કાલોલના બાકરોલ કરાડ નદીમાં ગણેશ પ્રતિમાઓના વિસર્જનના ટાણે જ પ્રદુષિત કેમિકલ્સના ફીણ ઉભરાતા ગણેશ મંડળોની લાગણીઓ દુભાઈ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મીરઝા ;-

અનેક મંડળોએ કચવાતા મને પ્રતિમાઓનું અન્ય જળાશયોમાં વિસર્જન કરવા જવું પડયું

દશ દિવસના ભવ્ય ગણેશોત્સવની ઉજવણી અને ભવ્ય શોભાયાત્રાને અંતે શુક્રવારે સાંજે કાલોલ શહેર અને બાકરોલ પંથકના અનેક ગામોના યુવક મંડળો પોતાના ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવા‌ માટે સૌથી સુગમ બનેલા બાકરોલ ગામની કરાડ નદી પરના હરસિદ્ધિ માતાજીના મંદિર નજીકના ચેકડેમ ખાતે પહોંચ્યા ત્યારે કરાડ નદીમાં પ્રદૂષણ ઠાલવતી કેમીકલ્સ કંપનીઓના કમીકલ્સ વેસ્ટના ફીણ નદી પટમાં ઉભરાતા જોવા મળતા ભાવિકોનું મન કચવાયુ હતું. ગણેશ વિસર્જનના દિવસે જ કરાડ નદીમાં પ્રદૂષણના પાપ ઉભરાતા સાંજે પોતાના મંડળની પ્રતિમાઓનું વિસર્જન કરવા માટે પહોંચેલા ગણેશ મંડળોએ નદીપટમાં ફીણના ગોટા જોઇને સૌની લાગણીઓ દુભાઈ હતી, જેથી ધરમધકકા ખાઈને પોતાના ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન નજીકના અન્ય જળાશયોમાં કરવા જવા માટે મજબૂર થવું પડયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે કરાડ નદીમાં ઉપરવાસમાં આવેલા ભુવરના નાળા મારફતે પ્રદુષિત કેમિકલ્સનું વેસ્ટ ઠલવાય છે જે ભુવર નાળામાં હાલોલ જીઆઈડીસી કંપનીઓના નાના નાળા દ્વારા અવારનવાર આવું વેસ્ટ ઠલવાતું રહે છે જેને કારણે પાછલા દશ પંદર વર્ષોથી ચોમાસામાં પ્રદુષિત ફીણ ઉભરાય છે જે અંગે દરવર્ષે પ્રદૂષણ નિયંત્રણ વિભાગને રજુઆત કરવામાં આવે છે પરંતુ કરાડ નદીના પ્રવાહને પ્રદૂષિત કરતી આ કાયમી સમસ્યાનું કોઈ નિવારણ આવતું નથી. જોકે ગણેશોત્સવ દરમિયાન અને ગણેશ વિસર્જનના દિવસે પણ પ્રદૂષણ ઠાલવતી કંપનીઓ દ્વારા ગણેશ મહોત્સવના વિસર્જનનો મલાજો પણ નહીં સાચવતી કંપનીઓ અને નિષ્ક્રિય બનેલા પ્રદૂષણ નિયંત્રણ વિભાગ સામે ગણેશ મંડળોના યુવકોએ લાલ આંખ કરીને ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

તસવીર: કાલોલ તાલુકાના બાકરોલ સ્થિત કરાડ નદીમાં ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવા સમયે નદીમાં ઉમટેલા કેમીકલ્સ પ્રદૂષણના ફીણ ઉભરાતા તસવીરોમાં દ્રશ્યમાન થાય છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here