પ્રભારી સચિવશ્રી રાજકુમાર બેનિવાલ પંચમહાલ જિલ્લાની મુલાકાતે

ગોધરા,(પંચમહાલ)
ઇશ્હાક રાંટા

જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી સ્થિતિ અને કામગીરીની સમીક્ષા કરી

જિલ્લામાં વિકાસ કાર્યો સંદર્ભે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા

પંચમહાલ જિલ્લાના નવા પ્રભારી સચિવ અને કમિશ્નર ઓફ મ્યુનિસિપાલિટીઝ શ્રી રાજકુમાર બેનીવાલે ગોધરા, જિલ્લા સેવાસદન ખાતે જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા પોલિસ વડાશ્રી, પ્રાદેશિક કમિશ્નરશ્રી સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી જિલ્લામાં વિકાસ કાર્યોની સ્થિતિ અને પ્રશ્નો અંગે સમીક્ષા બેઠક યોજી હતી. પ્રભારી સચિવ તરીકે જિલ્લાની પ્રથમ મુલાકાત દરમિયાન તેમણે જિલ્લામાં યોજનાકીય કામો-પ્રશ્નો અને કોવિડ-૧૯ સંક્રમણ સંદર્ભે થઈ રહેલી કામગીરીની રૂપરેખા મેળવી હતી. કોવિડ-૧૯ સંદર્ભે થઈ રહેલી કામગીરીથી સંતુષ્ટ થઈ સચિવશ્રીએ અધિકારીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે કોરોના સામેની લડાઈ હજી પૂરી થઈ નથી અને તેથી આ કામગીરીમાં કોઈ પણ પ્રકારની ઢીલાશ દાખવવી પાલવે તેમ નથી. કોવિડ-૧૯ સામેની લડાઈ ચાલુ રાખી આ મહામારીના કારણે મંદ પડેલ અર્થતંત્રને વેગવંતુ કરવું સરકારની પ્રાથમિકતા છે અને બાકી રહેલા સરકારી પ્રોજેક્ટસ-કામો ખૂબ મોટા પાયે રોજગારી અને અર્થતંત્રને જરૂરી બળ પૂરૂ પાડવા સક્ષમ હોવાથી તેમના પર વિશેષ ધ્યાન આપવા સચિવશ્રીએ સૂચના આપી હતી. સચિવશ્રીએ મહેસૂલ, પુરવઠા, માર્ગ-મકાન, ખેતીવાડી, સિંચાઈ, શિક્ષણ, પાણી પુરવઠા, પોલિસ વિભાગ, જિલ્લા પંચાયત સહિતના વિભાગો હેઠળ કરાઈ રહેલી કામગીરી, નવા આયોજનો, પ્રશ્નો સહિતની બાબતો અંગે ઝીણવટભરી જાણકારી મેળવી સમીક્ષા કરી હતી. જિલ્લાની ચારેય નગરપાલિકાઓ દ્વારા વિવિધ યોજનાઓ અંતર્ગત થયેલ પાણી, ગટર-સફાઈ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સહિતના આયોજનોની બારીક માહિતી મેળવતા શ્રી બેનીવાલે નળ સે જળ અંતર્ગતના કામો અને સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના બાકી કામો ઝડપથી પૂર્ણ કરવા નિર્દેશ આપ્યા હતા. ચોમાસુ પૂર્ણતાના આરે હોવાથી વરસાદમાં નુકસાન પામેલા માર્ગોની મરામત ઝડપથી હાથ ધરવા, સ્કૂલો ખુલે તે પહેલા શાળાના બાકી રહી ગયેલા આંતરમાળખાકીય કામો પૂર્ણ કરવા, જિલ્લાના દરેક ગામમાં પાણી સમિતીની રચના સાથે નલ સે જલ યોજના અંતર્ગતના આયોજન પૂર્ણ કરવા પ્રભારી સચિવશ્રીએ સૂચના આપી હતી.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.જે.શાહ, જિલ્લાના પોલિસ વડા ડો.લીના પાટિલ, પ્રાદેશિક કમિશ્નરશ્રી, વડોદરા હર્ષિત ગોસ્વામી, પ્રોબેશનરી આઈ.એ.એસ.શ્રી રામ બુગલિયા, નિવાસી અધિક કલેક્ટરશ્રી એલ.બી.બાંભણિયા સહિતના અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here