ડીસાના કંસારી નજીક ખાણ-ખનીજ વિભાગે રોયલ્ટી ચોરી કરતાં ત્રણ ડમ્પરો ઝડપી પાડ્યા

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

ડમ્પર સહીત રૂા. ૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી રૂા. ૭.૫૦ લાખનો દંડ ફટકાર્યો

બનાસકાંઠા જીલ્લાના ડીસામાંથી પસાર થતી બનાસ નદીના પટમાંથી છેલ્લા ઘણા સમયથી કેટલાંક શખ્સો દ્વારા મોટાપાયે રોયલ્ટીની ચોરી કરી સરકારની તિજોરીમાં લાખો રૂપિયાનું નુકશાન પહોંચાડવામાં આવી રહ્યું છે. જો કે, અનેકવાર ખાણ-ખનીજ વિભાગની ટીમ બાતમીના આધારે અને ઓચિંતી તપાસ દરમિયાન રોયલ્ટીની ચોરી કરતાં અનેક વાહનો ઝડપી પાડવામાં આવે છે. ગઇકાલે ખાણ-ખનીજ વિભાગની ટીમે કંસારી ગામ નજીકથી રોયલ્ટી ભર્યા વગર તી ભરી જતાં મંગળવારે સવારે ડમ્પરો ઝડપી પાડ્યા હતા. આ ત્રણેય ડમ્પરો જપ્ત કરી તેના માલિકને રૂા. ૭.૫૦ લાખનો દંડ ફટકાર્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા ખાણ-ખનીજ વિભાગની ટીમ મંગળવારે સવારે ડીસા તાલુકાના ગામોમાં ઓચિંતી તપાસમાં હતી. તે દરમિયાન ડીસા તાલુકાના કંસારી ગામ નજીકથી રેતી ભરેલા ત્રણ ડમ્પરો પસાર થઇ રહ્યા હતા. ખાણ-ખનીજ વિભાગની ટીમે આ ત્રણેય ડમ્પરોને રોકાવી તેમના ચાલક પાસે રોયલ્ટીની પાવતી માંગી હતી. જો કે, તેમની પાસે પાવતી ન હોવાથી અને રોયલ્ટીની ચોરી કરી જતાં હોવાના પગલે આ ત્રણેય ડમ્પરો સહીત રૂા. ૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી તેના માલિકને રૂા. ૭.પ૦ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ખાણ-ખનીજ વિભાગની આ કાર્યવાહીથી રોયલ્ટી ચોરી કરતાં તત્ત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here