નર્મદા જીલ્લાના દેડિયાપાડા ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન આદિમ જૂથના પરિવારોને સાંસદ મનસુખ વસાવાના હસ્તે લાભોનું વિતરણ

દેડિયાપાડા, (નર્મદા) આશિક પઠાણ :-

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીથી આદિમ સમુદાય સાથે સંવાદ બાદ સંબોધન કર્યું

નર્મદા જિલ્લામાં વસતા આદિમ જૂથના કોટવાળિયા પરિવારોને વિવિધ સરકારી યોજનાના લાભો આપવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા છેલ્લા એક તબક્કાથી ચાલી રહેલી કવાયતના પરિણામ સ્વરૂપ બે હજારથી પણ વધુ વ્યક્તિને સરકારની યોજનાઓથી લાભાન્વિત કરવામાં આવ્યા છે. સાંસદ મનસુખ વસાવાના અધ્યક્ષ સ્થાને અંતરિયાળ એવા દેડિયાપાડાની આદર્શ નિવાસી શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન આ લાભો હાથોહાથ આપવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ લાભાર્થીઓને ઓનલાઇન માધ્યમથી સંબોધન કર્યું હતું.

પીએમ – જનમન કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લામાં વિવિધ ૯ વિભાગો દ્વારા વિવિધ યોજનાઓનો લાભ આદિમજુથને સમાજ સમકક્ષ બનાવવાના પ્રયત્નનાં ભાગરૂપે તેના ઘરે આપવા અર્થે આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. આજદીન સુધી વિવિધ વિભાગો દ્વારા આદિમજુથને વિવિધ લાભો આપવામાં આવ્યા છે. આ યોજના અંતર્ગત પીવીટીજી સમુદાયને ૨૧૮ જાતિ પ્રમાણપત્ર પોઈન્‍ટ ઓફ સેલ આપવામાં આવ્યા છે. કુલ ૧૦૦ લાભાર્થીઓને પી.એમ.જનધન યોજના અંતર્ગત બેન્‍ક ખાતા ખોલી આપવામા આવ્યા છે. પી.એમ.માતૃવંદના યોજના હેઠળ કુલ ૨૧ સગર્ભા મહિલાને આવરી લેવામાં આવી છે.

એ જ પ્રકારે આરોગ્ય વિષયક સહાય સંદર્ભે ગંભીર બિમારીમાં ૧૦ લાખ સુધીની સહાય આપવા અર્થે કુલ બે હજાર આયુષ્યમાન કાર્ડ બનાવી આપવામાં આવ્યા છે. સાથે ખાસ કેમ્પ યોજીને ૨૩૪ રાશનકાર્ડ અને ૯૬૫ આધાર કાર્ડ બનાવી આપવામાં આવ્યા છે. આમ, નર્મદા જિલ્લા વહીવટી તંત્રના પ્રયાસોના કારણે આટલા પરિવારોના ચહેરા ઉપર રાહતની લાગણી જોવા મળી હતી.

આ લાભો હાથોહાથ આપવા માટે દેડિયાપાડાની આદર્શ નિવાસી શાળામાં યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, દેડીયાપાડા-સાગબારા તાલુકાના ગરીબમાં ગરીબ કહી શકાય તેવા આદિવાસી આદિમ જૂથના લોકો માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઉત્તમમાં ઉત્તમ શ્રેષ્ઠ કાર્ય પ્રયાસ બદલ અભિનંદન પાઠવું છું. છેવાડાના માનવીને ઉપર ઉઠાવવાની વિકાસની મુખ્યધારામાં લાવવાના ઉમદા કાર્ય પીએમ-જનમન કાર્યક્રમ સમગ્ર દેશ માટે ગૌરવની વાત છે. તેમના વિકાસ માટે તેમનું મનોબળ વધારવા આત્મનિર્ભર કરવા માટે હર હાથ કો કામ આપી રાજ્ય, કેન્દ્ર સરકારની વિવિધ યોજના થકી તેમના ઘર આંગણે વિવિધ વિભાગોના અધિકારીને મોકલી સર્વે કરીને વંચિત લોકોને લાભ પહોંચાડવાની કામગીરીને બિરદાવું છું. વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી લોકોને ગામે ગામ ફરીને માહિતી પહોંચાડી જાગૃત કરવામાં આવ્યા હતા. આરોગ્ય, શિક્ષણ, રોડ-રસ્તા અને વ્યક્તિગત લાભો કઈ રીતે મેળવવા તેની વિસ્તૃત સમજ આપી હતી. જે યોજના આ જનમન કાર્યક્રમ થકી કાથોડી, કોટવાડીયા સમાજના ઉદ્ધાર માટે આજનો કાર્યક્રમ દૂરંદેશી અને આદિવાસીઓ પ્રત્યેનો પ્રેમ-લાગણી અને ચિંતા કરનારા વિઝનરી વડાપ્રધાન આપણને મળ્યા છે. સેવા સેતુના માધ્યમથી પણ અનેક લોકોની રોજબરોજની સમસ્યાનો ઉકેલ કરવામાં આવ્યો હતો. જંગલની જમીનની સનદો, પટ્ટા પણ લોકોને આપવામાં આવ્યા છે. બાકી રહી ગયેલાને પણ નિયમ અનુસાર સમાવેશ કરવામાં આવશે.

સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, હું નહીં પણ તું ની ભાવના હોવી જોઈએ. સરકાર આપણને મદદ કરે છે, આપણે પણ મહેનત કરવી પડે, આપણે ખેતી કરીએ છીએ, પ્રાકૃતિક ખેતીનું મહત્વ વધ્યું છે. સિંચાઈ દ્વારા ખેતી કરવા માટે બોર-મોટરની યોજના ટ્રાઇબલ વિભાગ દ્વારા બનાવાયી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં વર્ષે ૬,૦૦૦ રૂપિયા ખેડૂતના ખાતામાં આવે છે. તેનો ખેતી બિયારણમાં ઉપયોગ કરવા જણાવ્યું હતું. આયુષ્યમાન કાર્ડ યોજના, ઉજ્જવલા યોજના, કુટિર જ્યોતિ યોજના, આધાર કાર્ડ યોજના, નલ સે જલ યોજના, પ્રધાનમંત્રી કુસુમ યોજના દ્વારા સોલારથી પણ સગવડ વિસ્તારમાં આહવામાં આવી રહેલી છે.

ઓછી જમીનમાં મૂલ્યવર્ધિત ખેતી કરવી, બધાને રોજગારી આપવા માટે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના બનાવી છે. સારું એજ્યુકેશન મેળવો, સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરો, તમારા માટે રેસીડેન્સીયલ એકલવ્ય મોડેલ સ્કૂલમાં રહેવા-જમવાની વ્યવસ્થા ઉપલબ્ધ છે. દીકરા-દીકરી આજે દરેક ક્ષેત્રમાં નોકરી કરતા થયા છે. આદિવાસીઓ શિક્ષણમાં આગળ વધ્યા છે, પણ હજી ખૂબ જ આગળ વધે, હરીફાઈમાં ટકે તેવું શિક્ષણ મેળવવા પર ભાર મૂકવામાં હતો. પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડમાં પાંચ લાખ સુધીની મફત સારવાર મળે છે. માણસો માટે તો સરકારે વ્યવસ્થા કરી છે, પણ પશુપાલન કરતા લોકો માટે પશુઓની સારવાર પણ માનવી જેવી જ થાય તેવી યોજના પ્રધાનમંત્રીએ બનાવી છે.

સાથે સાથે સાંસદ મનસુખ વસાવાએ આદિવાસીઓને વ્યસનો, જુગાર જેવા દુર્ગુણોથી દૂર રહેવા અને અંધશ્રદ્ધાને તિલાંજલી આપવા, કુરિવાજો બંધ કરવા હાકલ કરી હતી. તમે આગળ વધો, સરકાર તમારી મદદ માટે હર હંમેશા તત્પર અને તૈયાર રહેશે. આજે અહીં આદિમ જૂથના લાભાર્થીઓને લાભ આપવા હું ગૌરવ અને ખુશી વ્યક્ત કરું છું. તેમના ચહેરા પર ખુશીની લહેર પણ પ્રસરી છે.

