અંબાજી ખાતે યોજાયેલા વડાપ્રધાનના કાર્યક્રમમાં નર્મદા જિલ્લાના ૧૧૧ ગામના નાગરિકો વન વે કનેક્ટીવીટીથી જોડાયા

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જિલ્લામાં ૪૧૭ થી વધુ નવનિર્મિત આવાસોનું લોકાર્પણ કરી લાભાર્થીઓને કરાવાયો ગૃહપ્રવેશ

પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળતા આજે મારા પાકા ઘરનું સ્વપ્ન પૂર્ણ થયું છે – વાવડી ગામના લાભાર્થી નયનાબેન તડવી

તા.૩૦ મી સપ્ટેમ્બર,૨૦૨૨ ને શુક્રવારના રોજ અંબાજી, બનાસકાંઠા ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેનું જીવંત પ્રસારણ ગુજરાતના તમામ જિલ્લાઓ તેમજ તાલુકાના નાગરિકોએ વર્ચ્યુઅલી જોડાઇને નિહાળ્યું હતું. નર્મદા જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુના માર્ગદર્શન અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવની રાહબરીમાં કુલ-૧૧૧ ગામોમાં ગ્રામજનો અને આવાસ યોજનાના લાભાર્થીઓએ વન-વે કનેક્ટીવીટીથી જોડાઈને વડાપ્રધાન ના કાર્યક્રમને નિહાળ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં અંબાજી ખાતે શુક્રવારે સાંજે યોજાયેલા ઉક્ત કાર્યક્રમના જીવંત પ્રસારણના નર્મદા જિલ્લામાં યોજયેલા કાર્યક્રમો પૈકી નાંદોદ તાલુકાના વાવડી ગામે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લોકાર્પણ પ્રસંગે ગામના સરપંચ હેમંતભાઇ વસાવા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવ, નાંદોદના તાલુકા વિકાસ અધિકારી કમલેશભાઇ પટેલ સહિત આવાસ યોજનાના લાભાર્થીઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

અત્રે નોંધનિય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અંબાજી ખાતેથી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના ગુજરાતના ૪૦૦૦ થી વધુ આવાસોના લોકાર્પણ કરી નવરાત્રિના પાવન પર્વે મૉં આદ્ય શક્તિના ધામમાંથી સમગ્ર ગુજરાતના આવાસ યોજનાના લાભાર્થીઓને વર્ચ્યુઅલી ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. આ કાર્યક્રમના અનુસંધાને નર્મદા જિલ્લામાં કુલ-૧૧૧ ગામોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રા), આદિજાતિ વિકાસ વિભાગની યોજના, દિનદયાલ ઉપાધ્યાય યોજના અને ડૉ.બાબાસાહેબ આંબેડકર યોજના અંતર્ગત તૈયાર થયેલા અંદાજીત ૪૧૭ થી વધુ લાભાર્થીઓએ તેમના નવનિર્મિત આવાસોમાં ગૃહપ્રવેશ કર્યો હતો.

પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મેળવનાર નાંદોદ તાલુકાના વાવડી ગામના રહીશ નયનાબેન મહેશભાઇ તડવીએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, અગાઉ હું મારા પરિવાર સાથે કાચા ઘરમાં રહેતી હતી ત્યારે ચોમાસું, શિયાળું, ઉનાળું સિઝનમાં ખૂબ તકલીફ પડતી હતી. ચોમાસામાં ઘરમાં પાણી ટપકતા અનેક અગવડો પડવા સાથે બાળકોના અભ્યાસમાં પણ ખૂબ મુશ્કેલી નડતી હતી. દરમિયાન ગામના સરપંચ અને તલાટી દ્વારા સર્વે કરવામાં આવતા અમારા ઘરની સ્થિતિ જોઇ તેઓએ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અમારા પરિવારનો સમાવેશ કરી આવાસ મંજૂર કરવામાં આવ્યું હતું.

વધુમાં તેમણે જણાવ્યું કે, આવાસ યોજના હેઠળ તમામ પ્રકારના દસ્તાવેજી કામ પૂર્ણ થયા બાદ પ્રથમ રૂા.૩૦,૦૦૦/- નો હપ્તો સીધો જ મારા બેંક ખાતામાં જમા થતા મારા આવાસના બાંધકામની કામગીરી શરૂ કરી હતી. થોડું કામ થયા બાદ બીજા હપ્તા પેટે મારા બેંક ખાતામાં રૂા.૫૦,૦૦૦/- ની રકમ જમા થતા આવાસની કામગીરી આગળ ધપાવતા મારું આવાસ બનીને પૂર્ણ થતા વડાપ્રધાનશ્રીની વર્ચ્યુઅલી હાજરીમાં યોજાયેલા કાર્યક્રમ થકી આજરોજ ગૃહ પ્રવેશ કરતા મારા પાકા મકાનનું સ્વપ્ન પૂર્ણ થયું છે. આવાસની કામગીરી પૂર્ણ થતા છેલ્લા હપ્તા પેટે મારા ખાતામાં રૂા.૪૦,૦૦૦/- ની રકમ જમા થતા આવાસ યોજનાના કુલ રૂા.૧.૨૦ લાખની રકમ મને મળી છે. ત્યારે હવે કોઇ પણ ઋતુમાં મને અને મારા પરિવારને અગવડતા નહી પડે. હવે હું મારા બાળકોને પાકી છત નીચે સુરક્ષીત રાખી સારા શિક્ષણ સાથે તેમનું સુરક્ષીત ભવિષ્ય જોઇ રહી છું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here