એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ના ૧૧૭ હોમ સ્ટેમાં એક વર્ષમાં ૭૨૨૪ પ્રવાસીઓએ કર્યો ઉતારો

એકતાનગર, (નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જિલ્લાની આદિવાસી સંસ્કૃતિને જાણવા અને વ્યંજનને માણવા હોમ સ્ટેને પસંદ કરતા પ્રવાસીઓ

વિવિધ પ્રાંત-પ્રદેશથી આવતા પ્રવાસીઓ આદિવાસી સંસ્કૃતિ જાણી થાય છે અચંબિત, ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ ની સંકલ્પના થાય છે સાકાર

વૈશ્વિક પર્યટન સ્થળ બની ગયેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રવાસ માત્ર ત્યાં આવેલા વિવિધ આકર્ષણો પૂરતો જ સીમિત નથી રહ્યો, બલ્કે એકતાનગરમાં વસતા આદિવાસીઓની સંસ્કૃતિ, વ્યંજન, રહેણીકહેણી જાણવા, માણવાનો અવસર પણ પ્રવાસીને મળે છે અને તેનું માધ્યમ બને છે હોમ સ્ટેની સુવિધા ! સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરનો વિકાસ થતાં અહીં આવેલી અનેક હોટેલોની સાથે હોમ સ્ટેની સંખ્યા પણ વધી રહી છે અને પ્રવાસીઓ આદિવાસી પરિવારોને ત્યાં ઉતારો કરવાનું પસંદ કરી રહ્યા છે.

નર્મદા જિલ્લામાં હોટેલ્સને બાદ કરતા ૧૧૭ જેટલા હોમ સ્ટે કાર્યરત છે. જેમાં છેલ્લા એક વર્ષમાં ૭૨૨૪ પ્રવાસીઓએ ઉતારો કર્યો હતો. એટલે કે, એક હોમ સ્ટેમાં સરેરાશ એક માસમાં ૫ પ્રવાસીઓ ઉતરે છે. એ રીતે ગણતરી કરીએ તો હજાર પંદરસોમાં થતી આવાસીય સુવિધાથી આ પરિવારની માસાંતે છ થી આઠ હજારની આવક થઇ જાય છે.

કોઇ સાવ અજાણી વ્યક્તિ તમારી ઘરે મહેમાન બનીને આવે ત્યાં વાર્તાલાપમાં પરસ્પર રહેનસહેન, રીતીરિવાજો, ખાણીપીણીની આપલે થયા વિના રહે નહીં. જ્યારે અન્ય પ્રાંત-પ્રદેશથી આવેલા અતિથિને આદિવાસી સંસ્કૃતિની વાત જાણવા મળે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક ભારત, શ્રેષ્ઠ ભારતની સંકલ્પના સાકાર થતી લાગ્યા વિના રહે નહી.

આવા એક હોમ સ્ટેનું સંચાલન કરતા નરેન્દ્રભાઈ તડવીએ જણાવ્યું કે, પ્રવાસીઓ મોટા ભાગે નાના-મોટા હોટેલોમાં રોકાય છે. જ્યારે અમે પ્રવાસીઓને સસ્તા દરે સુવિધાયુક્ત મકાન ઉપલબ્ધ કરાવીએ છીએ. પ્રવાસીઓની સંખ્યા પણ દિનપ્રતિદિન વધી રહી છે. હોમ સ્ટેમાં રોકાયા બાદ પ્રવાસીઓ સકારાત્મક પ્રતિભાવો આપી રહ્યાં છે. હોમ સ્ટેની નોંધણી વખતે પ્રવાસીઓની જરૂરિયાતોને જાણીને અમે પુરતી વ્યવસ્થા ગોઠવી આપીએ છીએ. હોમ સ્ટે થકી સ્થાનિક લોકોને પણ રોજગારી પ્રાપ્ત થઈ છે. સાથે સાંસ્કૃતિક આદાનપ્રદાન પણ પ્રવાસીઓ સાથે શક્ય બને છે.

રાજસ્થાન જયપુરના પ્રવાસી દેવ આશિષ ઝા જણાવે છે કે, અમે સંપૂર્ણ પરિવાર સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યા છે. અમે પ્રથમ વાર હોટેલના વિકલ્પને બદલે હોમ સ્ટે કોન્સેપ્ટને પસંદ કર્યો છે. અમારા કુટુંબ માટે હોમ સ્ટે ખરેખર શ્રેષ્ઠ પર્યાય બન્યો છે. અમને લાગી રહ્યું છે કે અમે પોતાના જ ઘરમાં છીએ. અમે જાતે જ મહિલાઓ ઘરનું રાંધેલો સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખોરાક બનાવીશું. અહીના આદિવાસી કલ્ચરને જાણીને પણ આનંદ આવ્યો છે. નવી બાબતો જાણવા મળી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નેતૃત્વની રાજ્ય સરકાર દ્વારા પણ આદિવાસી બાંધવોને હોમ સ્ટેના માધ્યમથી રોજગારીનું સર્જન થાય એ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નર્મદા જિલ્લા પ્રાયોજના કચેરીના માધ્યમથી બીજા નવા ૭૦ જેટલા હોમ સ્ટે શરૂ કરવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. સ્ટેચ્યુ ઓફ પરિસર આસપાસ નિયત ત્રિજીયામાં આવેલા પરિવારોના ઘરે રહેલી સુવિધાઓનું નિરીક્ષણ કરી આવી હોમ સ્ટેની સુવિધાઓ શરૂ કરવાનું આયોજન છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here