નર્મદા જિલ્લામા હિંસાથી પીડિત ૫૩ મહિલાઓએ સખી વન સ્ટોપ સેન્ટર યોજનાનો લાભ લીધો

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

સખી વન સ્ટોપ સેન્ટરનો પ્રચાર-પ્રસાર જિલ્લામાં વધુને વધુ થાય તેવા વિશેષ પ્રયાસો કરવા નિવાસી કલેક્ટર વ્યાસની હિમાયત

અંતરિયાળ અને છેવાડાની બહેનો પણ સ્પર્ધાત્મક ક્ષેત્રે સિધ્ધિ હાંસલ કરે તેવું સુચારૂં આયોજન ઘડી કાઢવા એચ.કે.વ્યાસનો અનુરોધ

નિવાસી અધિક કલેક્ટર એચ.કે.વ્યાસના અધ્યક્ષપદે “બેટી બચાવો બેટી પઢાવો” અને સખી વન સ્ટોપ સેન્ટર સંદર્ભે યોજાયેલી સમીક્ષા બેઠક

નર્મદા જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર એચ.કે.વ્યાસના અધ્યક્ષસ્થાને આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે “બેટી બચાવો બેટી પઢાવો” યોજના અંતર્ગત ટાસ્ક ફોર્સ કમિટી અને સખી વન સ્ટોપ યોજના અંતર્ગત જિલ્લા મોનીટરીંગ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં નર્મદા જિલ્લામાં દિકરીઓમાં શિક્ષણનું પ્રમાણ વધે તે દિશાના પ્રયાસો હાથ ધરવા તેમજ અંતરિયાળ અને છેવાડાના તાલુકામાં જનજાગૃત્તિ અભિયાન થકી જાગૃ્ત્તિ લાવવા પર ખાસ ભાર મૂક્યો હતો. અંતરિયાળ અને છેવાડાની બહેનો પણ સ્પર્ધાત્મક ક્ષેત્રે સિધ્ધિ હાંસલ કરે તેવું સુચારૂં આયોજન ઘડી કાઢવા એચ.કે.વ્યાસે અનુરોધ કર્યો હતો.

જિલ્લા મહિલા અને બાળ અધિકારી સુશ્રી હસીનાબેન મન્સૂરી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.કે.પી.પટેલ, સિવીલ સર્જન ડૉ. જ્યોતિબેન ગુપ્તા, ઇન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીમતી વર્ષાબેન વસાવા, બાળ સુરક્ષા અધિકારી ચેતન પરમાર, પોલીસ વિભાગ, સખી વન સ્ટોપ સેન્ટર, કુટુંબ સલાહ કેન્દ્ર અને જિલ્લા મહિલા શક્તિ કેન્દ્ર, આઇસીડીએસ વિભાગના પ્રતિનિધિશ્રીઓ સહિત જિલ્લાના સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકને સંબોધતા નિવાસી અધિક કલેક્ટર એચ.કે.વ્યાસે “બેટી બચાવો બેટી પઢાવો” યોજના અંતર્ગત આગામી વર્ષ-૨૦૨૧-૨૨ અંતર્ગત આરોગ્ય, શિક્ષણ, આઇસીડીએસ અને જિલ્લા મહિલા અને બાળ અધિકારી વિભાગ દ્વારા કરવાની થતી કામગીરીની વિસ્તૃત ચર્ચા-વિચારણા સાથે અમલીકરણ અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

જિલ્લાની ૧૦૦ ટકા વિદ્યાર્થીઓનું નામાંકન થયેલ પ્રાથમિક શાળા-૩, માધ્યમિક શાળા-૩ અને ઉચ્ચતર માધ્યમિક શાળા-૩ એમ કુલ-૦૯ શાળાઓને શાળા દીઠ રૂ. ૧૦ હજારનો પુરસ્કાર તેમજ ધો-૧૨ ની સામાન્ય પ્રવાહની પાંચ અને વિજ્ઞાન પ્રવાહની પાંચ એમ કુલ-૧૦ વિદ્યાર્થીનીઓને વિદ્યાર્થી દિઠ રૂ. ૫ હજારનું પ્રોત્સાહનની રકમ આપવા ઉપરાંત દેડીયાપાડા તાલુકા ખાતેની સરકારી વિનયન કોલેજ સાથે સંકલન કરી કોલેજના વિદ્યાર્થીઓ તેમજ કોલેજ સિવાયની કુલ-૪૦ વિદ્યાર્થીનીઓએ જુદી-જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ માટે કોલેજના તજજ્ઞ ફેકલ્ટી દ્વારા ૬૦ કલાકની સ્પર્ધાત્મક તાલીમ આપવાની સાથે રાજપીપલા ખાતેના ટેકવેન્ડલ એશોસીએશન ઓફ નર્મદા સંસ્થાના બ્લેક બેલ્ટ કોચ દ્વારા ૦૯ શાળાઓ અને ૦૨ કોલેજની કુલ-૧૩૭૭ વિદ્યાર્થીનીઓને Self Defence ની તાલીમ આપી તથા તાલીમ લીધા બદલનું પ્રમાણપત્ર આપવામાં આવ્યા હોવાની વિસ્તૃત જાણકારી જિલ્લા મહિલા અને બાળ અધિકારી સુશ્રી હસીનાબેન મન્સૂરીએ આપી હતી.

સખી વન સ્ટોપ સેન્ટર યોજના અંતર્ગત જિલ્લા મોનીટરીંગ સમિતિની બેઠકમાં પરામર્શ તબીબી સેવા, કાનૂની માર્ગદર્શન, પોલીસ સેવા અને આશ્રયની સેવા મેળવવાં જિલ્લામાં ડિસેમ્બર-૨૦૨૧ થી ફેબ્રુઆરી-૨૦૨૨ સુધી- ૨૮ અને માર્ચ-૨૦૨૨ થી મે-૨૦૨૨ સુધી ૨૫ સહિત કુલ-૫૩ મહિલાઓએ આજદિન સુધી સખી વન સ્ટોપ સેન્ટર યોજનાની સેવાઓ મેળવેલ હોવાની જાણકારી જિલ્લા મહિલા અને બાળ અધિકારી સુશ્રી હસીનાબેન મન્સુરી તરફથી અપાઇ હતી. સખી વન સ્ટોપ સેન્ટરનો પ્રચાર-પ્રસાર જિલ્લામાં વધુને વધુ થાય તેવા વિશેષ પ્રયાસો કરવાની પણ શ્રી વ્યાસે હિમાયત કરી હતી.

તદ્દઉપરાંત, સખી વન સ્ટોપ સેન્ટરનો લાભ પીડિત બહેનોને મળી રહે તે માટે જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં પ્રચાર-પ્રસાર માટેની માહિતી ઉપલબ્ધ થાય અને આવી પીડિત મહિલાઓને મોકલી આપવાંની સાથોસાથ કઠિન પરિસ્થિતિમાં રહેતી મહિલાઓને ચિકિત્સાને લગતી અને કાનૂની સહાય તેમજ પીડિત મહિલાઓના પુન:સ્થાપન માટે સખી વન સ્ટોપ સેન્ટરમાં મળતી સેવાઓ બાબતે પણ જરૂરી ચર્ચા-વિચારણા કરાઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here