નર્મદા ડેમની જળ સપાટીસાંજે 6-00 કલાકે 132 મીટરે પહોચી

પાણીની આવક - 1112715 ક્યુસેક

નર્મદા ડેમના 23 ગેટ 6.80 મીટર સુધી ખોલાયા

પાણીની કુલ જાવક 954933 કયુસેક જેમા ગેટ દ્વારા નદીમાં 9 લાખ કયુસેક વીજ ઉત્પાદન માટે 54933 કયુસેક પાણીની જાવક

રાજપીપળા(નર્મદા),
આશિક પઠાણ

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ ખાતે એમ.પી.ના ઓમકારેશ્રવર ડેમમાંથી પાણી છોડતા તેમજ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ પડતા નર્મદા ડેમ ખાતે પાણીની ભારે આવક થતાં આજરોજ સાંજના 6-00 કલાકે ડેમની જળસપાટી 132 મીટરે પહોંચી હતી અને નર્મદા ડેમ ખાતે અધધધ કહેવાય એટલુ 1112715 કયુસેક પાણીની આવક થઇ હોવાનું સરદાર સરોવર નર્મદા નિગમના અધિક્ષક કાનુંગોએ જણાવ્યું હતું.

નર્મદા ડેમ ખાતે આજરોજ પાણીની આવકમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે જેથી ડેમની જળસપાટીમાં પણ સતત વધારો જોવા મળ્યો હતો. સવારે 5-00 કલાકે ડેમની જળસપાટી 130.90 મીટરે હતી, જે બે કલાક પછી એટલે કે 7-00 કલાકે વધીને 131.04 મીટરે નોધાઇ હતી. ત્યારબાદ ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થતાં બપોરે 2-00 કલાકે ડેમની જળસપાટીમાં સતત વધારો થતાં 131.69 મીટરે નોધાઇ હતી.અને સાંજના 6-00 કલાકે સપાટી 132 મીટરે પહોંચી હતી.

નર્મદા ડેમ ખાતે પાણીની ભારે આવક થતાં SSNNL ના ડાયરેક્ટર પી. સી. વ્યાસ આજરોજ નર્મદા ડેેેમ ખાતે આવી પહોંચ્યા હતા અને પત્રકારો સાથેની વાતચીતમાં ઉપરવાસમાં આવેલા ઇન્દિરા સાગર ડેમ સહિત ઉપરવાસમાંથી પાણી 11 લાખ કયુસેક પાણીની ડેમ ખાતે આવક થતી હોવાનું જણાવીને વીજ મથકો ધમધમતા કરીને રોજની રુપિયા 5 કરોડની વીજળીનું ઉત્પાદન હાથ ધરવામાં આવી રહયુ હોવાની માહિતી આપી હતી.

વીજ ઉત્પાદન કરતા કેનાલ હેડ પાવર હાઉસ અને રીવર બેડ પાવર હાઉસો શરુ કરી દેવાયા છે અને રોજની 5 કરોડ રૂપિયાની વીજળીનું ઉત્પાદન હાથ ધરવામાં આવી રહયુ છે.

ડેમ ખાતે વિપુલ પ્રમાણમાં પાણીની આવક થતાં સહુ પ્રથમ ડેમના 10 દરવાજા ખોલાયા હતા, ત્યાર બાદ 15 અને પછી 23 દરવાજા ખોલાયા હતા. પરંતુ હાલ સાંજે 6-00 કલાકે ડેમ ખાતે ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થતાં ડેમના 23 દરવાજા 6.80 મીટર સુધી ખોલવાની ડેમ સત્તાવાળાઓને ફરજ પડી હોવાનું અધિક્ષક ઇજનેર કાનુંગોએ જણાવ્યું હતું. ડેમના દરવાજા ખોલી નદીમાં પાણી 9 લાખ કયુસેક પાણી છોડાઇ રહયું છે વીજ ઉત્પાદન માટે 54933 કયુસેક પાણી વપરાશમાં આવતા આ પાણી પણ નદીમાં છોડાઇ રહયું છે.

હાલ નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થતાં જળસપાટી 132 મીટરે પહોચી છે. જયાંરે ડેમ ખાતે 1112715 કયુસેક પાણીની આવક થઇ રહી છે. જેની સામે જાવક 954933 કયુસેક પાણીની થઇ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here