પ્રાસંગિક પ્રવચન કરતા નાંદોદના ધારાસભ્ય શ્રીમતી ડૉ. દર્શનાબેન દેશમુખે સરકારની વિવિધ યોજનાઓ અને તેના થકી જિલ્લાના લોકોને જે લાભો મળ્યા છે તેનો ચિતાર આપ્યો હતો. સાથે નર્મદા જિલ્લાના એવા વિસ્તારો જ્યાં આદિવાસી સમાજ વસવાટ કરે છે તેની કનેક્ટિવિટી માટે કરેલા વિકાસ કર્યો અને રોડ રસ્તાની સુવિધાઓ અંગે વિસ્તૃતમાં માહિતી આપી સરકારની યોજનાથી હજી પણ વંચિત રહી ગયેલા લોકોને યોગ્ય રાહ ચીંધી લાભ મળે તે દિશામાં કાર્ય કરવા હાકલ કરી હતી.

વધુમાં ધારાસભ્ય એ ઉમેર્યું કે, નર્મદા જિલ્લા સહિત સમગ્ર ગુજરાત અને ભારતમાં વસવાટ કરતા આદિમજૂથના પરિવારોનું જીવનધોરણ ઊંચુ આવે તે માટે સરકાર દ્વારા પીએમ-જનમન મહા અભિયાનના માધ્યમથી પ્રયાસો થઈ રહ્યા છે. નર્મદા જિલ્લામાં વસવાટ કરતા અંદાજે ૪૬૭૮ જેટલા કોટવાળિયા સમાજના નાગરિકો સરકાર ની યોજનાઓનો લાભ લઈ રહ્યા છે.

પીએમ – જનમન કાર્યક્રમના પ્રણેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીથી ખાસ સંબોધન કર્યું હતું અને તેને ઉપસ્થિતિઓએ રસપૂર્વક સાંભળ્યું હતું. તેમણે વિવિધ રાજ્યોના કેટલાક લાભાર્થીઓ સાથે સીધો સંવાદ સાધી પ્રતિભાવ જાણ્યા હતા.

આ કાર્યક્રમ સાથે વિવિધ વિભાગો દ્વારા સરકારી યોજનાની માહિતી આપતા સ્ટોલ પણ મૂકવામાં આવ્યા હતા. જેને ગ્રામજનોએ નિહાળ્યા હતા. બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. આદિવાસી ઉત્થાન માટે સરકાર દ્વારા લેવાયેલા પગલાંની દસ્તાવેજી ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું.

નર્મદા જિલ્લામાં સાગબારા અને દેડીયાપાડા તાલુકાના ગામોમાં કોટવાળીયા સમુદાયના લોકો વસવાટ કરતા હોવાથી આ સમાજના લોકોના આરોગ્યની ચિંતા કરી સરકાર દ્વારા ત્રણ એમ્બ્યુલન્સ મેડિકલ યુનિટ ફાળવવામાં આવ્યા છે, તેમજ પશુ સારવાર માટે ફરતું દવાખાનું(એમ્બ્યુલન્સ) તેનું લોકાર્પણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. આદિમ જૂથના બાળકો માટે ત્રણ નવીન આંગણવાડી કેન્દ્રો મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં સાગબારા તાલુકાના ધવલીવેર, દેડીયાપાડા તાલુકાના સોરાપાડા અને મોટી બેડવાણ ગામના નવા આંગણવાડી કેન્દ્રો માટેના મંજૂરીપત્રો પણ મહાનુભાવોના હસ્તે આપવામાં આવ્યા હતા.

આ વેળાએ ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી પર્યુષાબેન વસાવા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ખાનસિંગભાઈ વસાવા, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન શ્રીમતી રશ્મિબેન વસાવા, જિલ્લા પંચાયત સિંચાઈ સમિતના ચેરમેન શ્રીમતી નિતાબેન વસાવા, જિલ્લા પંચાયતના સભ્ય હિતેશભાઈ વસાવા, પૂર્વ વન મંત્રી મોતીભાઈ વસાવા, દેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ વસાવા, સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી ચંપાબેન વસાવા, જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયા, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, નાયબ વન સંરક્ષક નિરજ કુમાર, પ્રયોજના વહીવટદાર હનુલ ચૌધરી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવ, દેડિયાપાડાના પ્રાંત અધિકારી ડી.આર.સંગાડા, દેડિયાપાડા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી વર્ષાબેન વસાવા સહીત ચૂંટાયેલા પ્રતિનિધિઓ, જિલ્લા વહીવટી તંત્ર અને તાલુકાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here