ઘોઘંબા તાલુકાના પાધોરા ગામના આરોગ્ય કેન્દ્રમાં બોગસ રસીકરણ થયું હોવાની ચર્ચાઓ…

ઘોઘંબા,(પંચમહાલ) ઈશહાક રાટા :-

આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆને જાણ થતાં તપાસ કરાવડાવી

ઘોઘંબા તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ અર્જુનભાઈ બારીઆ અને જિલ્લા મહામંત્રી પ્રવિણભાઈ રાઠેવાએ પાધોરા આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી

આજ રોજ ઘોઘંબા તાલુકાના ધનેશ્વર ગામના યુવાને આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆને ટેલીફોનીક વાતચીત દ્વારા જણાવ્યું કે, તેઓ તેમની મમ્મી મનીબેન પ્રતાપભાઈને લઈને પાધોરા આરોગ્ય કેન્દ્રમાં કોરોનાની પ્રથમ રસી મુકાવવા ગયા હતા. પરંતુ આશ્ચર્યજનક રીતે જાણવા મળ્યું કે તેઓની મમ્મીને તો રસીકરણ નો પ્રથમ ડોઝ તા: ૮/૪/૨૦૨૧ ના રોજ મુકાઇ ગયો છે તે સાંભળીને ખુદ મનીબેન અને તેઓના પુત્ર પ્રવિણભાઈ પણ આશ્ચર્યમાં મુકાઇ ગયા કારણ કે હજું સુધી કોઈ રસી મણીબેને મુકાવી નથી અને રસી મુકાવ્યા નું સર્ટીફીકેટ પણ બતાવવામાં આવ્યું હતું ત્યારે આરોગ્ય કેન્દ્રના ડોક્ટરને પૂછ્યું ત્યારે ડોક્ટરે કહ્યું કે અમારી ઉપર ઘણું દબાણ હતું. ઠીક છે રસી મુકી આપવામાં આવશે એવું ડોક્ટરે કહ્યું. ત્યારે પ્રવિણભાઈએ કહ્યું કે, આવા કેટલા લોકોની બોગસ યાદી બનાવી છે ? ત્યારે ડોક્ટર ગુસ્સામાં આવી ગયા હતા અને કહ્યું કે, સરપંચને પૂછો કેટલું દબાણ હતું એમ કહી જવાબ ટાડ્યો હતો.
જેની જાણ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆને કરી હતી.
તેથી પ્રમુખ દિનેશ બારીઆએ આરોગ્ય કેન્દ્રમાં રુબરુ જઈ તપાસ કરાવવા સ્થાનિક પાર્ટીના હોદ્દેદાર ઘોઘંબા તાલુકા આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખશ્રી અર્જુનસિંહ બારીયા અને જિલ્લા સમિતિના મહામંત્રી પ્રવિણસિંહ રાઠવાને આરોગ્ય કેન્દ્ર પર જઇને તપાસ કરવા જણાવવામાં આવ્યું હતું.
જેથી તેઓએ પાધોરા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી પરંતુ આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર મળ્યાં ન હતા. હાજર પરના કર્મચારીઓને ડૉક્ટર વિશે પૂછ્યું તો તેઓએ કહ્યું કે, બપોરના ૧૨ થી ૪ બ્રેક હોય છે ડૉક્ટર ૪ વાગ્યા પછી મળશે તેવું કહેતા ડૉક્ટર ની મુલાકાત થઈ શકી નથી. આ આરોગ્ય કેન્દ્રમાં કેટલાં લોકોને રસીકરણ કરવામાં આવ્યું છે તેની યાદી માંગવામાં આવી ત્યારે કર્મચારીઓએ કહ્યું કે એ યાદી અહી ઉપલબ્ધ નથી.
ત્યારે હવે સવાલ એ થાય છે કે, કોરોના જેવી મહામારી ને દુર કરવા માટે વિશ્વએ જ્યારે રસીકરણનો માર્ગ અપનાવ્યો છે, દેશ અને રાજ્યમાં રસીકરણ માટે જાગૃતિ અભિયાન અને ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, લોકોને જાગૃત કરવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે ઘોઘંબા તાલુકાના આદિવાસી વિસ્તારમાં ખુદ આરોગ્ય કેન્દ્રમાં આવી બોગસ રસીકરણ થઈ હોવાનું બહાર આવ્યું છે. આ એક ગંભીર બાબત છે એમ જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆ એ જણાવ્યું હતું અને એમ પણ કહ્યું હતું કે ઘોઘંબા તાલુકાના તમામ આરોગ્ય કેન્દ્રોમાં તપાસ થવી જોઈએ. કોરોનાનો થર્ડ વેવની શક્યતાઓ આરોગ્ય રીસર્ચ સંસ્થાઓ દ્વારા બતાવવામાં આવી છે અને તે માટે સચેત રહેવા જણાવાયું છે તેમ છતાં ખુદ આરોગ્ય વિભાગની આવી બેદરકારી લોકોના આરોગ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. અહીં ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ જિલ્લા પંચાયતના પ્રમુખે મુલાકાત લીધી હતી. શું તેઓને પણ ખોટા આંકડા બતાવ્યા હશે કે કેમ અને તેઓએ પણ ગામ લોકો પાસેથી કઇ માહિતી મેળવી હશે કે કેમ તે પણ એક સવાલ ઉભો થાય છે એમ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ દિનેશ બારીઆએ જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here