પંચમહાલ જિલ્લામાં NEETની પરીક્ષાને ધ્યાને લઈ પરીક્ષાકેન્દ્રો વિસ્તારોમાં નિયંત્રણો લાગુ કરતું જાહેરનામું

ગોધરા,(પંચમહાલ)

૧૩મી સપ્ટેમ્બર,૨૦૨૦ના રોજ ગોધરાના ૦૪ અને જાંબુઘોડાના ૦૧ કેન્દ્રો પર નીટની પરીક્ષા યોજાશે

પંચમહાલ જિલ્લામાં આગામી ૧૩મી સપ્ટેમ્બર, ૨૦૨૦ના રોજ ગોધરાના ૦૪ અને જાંબુઘોડાના ૦૧ એમ કુલ ૦૫ કેન્દ્રો પર નીટ (NEET)ની પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષાઓનું સંચાલન સરળતાપૂર્વક થાય, ખંડ નિરીક્ષકો અસામાજિક તત્વોના ત્રાસ અને ભય વગર નિરીક્ષણ કાર્ય કરી શકે તથા પરીક્ષાર્થીઓ શાંતિમય વાતાવરણમાં નિર્ભયતાપૂર્વક તથા ગેરરીતિ કરવાના પ્રલોભનથી દોરવાયા વગર પરીક્ષાઓ આપી શકે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એલ.બી. બાંભણીયા (જી.એ.એસ.) દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ મળેલ સત્તાની રૂએ પરીક્ષા કેન્દ્રો ખાતેના સ્થળોથી ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં પ્રતિબંધાત્મક હુકમો કરતું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા હેઠળ ગોધરા તાલુકાના ૦૪ અને જાંબુઘોડા તાલુકાના ૦૧ પરીક્ષાકેન્દ્રો વિસ્તારમાં તા. ૧૩/૦૯/૨૦૨૦ના રોજ સવારના ૧૧.૦૦ કલાકથી બપોરના ૧૭.૦૦ કલાક સુધીના સમયગાળા માટે નીચે દર્શાવેલ કૃ્ત્યો કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે.
આ જાહેરનામા દ્વારા પરીક્ષાર્થી ઉમેદવાર અને પરીક્ષા સંબંધી કામગીરીમાં રોકાયેલા ફરજ પરના અધિકૃત માણસો સિવાય અન્ય કોઈ બિનઅધિકૃત વ્યક્તિઓએ અવરજવર કરવા ઉપર, કાયદેસરની ફરજ બજાવનારાઓને કોઈપણ પ્રકારે અડચણ કરવા કે કરાવવા ઉપર તેમજ કોઈપણ તરકીબ વાપરી પરીક્ષાર્થીઓને પરીક્ષા વિષયક ચોરી કરવા કે કરાવવામાં સીધી કે આડકતરી મદદગારી કરવા ઉપર કે પરીક્ષાર્થીઓને શાંતિ-લેખન કાર્યમાં અડચણ-વિક્ષેપ થાય તેવું કોઈ કૃત્ય કરવા-કરાવવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત પરીક્ષાર્થીઓ, શિક્ષકો, સંચાલકો, વહીવટી કર્મચારીઓ, જાહેર જનતા કે ફરજ પરના તમામ પ્રકારના સરકારી કર્મચારીઓ પરીક્ષા સંબંધી ચોરી ગણાય તેવી વસ્તુ અથવા મોબાઈલ ફોન, પેજર, કેમેરા, લેપટોપ, કોમ્પ્યુટર, કેલ્ક્યુલેટર વગેરેનો ઉપયોગ કરવા, કરાવવા ઉપર, પુસ્તકો, કાપલીઓ, ઝેરોક્ષ નકલો કે પરીક્ષાલક્ષી કોઈપણ પ્રકારનું સાહિત્ય પરીક્ષા સ્થળમાં લઈ જવા, વહન કરવા કે તેમાં મદદગારી કરવા કે તેવી વસ્તુઓ સાથે પરીક્ષાસ્થળમાં પ્રવેશવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરીક્ષામાં થતી ગેરરીતિ અટકાવવાના હેતુથી પરીક્ષાકેન્દ્રથી ત્રણ કિલોમીટરના સમગ્ર વિસ્તારમાં આવેલ ઝેરોક્ષ કોપિયર, ફેક્સ મશીન સંચાલકો કોપિયર મશીનોનો ઉપયોગ સવારના ૦૮.૦૦ કલાકથી પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી સુધી કરી શકશે નહીં. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ઈન્ડિયન પીનલ કોડની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે.
(બોક્સ)
નીટ પરીક્ષા માટેના પરીક્ષાકેન્દ્રો:
૧. જય જલારામ સ્કૂલ, પરવડી, દાહોદ-ગોધરા બાયપાસ, પરવડી ચોકડી
૨. એન્જિનીઅરિંગ કોલેજ, ટુવા, તા. ગોધરા
૩. નાલંદા હાઇસ્કુલ, સંસ્કારનગરી પાસે, ભૂરાવાવ, ગોધરા
૪. એમ એન્ડ એમ મહેતા હાઈસ્કૂલ, ગોધરા
૫. ભક્ત ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ, મુ- કાંકરોલીયા, તા. જાંબુઘોડા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here