બનાસકાંઠા : પાલનપુરના સરકારી અનાજ ગોડાઉનમાં બારોબાર અનાજ વેચી મારી કૌભાંડ આચરનાર ગોડાઉન મેનેજર અને ઓડિટરની પોલીસે કરી અટકાયત…

પાલનપુર,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

બનાસકાંઠાના પાલનપુરમાં સરકારી અનાજ ગોડાઉનમાં ગરીબનો જથ્થો બારોબાર વેચી મારી કૌભાંડ આચરનાર ગોડાઉન મેનેજર અને ઓડિટરની પોલીસે અટકાયત કરી છે. 1.91 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરી નાસતા ફરતા બંને આરોપીઓને ડીસા ડીવાયએસપીની ટીમે 238 દિવસ બાદ ઝડપી જેલના સળીયા પાછળ ધકેલી દીધા છે.

પાલનપુર ખાતે આવેલ સરકારી અનાજ ગોડાઉન માંથી આઠ મહિના અગાઉ મેનેજરે 1.91 કરોડ રૂપિયાનો અનાજનો જથ્થો બારોબાર વેચી કૌભાંડ આચર્યુ હોવાની ઘટના બની હતી. પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ મુજબ અચાનક વિજિલન્સની ટીમે તપાસ કરતા માલ ગોડાઉન મેનેજર નાગજીભાઈ રોત, ડોરસ્ટેપ ડિલિવરી કોન્ટ્રાક્ટર એમ બી ઠાકોર અને કિરણ એન્ડ પ્રદીપ એસોસિએટના પ્રતિનિધિ વિશાલ પંછીવાલાએ ભેગા મળી ગરીબોનો અનાજનો જથ્થો બારોબાર સગેવગે કરી દીધો હતો અને કુલ 1.91 કરોડ રૂપિયાનો અનાજનો જથ્થો બારોબાર વેચી કૌભાંડ આચર્યું હતું, જે અંગેની ફરિયાદ નોંધાયા બાદ આ આરોપીઓ અત્યાર સુધી નાસતા ફરતા હતા. જ્યારે ડીસા ડીવાયએસપી ડો. કુશલ ઓઝાની ટીમે કૌભાંડી મેનેજર અને ઓડિટરને ઝડપી પાડી પાલનપુર એસીબીની કોર્ટમાં રજુ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે તેમજ આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે, ઉલ્લેખનીય છે કે અનાજ ગોડાઉનમાંથી આટલું મોટું કૌભાંડ આચરવામાં અન્ય આરોપીઓ પણ સંડોવાયેલા હોવાની પોલીસને પૂરેપૂરી શંકા છે. જેથી આ અનાજનો જથ્થો ક્યાં ક્યાં વેચ્યો છે તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here