યારે આ નારી સંરક્ષણ ગૃહ શરણાઈના સૂરો અને ઢોલના તાલે ગૂંજી ઉઠશે. ગોધરા ખાતે આવેલા આ નારી સંરક્ષણ ગૃહે આ દીકરીને નાનપણથી પોતાની દીકરીની જેમ સાચવી છે અને એક પરિવાર જેવી હુંફ આપી છે. હવે તેના લગ્ન યોજાઈ રહ્યા છે, ત્યારે આ લગ્નનો તમામ ખર્ચ નારી સંરક્ષણ ગૃહના દાતા અને સરકાર દ્વારા વહન કરવામાં આવશે. ઉપરાંત આ દીકરીના કન્યાદાન અને ચાંદલામાં આવેલી રકમને ફિક્સ ડિપોઝીટ પણ કરવામાં આવશે.

તારીખ ૦૪ ફેબ્રુઆરીના રોજ ગોધરા મોતીબાગ પાર્ટી પ્લોટ ખાતે સવારે ૯.૩૦ કલાકે જાનનું આગમન થશે,બપોરે ૧૨.૨૯ કલાકે હસ્ત મેળાપ કરાશે તથા સાંજે ૩.૩૦ કલાકે કન્યા વિદાય થશે. આ અવસરે નવદંપત્તિને આશિષ આપવા માટે સામાજિક ન્યાય અને અધિકારીતા,મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયા, શિક્ષણમંત્રીશ્રી  કુબેરભાઈ ડીંડોર,જિલ્લા કલેક્ટરશ્રી આશિષ કુમાર,જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ, દાતાઓ અને આગેવાનો ઉપસ્થિત રહેશે.આ લગ્નમાં કરિયાવર તરીકે જીવન જરૂરી દરેક વસ્તુઓ દાતાઓના સહયોગથી ભેટ રૂપે નવયુગલને આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here