જુનાડીસા પીએચસીના બંધ ક્વાટર્સમાં ફરી એક વાર આગ લાગતા દોડધામ

ડીસા, (બનાસકાંઠા)-નિસાંત :-

ગ્રામ પંચાયતની તાકીદ છતાં દરકાર ન લેવાતા ગામ લોકોમાં રોષ

ડીસા તાલુકાના જુનાડીસા ગામની ગ્રામ પંચાયત પાસે વર્ષોથી જર્જરીત હાલતમાં પીએચસીના સરકારી ક્વાટર્સ આવેલા છે. જે ક્વાટર્સ બંધ હોવાથી ગામ લોકો દ્વારા ત્યાં કચરો નાખવામાં આવતો હોય છે.જેમાં બાવળ- ઝાડી પણ ઊગી નીકળી છે.જ્યાં આજે આકસ્મિક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી.
સરકારી ક્વાટર્સમાં પડેલા કચરાના ઢગલામાં આગ લાગી હોવાના સમાચાર મળતા જ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. જ્યારે ફાયર ફાઈટરની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટનાને પગલે લોકોના ટોળેટોળા એકત્રિત થઈ ગયા હતા.અને લાપરવાહ આરોગ્ય વિભાગ સામે રોષ ઠાલવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગ્રામ પંચાયત દ્વારા અવારનવાર નોટિસ અને લેખિતમાં રજૂઆતો અને ગ્રામસભામાં તાકીદ કરવા છતાં આરોગ્ય વિભાગ દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી.અગાઉ પણ અહીં આગના બનાવો બનેલા છે. તેમ છતાં મેડીકલ ઓફીસર કે તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા
આ મુદ્દે કોઈ પગલાં લેવાતા નથી.ત્યારે આજુબાજુ રહેણાંક વિસ્તાર હોઈ કોઈ મોટી દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ ? તેવો ગામલોકોએ વેધક સવાલ કરી રોષ ઠાલવ્યો હતો.ત્યારે આ મુદ્દે જિલ્લા વિકાસ અધિકારી સત્વરે ઘટતા પગલાં ભરે તેવો જનમત પ્રવર્તે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here