છોટાઉદેપુર : વિશ્વાસથી વિકાસ યાત્રામાં 9.22કરોડના કાર્યોનું લોકાર્પણ/ખાતમૂહર્ત કરવામાં આવ્યું

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

રાજ્યભરના તમામ જિલ્લાઓને આવરી લેતો વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ અંતર્ગત આજરોજ છોટાઉદેપુર ખાતે આવેલ સ્વામિનારાયણ હોલમાં રાજ્ય કક્ષાના મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ, મહિલા અને બાળ કલ્યાણ વિભાગ ,અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

મહિલા અને બાળ વિકાસ વિભાગ અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી, શ્રીમતી મનીષાબેન વકીલે પોતાના વક્તવ્યમાં ડબલ એન્જીન સરકારની રફ્તારની વાત કરી હતી. છોટાઉદેપુર જિલ્લાની વાત કહેતા તેમણે ઉમેર્યુ હતું કે આ જિલ્લાએ ઓછા ગાળામાં વિકાસ ખૂબ જોયો છે. એક જ મહિનામાં વિવિધ કાર્યક્રમો માટે છોટાઉદેપુર ખાતે આ તેમનો ત્રીજો પ્રવાસ હોવાનો ઉલ્લેખ કરી તેમને કહ્યુ હતું કે આ એક મહિનામાં વિવિધ કાર્યો મળીને કુલ 20 કરોડ જેટલી રકમના કાર્યોના તેઓ સાક્ષી છે.

સમગ્ર રાજ્યમાં એક જ દિવસમાં 50 લાખ આયુષ્માન કાર્ડ વિતરણ થયા તે આપણા માટે એક ઐતહાસિક પળ કહેવાય. જેમાં 47 હજાર વિધવા બહેનોના આયુષ્યમાન કાર્ડનો પણ સમાવેશ થયેલ છે.. રાજ્ય સરકારની સંવેદના આ વિધવા બહેનોના જીવનને બહેતર બનાવવાની છે. ગ્રામીણ અને ઘરમાં રહેતી બહેનોમાં પણ હવે જાગૃતિ આવી છે. આજે બહેનો પાસે સરકારની યોજનાઓની તમામ માહિતી હોય છે, કઈ યોજના પોતાના માટે છે, ક્યાંથી લાભ લેવો વગેરે જાણકારી આ બહેનો ઘર કામ કરીને પણ રાખે છે. આજે રાજ્ય સરકારે કુપોષિત શબ્દ જ દૂર કરી દીધો છે.

સમારંભમાં છોટાઉદેપુરના સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રીશંકરભાઇ રાઠવા, શ્રીજ્યંતિભાઈ રાઠવા, કલેકટર શ્રીમતી સ્તુતિ ચારણ, અધિક કલેક્ટર શ્રી.આર કે ભગોરા, સબ.ડીવી. મેજિસ્ટ્રેટ શ્રીવિમલ ચક્રવર્તી, જિલ્લા આયોજન અધિકારી, અન્ય અધિકારીઓ, જિલ્લા ભાજપના પદાધિકારીઓ શ્રીમેહુલ પટેલ, શ્રીભુપેન્દ્ર રાઠવા તેમજ સમગ્ર જિલ્લાના તમામ 6 તાલુકાની વિશાળ સંખ્યામાં આવેલી જનમેદની વચ્ચે કાર્યક્રમ સંપન્ન થયો હતો. સમગ્ર કાર્યક્રમમાં કુલ 9.22 કરોડના વિવિધ વિભાગોના ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહર્તો કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકારના ત્રણ વિભાગોના કુલ રૂ.7.30 કરોડના 148 કામના લોકાર્પણો તેમજ રૂ.1.93 કરોડના 67 કામોના ખાતમુહર્તની તકતીઓનું અનાવરણ સમારંભના અધ્યક્ષના હસ્તે કરવામાં આવ્યું હતું. સામાન્ય વહીવટ વિભાગ, પંચાયત, ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ તેમજ મહિલા અને બાલ વિકાસ વિભાગ એમ ત્રણ વિભાગોના કુલ મળીને 215 કામોનો સમાવેશ આજના સમારંભમાં કરવામાં આવ્યો હતો.
વિશ્વવાસથી વિકાસ કાર્યકમ હેઠળ ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ રીતે વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહર્ત આજના દિવસે સંપન્ન થયા હતા. સાંસદ ગીતાબેને વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે આ સરકાર બહેનો માટે સૌથી વધારે લાભદાયી રહી છે. સખીમંડળો, સ્વ સહાય જૂથો, ધાત્રી બહેનો, સગર્ભા બહેનો, કિશોરીઓ, નાની બાળકીઓ આમ તમામ વયજૂથો અને દરેક વર્ગની બહેનો માટેની અઢળક યોજનાઓ રાજ્ય સરકારે લાગુ પાડી છે. જિલ્લા પંચાયતના પ્રમુખે પણ પ્રાસંગિક પ્રવચન કરી સૌને દિવાળીના તહેવારની શુભેચ્છા પાઠવી હતી. ત્યારબાદ ગાંધીનગરથી મુખ્ય મંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ વિકાસયાત્રા કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યુ હતુ.અંતમાં સબડિવિઝનલ મેજિસ્ટ્રેશ્રીએ આભારવિધિ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here