પંચમહાલ જિલ્લા કલેકટરશ્રીની અધ્યક્ષતામાં “સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળ સમિતિની બેઠક યોજાઈ

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

ધ્વજ દિન એ રાષ્ટ્ર પ્રત્યે ભાવના વ્યક્ત કરવાનો દિવસ,નાગરિકોને ઉદાર હાથે ફાળો આપવા જિલ્લા કલેક્ટરશ્રી પંચમહાલની પ્રજાજોગ કરાઈ અપીલ

આજે ૦૭ ડિસેમ્બરના રોજ સમગ્ર દેશમાં “સશસ્ત્ર સેના ધ્વજ દિન -૨૦૨૩”ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમારની અધ્યક્ષતામાં કલેકટર કચેરી સભાખંડ,ગોધરા ખાતે “સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળ સમિતિ”ની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે,ધ્વજ દિન એ રાષ્ટ્ર પ્રત્યે ભાવના વ્યક્ત કરવાનો દિવસ છે,જેમાં સરકારી વિભાગો સાથે જિલ્લાના નાગરીકોને દેશભક્તિના આ ઉમદા કાર્યમાં ઉત્સાહપૂર્વક સહભાગી થઈને ઉદાર હાથે ફાળો આપવા પ્રજાજોગ અપીલ કરાઈ હતી.તેમણે જિલ્લાની શાળાઓ,કોલેજો,યુનિવર્સિટી,ઉદ્યોગો સહિત નાગરિકોને ધ્વજ દિન નિમિતે રાષ્ટ્ર પ્રત્યે ભાવના વ્યક્ત કરવા માટે અનુરોધ કર્યો હતો.જિલ્લા કલેકટરશ્રીએ રાષ્ટ્ર ભાવના સાથે આજે સૌપ્રથમ ફાળો આપીને પંચમહાલ જિલ્લામાં ભંડોળ એકત્રિત કરવાની શરૂઆત કરાવી હતી.

આજના દિવસે દેશની સરહદો ઉપર ફરજ બજાવતા સૈનિકો, પૂર્વ સૈનિકો,સ્વ.સૈનિકોના ધર્મપત્નીઓ તેમજ તેઓના આશ્રીતોના પુનર્વસવાટ અને કલ્યાણ અર્થે ઉપયોગમાં લેવામાં આવતુ ભંડોળ દેશના દાનવીર નાગરીકો તેમજ સરકારી અને અર્ધ સરકારી કચેરીઓ, ઔદ્યોગિક/ખાનગી એકમો, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ વ્યાપારીક ક્ષેત્રો પાસેથી તેઓની દેશદાઝની સ્મૃતિ અપાવતો ફાળો દાન સ્વરૂપે એકત્રીત કરવામાં આવે છે.

રાષ્ટ્રની રક્ષા કાજે પોતાના ઘર પરીવારથી દૂર દેશની સરહદો-સીમાડાઓ ઉપર ૨૪ કલાક ખડે પગે ઉભા રહી રક્ષા કરે છે તે સૈનિકો,નિવૃત્ત સૈનિકો અને તેઓના સ્વર્ગવાસ બાદ તેઓના આશ્રીતોના પુનર્વસવાટ અને કલ્યાણ માટે ઉપયોગમાં લેવામાં આવતા ભંડોળને એકત્રીત કરવા માટે જાહેર જનતા કે જે પોતાનો વ્યક્તિગત ફાળો આપવા ઇચ્છતા હોય તેવા દાનવીરો પોતાનો ફાળો જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, રૂમ નંબર ૩૨,ત્રીજો માળ,બહુમાળી ભવન, જિલ્લા સેવા સદન-૨, ગોધરા, જિ. પંચમહાલ ખાતે રોકડમાં અથવા “કલેકટર અને પ્રમુખશ્રી, સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળ, ગોધરા”(COLLECTOR & PRESIDENT, ARMED FORCES FLAG DAY FUND, GODHRA)ના નામનો ચેક/ડ્રાફ્ટ અથવા એસ.બી.આઇ ગોધરા (મેઈન બ્રાન્ચ),લોખંડવાલા કોમ્પલેક્ષ,ગોધરાના ખાતા નંબર 38763547590 (IFSC CODE SBIN0000375) માં NEFT/RTGS દ્વારા જમા કરાવી સરકારી પહોંચ મેળવવા અનુરોધ કરાયો છે.

આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી,જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતી ગાયત્રીબેન પટેલ,જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીશ્રી સહિત સબંધિત અધિકારીશ્રીઓ,કર્મચારીઓ,નિવૃત્ત સેનાના જવાનો અને એન.સી.સી.કેડેટ ઉપસ્થિત રહ્યા હતા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here