નર્મદા કલેકટરે મતદાન જાગૃતિ ડેમોન્સ્ટ્રેશન વાનનું પ્રસ્થાન કરાવ્યું

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

આગામી 29 મી ફેબ્રુઆરી-2024 સુધી જિલ્લાના તમામ તાલુકા-ગામોમાં જઈને આ વાન થકી ચૂંટણી પ્રક્રિયા અંગે નાગરિકોને સમજ અપાશે

જીલ્લા ના તાલુકા મથકના મુખ્ય બજારો, હાટ બજારો, ધાર્મિક સ્થળો, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, પ્રવાસન સ્થળો અને શાળા-કોલેજોમાં આ વાન થકી નિદર્શન યોજાશે

આગામી લોકસભાની ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય અને નાગરિકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ કેળવાય તે હેતુને ધ્યાનમાં લઈને ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા મોબાઈલ નિદર્શન વાન દરેક જિલ્લાઓને ફાળવવામાં આવી છે. તેવી જ રીતે નર્મદા જિલ્લાને પણ એક વાન મળી છે, જેનું આજે જિલ્લા સેવાસદવ ખાતે કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.

નર્મદા જિલ્લાના નાગરિકોમાં મતદાન જાગૃતિ અંગેની આ વાનને જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી શ્વેતા તેવતિયાના હસ્તે ફ્લેગ ઓફ કરાવી જિલ્લામાં ભ્રમણ માટે રવાના કરાઈ હતી. આ અભિયાન આજથી શરૂ થઈને આગામી 29 મી ફેબ્રુઆરી-2024 સુધી ચાલશે. નર્મદા જિલ્લાના તમામ ગામોમાં આ રથ ફરશે અને ત્યાંના લોકોને ખાસ કરીને ઇવીએમ કઈ રીતે કામ કરે છે, મતદારો ઇવીએમથી પોતાનું મતદાન કઈ રીતે કરી શકે, પોતે આપેલો વોટ વીવીપેટમાં કેવી રીતે જોઈ શકાય તે સહિતની વિગતોની માહિતી મળી રહે તે આ નિદર્શન થકી દર્શાવવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ વાન સાથે એક ઇન્સ્ટ્રક્ટર પણ રહેશે. જે મતદારોને આ તમામ બાબતોની સમજ પુરી પાડશે. સાથે રથમાં લગાવેલી એલઇડી સ્ક્રીનમાં વિડીયો પણ દર્શાવવામાં આવશે. તેમાં દર્શાવેલો વીડિયો જોઈને પણ ચૂંટણી પ્રક્રિયા કેવી રીતે થાય છે તેની જિલ્લાના નાગરિકોને સમજ આપવામાં આવશે.

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી જીજ્ઞા દલાલે વાન અંગે માહિતી આપતા જણાવ્યું કે, નર્મદા જિલ્લાના ગામોમાં ભ્રમણ કરનાર આ વાન ખાસ કરીને તાલુકા મથકના મુખ્ય બજારો, હાટ બજારો, ધાર્મિક સ્થળો, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, પ્રવાસન સ્થળો કે જ્યાં મોટા પ્રમાણમાં લોકો ભેગા થાય છે તેવી જગ્યાએ આ નિદર્શન કરવામાં આવશે. યુવા મતદારોને ખાસ કરીને માહિતગાર કરી શકાય તે માટે સ્કૂલ-કોલેજમાં પણ આ વાન થકી નિદર્શન કરવામાં આવશે. જેનો બહોળી સંખ્યામાં લાભ લેવા જિલ્લાના નાગરિકોને અપીલ કરી હતી.

નિદર્શન વાનના પ્રસ્થાન વેળાએ નિવાસી અધિક કલેક્ટર સી.કે.ઉંધાડ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી જિજ્ઞા દલાલ, પ્રાંત અધિકારી અને 148 – નાંદોદ વિધાનસભા મત વિસ્તારના ચૂંટણી અધિકારી કેતુલ ઈટાલિયા, નાંદોદના મામલતદાર શ્રીમતી પદ્માબેન ચૌધરી સહિત જિલ્લા ચૂંટણ શાખાના મામલતદાર અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here