૩૬ મા નેશનલ ગેમ્સ અંતર્ગત “Celebrating Unity through Sports” જાગૃતિ અભિયાનનો નર્મદા જિલ્લા કક્ષાનો રાજપીપલાની શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય ખાતે યોજાયેલો જાગૃતિ કાર્યક્રમ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

૧ મા ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાની શ્રેષ્ઠ-૩ અને રાજપીપલા-દેડીયાપાડા તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર-૩ (ત્રણ) શાળાઓને ઈનામી રાશિના ચેકનું મહાનુભાવોના હસ્તે કરાયું વિતરણ

૩૬ મા નેશનલ ગેમ્સની ગુજરાત યજમાની કરી રહ્યું છે ત્યારે આ ઉજવણીના ઉપલક્ષમાં વિદ્યાર્થીઓમાં રમત પ્રત્યે રૂચિ કેળવાય અને વિવિધ રમતોમાં ઉત્સાહભેર ભાગ લે તેવા હેતુસર નેશનલ ગેમ્સ અંગેની જાગૃતિ અર્થે નર્મદા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા નર્મદા જિલ્લા કક્ષાનો જાગૃતિ કાર્યક્રમ ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં રાજપીપલાની શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલયના પટાંગણમાં યોજાયેલા કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લો મૂકાયો હતો.

આ પ્રસંગે સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, સ્પોર્ટ્સમાં દરેક વ્યક્તિએ ભાગ લેવો જોઈએ, જેથી પોતાના સ્વાસ્થ્ય સાથે તંદુરસ્ત રાષ્ટ્રના નિર્માણમાં આપણે સૌ સહભાગી બની શકીએ. જો આપણું સ્વાસ્થ્ય સારું હશે તો જ આપે સમાજ અને રાષ્ટ્ર માટે પણ કંઈક યોગદાન આપી શકીશું. ખાસ કરીને આપણા આદિવાસી વિસ્તારના બાળકો શાળા-કોલેજમાં પણ રમતોમાં રસ પૂર્વક ભાગ લઈ માત્ર જિલ્લા કે રાજ્ય કક્ષાએ જ નહીં પણ નેશનલ અને ઈન્ટરનેશનલ કક્ષાએ પણ ભાગ લઈને આગળ વધે તે માટે હંમેશાં પ્રયત્નશીલ રહેવું જોઈએ તેમ તેમણે ઉમેર્યું હતું.

વધુમાં સાંસદ એ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિચારધારાને આગળ ધપાવવા સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ગુજરાત રાજ્ય 36 મી નેશનલ ગેમ્સની યજમાની કરી રહ્યું છે તે આપણા સૌના માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે. આ અવસરને આપણે સૌ આગળ આવીને વધાવીએ તેવી સાંસદે સૌને અપીલ પણ કરી હતી.

પ્રતિ વર્ષ સમગ્ર ગુજરાતમાં ‘ખેલ મહાકુંભ’ રમતોત્સવનું મોટા પાયે આયોજન કરવામાં આવે છે, જેના થકી ગુજરાતના યુવા રમતવીરોનો ઉત્સાહ વધી રહ્યો છે. તેવી જ રીતે આગામી તા.૨૯ સપ્ટેમ્બર થી ૧૨ ઓક્ટોબર, ૨૦૨૨ સુધી ૩૬મી ‘નેશનલ ગેમ્સ’ ગુજરાતના વિવિધ છ શહેરોમાં આયોજિત થવા જઈ રહી છે, ત્યારે સમગ્ર ગુજરાત ‘નેશનલ ગેમ્સ’ના આયોજનને લઈ ઉત્સાહિત છે.

રાજપીપલામાં જિલ્લા કક્ષાના યોજાયેલા કાર્યક્રમ દરમિયાન ૧૧ મા ખેલ મહાકુંભમાં જિલ્લાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર-૩ (ત્રણ) શાળા અને રાજપીપલા તેમજ દેડીયાપાડા તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર-૩ શાળાઓને ઈનામી રાશિના ચેકનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં અગ્રેસર રહી ઈનામ પ્રાપ્ત કરનાર તમામ વિજેતાઓને સાંસદ મનસુખભાઇ વસાવાએ શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ “ફીટ ઈન્ડિયા” ની સામૂહિક પ્રતિજ્ઞા પણ લીધી હતી.

આ અવેરનેસ કાર્યક્રમમાં રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ કુલદિપસિંહ ગોહિલ, જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, રાજપીપલા પ્રાંત અધિકારી શૈલેષ ગોકલાણી, જિલ્લા શિક્ષણાધિકારી જયેશભાઈ પટેલ, સ્થાનિક અગ્રણી નિલભાઈ રાવ અને વિક્રમભાઈ તડવી, જિલ્લા રમત વિકાસ અધિકારી વિષ્ણુભાઈ વસાવા તેમજ અન્ય અગ્રણીઓ અને અધિકારીઓ-પદાધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here