કરજણ જળાશય આધારિત પ્રગતિ હેઠળની નેત્રંગ-વાલિયા પાણી પુરવઠા યોજનાની ઈન્ટેકવેલની કામગીરીનું પાણી પુરવઠા મંત્રી એ નિરીક્ષણ કર્યું

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

જાતનિરિક્ષણ કરીને સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવા તાકિદ કરતા રાજ્યના પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળીયા

ગુજરાત રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા ડભેર ગામે નિર્માણાધિન ઈન્ટેકવેલની મુલાકાત કરી નિરિક્ષણ કર્યું

અંદાજિત રૂપિયા ૨૨૯ કરોડની આ યોજનાના નિર્માણથી ભરૂચ જિલ્લાના આદિજાતિ વિસ્તાર નેત્રંગ-વાલિયા તાલુકાના કુલ ૧૩૬ ગામોને પાણીની સુવિધા ઘર આંગણે ઉપલબ્ધ કરાવાશે

કરજણ જળાશય આધારિત નેત્રંગ વાલીયા જુથ પાણી પુરવઠા યોજનાની નાંદોદ તાલુકાના ડભેરી ગામે નિર્માણાધિન ઈન્ટેકવેલના પ્રગતિ હેઠળના કામનું ગુજરાત રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રી કુંવરજી બાવળીયાએ જાત નિરિક્ષણ કર્યું હતું.

નર્મદા જિલ્લાના પ્રવાસે આવેલા જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જિલ્લાના કરજણ સિંચાઇ યોજનાના ડેમ આધારીત નાંદોદ તાલુકાના નાની ડભેરી ગામે બની રહેલી ઇન્ટેકવેલની કામગીરીનું સ્થળ પર પહોંચી સ્થળ નિરિક્ષણ કર્યું હતું. મંત્રીની આ મુલાકાત દરમિયાન ગુજરાત પાણી પુરવઠા વિભાગ સુરત સર્કલ કચેરીના અધિક્ષક ઈજનેર શશી વાઘેલાએ યોજનાની નકશા નિદર્શન થકી સમગ્ર પ્રોજેક્ટ અંગે ઉંડાણ પૂર્વકની વિગતો આપી હતી.

ગુજરાત રાજ્ય પાણી પુરવઠા મંત્રી બાવળીયાએ સંપૂર્ણ કામગીરીની જાતમાહિતી મેળવીને આયોજનબદ્ધ અને ગુણવત્તાયુક્ત કામગીરીને વધુ વેગવાન બનાવવા માટે અધિકારીઓને કેટલાંક રચનાત્મક સુચનો આપી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. મંત્રી બાવળીયાએ આ પ્રસંગે સંબંધિત વિસ્તારના ગ્રામજનોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે સરકારશ્રીની કાર્યપદ્ધતિને પ્રજાહિતમાં ગણાવતા કહ્યું કે, રાજ્ય સરકાર હંમેશા લોકોને ઉત્તમ સુવિધાઓ આપવાના ઉમદા આશય સાથે જ અનેક યોજનાઓને અમલી બનાવે છે. જેથી આગામી બે મહિનામાં આ કામગીરી પૂર્ણ કરી યોજના કાર્યાન્વિત કરવા અને લોકોને પાણીની સુવિધા ઝડપભેર ઉપલબ્ધ કરાવવા અધિકારીશ્રીઓને હિમાયત કરી હતી.

