કાલોલ શહેરમાં કોંગ્રેસના ભારત બંધને આંખોની શરમ પુરતો આંશિક પ્રતિસાદ : અન્યથા રાબેતા મુજબનો ધમધમાટ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મીરઝા :-

કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારના શાસનમાં વધતી જતી મોંઘવારી અને બેરોજગારી સામે કોંગ્રેસે બાંયો ચઢાવીને શનિવારે બપોરના બાર વાગ્યા સુધીના સાંકેતિક ભારતબંધનુ એલાન કરતા શનિવારે કાલોલ શહેર અને તાલુકા વિસ્તારમાં અંશતઃ પ્રતિસાદ સાંપડયો હોવાનું ચિત્ર જોવા મળ્યું હતું. શનિવારે સવારથી જ રાબેતા મુજબ બજારો ખુલી ગયા હોવાથી ભારત બંધના એલાનને સમર્થન આપવા માટે કોંગ્રેસના નેતાઓ બજારમાં આવ્યા હતા. એક હકીકત મુજબ કાલોલ શહેર અને તાલુકામાં કોંગ્રેસ પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહ્યો છે જેથી આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને કાલોલ કોંગ્રેસમાં પ્રાણ પુરવા માટે કાલોલ વિધાનસભા બેઠકના ઈનચાર્જ એવા રાજસ્થાનના કોઈ કપિલ ભટ્ટના નેતૃત્વમાં શનિવારે કાલોલ કોંગ્રેસના આગેવાન નેતાઓએ બજારમાં નિકળીને મોંઘવારી અને બેરોજગારી મુદ્દે વેપારીઓને અપીલ કરી હતી એ સમયે સ્થાનિક નેતાઓની બે આંખોની શરમ ભરીને અમુકતમુક દુકાનદારોએ થોડા સમય માટે શટર ડાઉન કર્યા હતા અને કોંગ્રેસના નેતાઓ ગયા પછી શટરો ખુલીને રાબેતા મુજબ બજારો ધમધમતા થયા હતા. જોકે કાલોલ તાલુકાના દેલોલ ગામમાં સ્થાનિક કોંગ્રેસના યુવા નેતાના સમર્થનમાં સારો એવો મિશ્ર પ્રતિસાદ સાંપડયો હોવાનું જાણવા મળે છે. આમ કાલોલ શહેર અને તાલુકા વિસ્તારમાં કોંગ્રેસના બંધને અંશતઃ પ્રતિસાદ મળ્યો હોવાનું જોવા મળ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here