નર્મદા જિલ્લાના પાંચ તાલુકાઓમાં કૃષિ પ્રદર્શન સ્ટોલ અને પ્રાકૃતિક કૃષિ મોડલ ફાર્મની મુલાકાત

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આયોજિત રવી કૃષિ મહોત્સવ-૨૦૨૩ ગતરોજ બહોળી સંખ્યામાં ખેડૂતોને  કૃષિ પરિસંવાદમાં કૃષિ વૈજ્ઞાનિકશ્રીઓ અને પ્રગતિશીલ ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે વિસ્તૃતમાં માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતુ.

નર્મદા જિલ્લાના પાંચ તાલુકાઓમાં રવી કૃષિ મહોત્સવ અંતર્ગત તા. ૨૫ નવેમ્બરના રોજ કૃષિ પ્રદર્શન સ્ટોલ અને પ્રાકૃતિક કૃષિ મોડલ ફાર્મની મુલાકાત કરાઈ હતી.

નાંદોદના સરદાર ટાઉન હોલ રાજપીપળાને સમાંતર જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ધામધ્રા, તિલકવાડા તાલુકાના કે.એમ.શાહ સાર્વજનિક હાઈસ્કુલ, દેડિયાપાડાના પ્રાથમિક શાળા રેલવાના મેદાન, સાગબારા તાલુકાના નાના ડોરઆંબા ખાતે સ્ટોલ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ મુલાકાત લીધી હતી. જેમાં પ્રાકૃતિક અને પરંપરાગત કૃષિ (તૃણધાન્ય)ના ઉપયોગ, તેના પોષકગુણો, પાક ઉત્પાદન, જમીનની ગુણવત્તામાં વધારો, આવકમાં વધારો, ખર્ચમાં ઘટાડો જેવી બાબતોથી માહિતગાર કરવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, નાંદોદ તાલુકાના લાછરસ ગામે દીપેન ભાઈ કાંતિભાઈ દેસાઈ, ગરુડેશ્વર તાલુકાના દેકાઈ ગામે નામસરણભાઈ દયાલભાઈ તડવી, તિલકવાડા તાલુકાના ગોપાલભાઈ ગંભીર ભાઈ બારીયા, દેડિયાપાડા તાલુકાના રેલવા ભરાડા ગામે તુલસીભાઈ ગુલિયાભાઈ વસાવા, સાગાબારા તાલુકાના નાના કાકડીઆંબા ગામે શંકરભાઈ વેચિયાભાઈ વસાવા પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મની મુલાકાત બહોળી સંખ્યામાં ખેડૂતોએ કરી જેમાં સ્થળ પર પ્રત્યક્ષ તાલુકાના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી જોઈને સ્થળ પર જ પ્રાકૃતિક ખેતી અંગેના ઘણા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. ઊપસ્થિત ખેડૂતોએ પ્રતિજ્ઞા લીધી કે અમે પણ પ્રાકૃતિક ખેતી અપનાવશું. સાથે જિલ્લાના પશુપાલન વિભાગ દ્વારા પાંચે તાલુકાઓના ૭ ગામોમાં રસીકરણ કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

આ કૃષિ પ્રદર્શન સ્ટોલ અને પ્રાકૃતિક કૃષિ મોડલ ફાર્મની મુલાકાતમાં સંબંધિત અધિકારી- કર્મચારીઓ સહિત લોકો-ખેડૂતમિત્રો ઊપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here