નાંદોદ તાલુકાના નાની ડભેરી ગામે નિર્માણાધિન ઇન્ટેકવેલ થકી પાણી પુરવઠો પપીંગ કરીને મોવી બુસ્ટીંગ પોઇટ પર લઈ જવાશે. ત્યાંથી મુખ્ય હેડ વર્કસ નેત્રંગ તાલુકાના ડેબાર ગામ પાસે બનાવી ૩૫ એમ.એલ.ડી.ના ફિલ્ટર પ્લાન્ટ મારફતે પાણી ફિલ્ટર કરીને નેત્રંગ-વાલીયા યોજનાના ત્રણ (૦૩) પેકેજોમાં બનાવવામાં આવેલા જુદા જુદા ૧૬ સબ હેડ વર્કસ ખાતે પાણી પુરવઠો પહોંચાડવામાં આવશે. તેમજ સબ હેડ વર્કસ પર આવેલી ઉંચી ટાંકી મારફતે જુદા જુદા ગામો અને પરાઓમાં પાઇપલાઇન મારફતે પાણી પુરવઠો ગામના ભુગર્ભ સંપ સુધી પહોંચાડવામાં આવશે. જે પાણી પુરવઠો ગ્રામપંચાયતો દ્વારા ગામલોકો સુધી પહોંચાડવામાં આવશે. જે યોજનાની કામગીરી હાલમાં પ્રગતિમાં છે.

હાલ પ્રગતિ હેઠળની આ યોજના પાછળ રૂપિયા ૨૨૯ કરોડનો અંદાજિત ખર્ચ થશે. આ યોજના હેઠળ ભરૂચ જીલ્લાના આદિજાતી (ટ્રાયબલ) વિસ્તારના નેત્રંગ તાલુકાના ૭૬ ગામો અને ૩૭ ફળીયા તથા વાલીયા તાલુકાના ૬૦ ગામો અને ૩૪ પરાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ જુથ પાણી પુરવઠા યોજનાની કામગીરી પુર્ણ થયેથી નેત્રંગ અને વાલીયા શહેરોને ૧૪૦ લીટર/વ્યક્તિ/દિન મુજબ તથા નેત્રંગ અને વાલીયા તાલુકાના તમામ ગામો/ફળીયાને ૧૦૦ લીટર/વ્યક્તિ/દિન મુજબ પાણી પુરવઠો આપવામાં આવશે.

અત્રે નોંધનિય છે કે, હાલમાં નેત્રંગ અને વાલીયા તાલુકાના તમામ ગામો-ફળીયા સ્થાનિક સોર્શ જેવા કે હેન્ડપંપ, બોર અને મીની યોજના મારફતે પાણી પુરવઠો મેળવી રહ્યાં છે. આ તમામ ગામો/પરામાં ઉનાળામાં ભુગર્ભ જળના સ્તર નીચા જવાને કારણે પીવાના પાણીની ગંભીર સમસ્યાઓ ઉદ્દભવે છે. જેના કાયમી ઉકેલ માટે સરફેસ સોર્સ કરજણ ડેમ આધારીત (૧) નેત્રંગ-ડેબાર જુથ પાણી પુરવઠા યોજના પેકેજ-૦૧ (કરજણ ગ્રુપ) (૨) પેકેજ-૦૨ (નેત્રંગ ગ્રુપ) (૩) પેકેજ-૦૩ (વાલીયા ગ્રુપ) હેઠળ તમામ ગામોને આવરી લેવામાં આવ્યા છે. આ યોજના હેઠળ વર્ષ ૨૦૨૦ મુજબ ૧૯,૧૬ MLD અને ભવિષ્યમાં વર્ષ ૨૦૫૦ મુજબ ૩૫ MLD જેટલી પાણીની જરૂરીયાતને ધ્યાને રાખીને નિર્માણ કરવામાં આવ્યું છે.

નર્મદા જિલ્લાની મુલાકાતે આવેલા રાજ્યના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનું જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, નિવાસી અધિક કલેક્ટર સી.એ.ગાંધી અને ભરૂચ જિલ્લાના સંબંધિત વિભાગોના અધિકારીઓએ પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું. મંત્રીની ઉક્ત મુલાકાત વેળા ભરૂચ જિલ્લા પાણીપુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેર સુ એચ.બી.દેવાની, નર્મદા જિલ્લા પ્રોટોકોલ અધિકારી અને નાયબ કલેક્ટર એન.એફ.વસાવા, નર્મદા જિલ્લા પાણી પુરવઠા(સિવિલ)ના કાર્યપાલક ઈજનેર બી.કે.રાઠવા, પ્રોજેક્ટના નિર્માણ કાર્યમાં જોતરાયેલા ઈજનેરો, સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.0

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here