પંચમહાલ જિલ્લામાં તા.૭મી માર્ચે યોજાનાર રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-3 પરીક્ષા સંદર્ભે બેઠક યોજાઈ

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા

પંચમહાલ જિલ્લામાં ૧૨ કેન્દ્રોના ૧૩૩ બ્લોક પર ૩૧૮૩ ઉમેદવારો પરીક્ષા આપશે

આગામી તા.૦૭/૦૩/૨૦૨૧ના રોજ પંચમહાલ જિલ્લામાં ૧૨ કેન્દ્રો ખાતે જીપીએસસી દ્વારા લેવાનાર રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-૩ પરીક્ષાના સુચારૂ આયોજન માટે નિવાસી અધિક કલેક્ટરશ્રી એલ.બી.બાંભણીયાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડમાં આયોગના પ્રતિનીધીઓ, ઝોનલ અધિકારી, તકેદારી સુપરવાઈઝરોની બેઠક મળી હતી. બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રીએ પરીક્ષાના સુચારૂ આયોજન માટે પરીક્ષા સાથે સંકળાયેલ તમામ અધિકારીઓને કેટલાક રચનાત્મક સુચનો કર્યા હતા. ખાસ કરીને વર્તમાન કોરોના સંક્રમણની પરિસ્થિતીને ધ્યાને લઈ પરીક્ષા દરમ્યાન કોવિદ-૧૯ની સરકારની માર્ગદર્શિકાનું સંપૂર્ણ પાલન થાય તેની વિશેષ કાળજી રાખવા જણાવ્યું હતુ. તદઉપરાંત પરીક્ષા કેન્દ્રોનું સેનેટાઈઝ, ઉમેદવારોની બેઠક વ્યવસ્થા, સેનટાઈઝર, વીજળી, પીવાનું પાણી, કાયદો વ્યવસ્થા સહિત પરીક્ષાર્થીઓને આવવા-જવામાં મુશ્કેલી ના પડે તે માટે એસ.ટી.સુવિધા સહિતની આનુષંગિક બાબતો અંગે સંબંધિત અધિકારીઓને જરૂરી સુચના-માર્ગદર્શન આપ્યા હતા. સમગ્ર રાજ્યમાં તા.૦૭.૦૩.૨૦૨૧ના રોજ જીપીએસસી દ્વારા લેવાનાર રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-૩ની આ સ્પર્ધાત્મક પરીક્ષા પંચમહાલ જિલ્લામાં ગોધરાના કુલ ૧૨ કેન્દ્રો ખાતે લેવામાં આવનાર છે. આ માટે કુલ ૧૩૩ બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ૩૧૮૩ ઉમેદવારો પરીક્ષા આપશે. પરીક્ષાખંડમાં મોબાઈલ રાખી શકાશે નહી. કોઈ પણ પ્રકારની ગેરરિતી અટકાવવા તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પરીક્ષા કેન્દ્રોની સો મીટરના વિસ્તારમાં ઝેરોક્ષ કોપી સેન્ટરો બંધ રાખવામાં આવશે. બેઠકમાં પ્રાંત અધિકારીશ્રી વિશાલ સક્સેના અને શ્રી જયકુમાર બારોટ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી બી.એસ. પંચાલ, સ્થળ સંચાલકો, સુપરવાઈઝર્સ, ઝોનલ અધિકારીઓ, આયોગના પ્રતિનિધીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here