નર્મદા જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

જનપ્રતિનિધિઓના પ્રશ્નોને વાચા આપી ત્વરિતપણે બાકી રહેલી કામગીરી ઝીણવટપૂર્વક ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ કરવા અધિકારીઓને તાકિદ કરતા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા

જિલ્લા સંકલનની બેઠકમાં ભાગ લઈ અધિકારીઓને બાકી રહેલી કામગીરીને આયોજનબદ્ધ રીતે પૂર્ણ કરવા કેટલાંક રચનાત્મક સૂચનો કર્યા

જિલ્લાનું કામ સારું દેખાય તેવું કાર્ય કરો :- સાંસદ મનસુખભાઈ વસાવા

નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના અધ્યક્ષપદે યોજાયેલી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકમાં ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા ઉપસ્થિત રહીને જનતાના પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી.

આ બેઠકમાં કલેક્ટરે જનપ્રતિનિધિઓ સમક્ષ વિવિધ વિભાગોના સબંધિત અધિકારીશ્રીઓ દ્વારા કરવામાં આવેલી વિકાસલક્ષી કામગીરીનો ચિતાર રજૂ કરવામાં આવ્યો હતો. અને તંત્ર દ્વારા પાઠવવામાં આવેલા પ્રશ્નોની વિગતો પુરી પાડી હતી. જેમાં નલ સે જળ, આદિજાતિ વિકાસ, રોડ-રસ્તા, શિક્ષણ, જમીન સંપાદન, પોલીસ તંત્રની કામગીરી સહિત આઈસીડીએસ, જિલ્લા પુરવઠા અને આદિજાતિ વિભાગ, ટ્રાયબલ સબ પ્લાનને લગતી યોજનાઓની સમીક્ષા કરાઈ હતી. જેમાં ધારાસભ્ય દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નો પર વિશેષ ભાર આપી પરસ્પર સંકલન અને વ્યવહારુ અભિગમ અપનાવી બાકી રહેલ કામગીરીને આયોજનબદ્ધ રીતે એકબીજાના વિભાગો સાથે સંકલન કરી ગુણવત્તાયુક્ત કામગીરી પૂર્ણ કરવા તાકિદ કરી હતી.

બેઠકમાં જન પ્રતિનિધિ દ્વારા વિસ્તારના વિકાસના કામોની દરખાસ્ત મંજૂર કરતા પહેલા તેમના અભિપ્રાયો લેવા પર ભાર મૂક્યો હતો. રજૂ કરાયેલા વિવિધ પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા-વિચારણા કર્યા બાદ અધિકારીઓએ કરેલ કામગીરી અંગે ઉત્તરો આપ્યા હતા. કલેક્ટરશ્રીએ પણ વિવિધ વિભાગો સાથે સંકલનમાં રહીને જિલ્લામાં વહીવટ સરળ, સુગમ અને ઝડપી બને તે માટે રચનાત્મક સૂચનો કરીને અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તદઉપરાંત, સંભવિત હીટ વેવને ધ્યાનમાં લઇને અરજદારો માટે કચેરીમાં બેઠક વ્યવસ્થા તેમજ ઠંડા પાણીની પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવા જણાવ્યું હતું. સાથે ગ્રામીણ ક્ષેત્રેમાં પાણીની તંગી ન પડે તે માટે અત્યારથી જ આયોજન કરવા જણાવ્યું હતું.

સંકલન સમિતિની બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, નાયબ વન સંરક્ષક નિરજકુમાર અને મિતેશ પટેલ, નિવાસી અધિક કલેકટર સી.એ.ગાંધી, જિલ્લા ગ્રામ વિકાસ વિભાગના નિયામક જે.કે.જાદવ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અને નાંદોદ ઇ.ચા. પ્રાંત અધિકારી સુશ્રી જિજ્ઞાબેન દલાલ, દેડીયાપાડા પ્રાંત અધિકારી આનંદ ઉકાણી, સહિત સંબંધિત વિભાગના અધિકારી-કર્મચારીઓ તેમજ પ્રતિનિધિઓ હાજર રહ્યાં હતાં.

સંકલનની બેઠક બાદ જિલ્લા પોલીસ વડા દ્વારા કાયદો અને વ્યવસ્થા તથા સ્થાનિક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી અંગે બેઠક મળી હતી. જેમાં સબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહીને ચર્ચા-વિચારણા કરી હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here