આઝાદી કા અમૃત મહોત્સવ અને રાષ્ટ્રીય એકતા દિવસ સંદર્ભે નિકળેલી આઇ.ટી.બી.પી. અને પોલીસ જવાનોની મોટર સાયકલ રેલી અમદાવાદ પહોંચી

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

31 ઓકટોબરે સરદાર પટેલ જયંતિની ઉજવણીમાં રાષ્ટ્રીય એકતા પરેડમા મોટર સાયકલ રેલીના જવાનો સહભાગી થશે

રાષ્ટ્રભાવના ઉજાગર કરતી મોટર સાયકલ રેલીને મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે લીલી ઝંડી આપીને કેવડીયા જવા માટે પ્રસ્થાન કરાવ્યુ

આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત દેશની ચારેય દિશામાં એકતા અખંડિતતા નો સંદેશો ગુંજતો કરવા નિકળેલી પોલીસ અને સશસ્ત્ર દળોની મોટર સાયકલ રેલીએ દેશવાસીઓમાં રાષ્ટ્રભાવના ઉજાગર કરી :-  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલે અમદાવાદના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે “આઝાદી કા અમૃત મહોત્સવ અને રાષ્ટ્રીય એકતા દિવસ સંદર્ભે કચ્છના લખપતથી નીકળેલી પોલીસ જવાનો ની મોટર સાયકલ  રેલી અમદાવાદ આવી પહોંચતા આજે  તેને કેવડીયા જવા પ્રસ્થાન કરાવ્યું હતું
મુખ્યમંત્રી એ આ અવસરે કહ્યુ કે એક ભારત શ્રેષ્ઠ ભારત અને અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબની જન્મજયંતિ નિમિત્તે 31 ઓકોટબરે  કેવડિયા કોલોની ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થવાની છે

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી રાષ્ટ્રીય એકતા દિવસ સંદર્ભે કેવડિયા કોલોની ખાતે પોલીસ પરેડનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે.
જેમાં સશસ્ત્ર દળ અને પોલીસના જવાનો ભાગ લઇને એકતા અને અખંડિતતાનો સંદેશો સમગ્ર દેશવાસીઓને આપે છે.
આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના સદંર્ભે આ વર્ષે એકતા દિવસ ઉપલક્ષ્યમાં દેશની ચારેય દિશામાં આઝાદીનો સંદેશ ગુંજતો કરવા અને રાષ્ટ્રભાવ ઉજાગર જમ્મુ કાશ્મીર,ત્રિપુરા,કેરલા થી નિકળેલી મોટર સાયકલ રેલીઓ 31મી ઓકટોબરે કેવડીયા પહોચશે.
તદનુસાર કચ્છ ના લખપત થી નીકળેલી રેલી આજે અમદાવાદ ખાતે આવી પહોંચી છે. અમદાવાદ ખાતે આવેલી પોલીસ જવાનોની આ મોટર સાયકલ રેલીને કેવડિયા માટે પ્રસ્થાન કરાવવાનો અનેરો અવસર તેમને પ્રાપ્ત થયો છે તેનો હર્ષ પણ ભુપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યો હતો.
સરદાર પટેલની જન્મ જયંતિ એ કેવડીયા સ્થિત સરદાર સાહેબની વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં દેશભરમાંથી નિકળેલી મોટર સાયકલ રેલીના પોલીસ જવાનો સરદાર સાહેબને ભાવાજંલિ આપીને કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ પરેડમાં ભાગ લેવાના છે.
આ અવસર સમગ્ર દેશ માટે ગૌરવવંતી ક્ષણ બની રહેશે.
સમગ્ર દેશવાસીઓમાં રાષ્ટ્રભાવના ઉજાગર થાય અને સરદાર સાહેબના એક ભારત શ્રેષ્ઠ ભારતના વિચારોને ખરા અર્થમાં સાર્થક થાય તે માટે સંકલ્પબધ્ધ બનવા સૌ નાગરિકોને મુખ્યમંત્રી એ આહવાન કર્યું હતુ.
આ પ્રસંગે પ્રધાનમંત્રી ના નેતૃત્વમાં ભારતે કોરોના રસીકરણ માં 100 કરોડનો લક્ષ્ય પાર કરવાની સિદ્ધિ ને વધાવતા ફુગ્ગાઓને મુખ્યમંત્રી શ્રી અને ગૃહ રાજ્યમંત્રી ના હસ્તે ગગનમાં છોડવામાં આવ્યા હતા.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંધવી એ આ પ્રસંગે ગુજરાત પોલીસ જવાનોને આઝાદી કા અમૃત મહોત્સવ અને રાષ્ટ્રીય એકતા દિવસ સંદર્ભે નીકળેલી મોટર સાયકલ રેલીના અમદાવાદ ખાતેના આગમનના આવકારના સુંદર આયોજન બદલ અભિનંદન આપ્યા હતા.
તેઓએ આ પ્રસંગે એમ પણ કહ્યું કે, અમદાવાદ પોલીસ દ્વારા ઉત્સાહપૂર્વક આ રેલીને આવકારવામાં આવી છે. ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ આ રેલીને આવકારવા માટે પોલીસ દ્વારા સુદંર વ્યવસ્થા કરવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યુ હતુ.
આ રેલીમાં આઇ.ટી.બી.પી.ના જવાનો સાથે ગુજરાત પોલીસના જવાનો પણ જોડાયા હતા. બાઇક રેલી સાથે સાયકલ રેલીનું પણ આજરોજ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતુ.
મોટર સાયકલ અને સાયકલ રેલીના આ કાર્યક્રમમાં ગુજરાત પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયા, અમદાવાદ પોલીસ કમીશ્નર સંજય વાસ્તવ,એ.ડી.જી. રાજૂ ભાર્ગવ, અમદાવાદ ટ્રાફિક સંયુક્ત કમિશ્નર મંયકસિંહ ચાવડા,પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારી ઓ, આઇ.ટી.બી.પી. ના જવાનો, પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here