ગોધરા તાલુકાના ઓરવાડા ખાતે કેબિનેટમંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણનાં અધ્યક્ષસ્થાને આત્મનિર્ભર ગ્રામ રથયાત્રાનો રાજ્યકક્ષાનો સમાપન સમારોહ યોજાયો…

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

આરોગ્ય રાજ્યમંત્રીશ્રી નિમિષાબેન સુથારની પ્રેરક ઉપસ્થિત

આત્મનિર્ભર ગ્રામરથ યાત્રા આજે સમાપ્ત નથી થઈ રહી પરંતુ અવિરત ચાલુ રહેતી વિકાસયાત્રા બની રહેવાની છે

વર્તમાન સરકાર વંચિતો શોષિતો અને પીડિતોની ચિંતા કરતી સરકાર છે : ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણ

ત્રણ દિવસીય અભિયાન અંતર્ગત જિલ્લામાં 122 કરોડથી વધુ મૂલ્યનાં 5493 જેટલા વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત

મહાનુભાવોના હસ્તે સ્ટેજ પરથી આવાસ યોજના, સખીમંડળ સહિતના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરાયું

રાજ્યભરની 10,600થી વધુ ગામોની 1090 જિલ્લા પંચાયત બેઠકોને આવરી લઈ છેવાડાના દરેક માનવી સુધી યોજનાકીય લાભો અને માહિતી પહોંચાડતી ત્રણ દિવસીય આત્મનિર્ભર ગ્રામ રથયાત્રા આજે પૂર્ણ થઈ હતી, જે નિમિત્તે રાજ્યકક્ષાનો સમાપન સમારોહ ગોધરા તાલુકાના ઓરવાડા ખાતે ગ્રામ વિકાસ અને ગ્રામગૃહ નિર્માણ મંત્રી (કેબિનેટ)શ્રી અર્જુનસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને અને આરોગ્ય રાજ્યમંત્રીશ્રી નિમિષાબેન સુથારની પ્રેરક ઉપસ્થિતમાં યોજાયો હતો. સમાપન સમારોહના અધ્યક્ષસ્થાનેથી બોલતા કેબિનેટમંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે ગુજરાતના દરેક ગામડા સુધી વિકાસના સુફળ પહોંચાડવાના હેતુથી યોજાયેલ આ આત્મનિર્ભર ગ્રામરથ યાત્રા આજે સમાપ્ત નથી થઈ રહી પરંતુ અવિરત ચાલુ રહેતી વિકાસયાત્રા બની રહેવાની છે. આ ત્રણ દિવસીય અભિયાન અંતર્ગત જિલ્લામાં 122 કરોડથી વધુ મૂલ્યનાં 5493 જેટલા વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. સૌનો સાથ, સૌનો વિકાસના સૂત્રને વરેલી આપણી સરકાર બાળક ગર્ભમાં હોય ત્યારથી તેની કાળજી રાખવાની શરૂ કરે અને તેનાં જન્મ, ઉછેર દરમિયાન પોષણ, આરોગ્ય અને શિક્ષણની ઉત્તમ સુવિધા પૂરી પાડવા સાથે વયસ્ક થાય ત્યારે રોજગાર, આહાર, પાણી-મકાન સહિતની આંતરમાળખાકીય સુવિધાઓ સુનિશ્ચિત કરી રહી છે. કોઈ માંગણી ન હોવા છતા જગતનાં તાત ખેડૂતો માટે વર્ષના રૂ.6000/-ની સન્માન નિધીની જોગવાઈ કરનારી સરકારને ખેડૂતો, વંચિતો શોષિતો અને પીડિતોની ચિંતા કરતી સરકાર જણાવતા તેમણે ઉમેર્યું હતું કે અગાઉની માફક હવે ખેડૂતોને ખાતર માટે લાઈનમાં ઉભા નથી રહેવું પડતું કે ખાતરના કાળા બજાર નથી થતા. સરકારે બાળકોના શિક્ષણની ચિંતા કરી શિક્ષણ ક્ષેત્રે આંતરમાળખાકીય સુવિધાઓ અને સંસાધનો વધારવા માટે લીધેલ પગલાઓનો ઉલ્લેખ કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે હવે અગાઉની જેમ વરસાદના એક ઝાપટામાં શાળાઓ બંધ કરવી પડે તેવી સ્થિતિ નથી. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની આ સરકાર નાગરિકોને સીધા લાભ આપતી 256 જેટલી યોજનાઓના અસરકારક અમલીકરણ માટે સતત પ્રવૃત અને પ્રતિબદ્ધ છે ત્યારે નાગરિકોને પણ લાભો મેળવવા માટે આગળ આવવા, આસપાસના જરૂરતમંદ વ્યક્તિઓને આ યોજનાકીય લાભો મેળવવામાં મદદરૂપ થવા તેમણે હાકલ કરી હતી. કાર્યક્રમની શરૂઆત મંત્રીશ્રીએ દેશ કાજે શહીદી વહોરનાર ઓરવાડા ગામના સપૂત સ્વ. સુનિલભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત આદિજાતિ વિકાસ અને આરોગ્ય રાજ્યમંત્રીશ્રી નિમિષાબેન સુથારે આ પ્રસંગે જણાવ્યું હતું કે આત્મનિર્ભર ગ્રામ રથયાત્રા સરકારની કલ્યાણકારી યોજનાઓ દરેક ગામ લઈ જઈ લાભાર્થીઓને ઘરઆંગણે લાભો આપવાની, વિવિધ યોજનાકીય માહિતી આપવાનો સેવાયજ્ઞ છે. આત્મા ગામડાનો અને સુવિધા શહેરનીના મંત્રને નજર સમક્ષ રાખીને દરેક ગામમાં લોક સુખાકારીના મહત્તમ કાર્યોનો લાભ આપવાના હેતુ સાથે આ યાત્રા મુખ્યમંત્રીશ્રીના વડપણ હેઠળ ગુજરાતમાં ગ્રામ સ્વરાજનું સપનું પૂર્ણ કરવાની દિશામાં મજબૂત કદમ છે. નિરામય અભિયાન સહિતની આરોગ્ય વિષયક યોજનાઓનો અચૂકપણે લાભ લઈ નિરોગી, સ્વસ્થ અને મજબૂત ગુજરાતના નિર્માણમાં સહયોગી થવા આરોગ્યમંત્રીશ્રીએ અપીલ કરી હતી. કાર્યક્રમમાં મંત્રીશ્રી સહિતના મહાનુભાવોના હસ્તે 15 જેટલા લાભાર્થીઓને આવાસની પ્રતીકાત્મક ચાવી આપી આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમજ 20 જેટલા સખીમંડળોને વિવિધ યોજનાઓ હેઠળ આર્થિક સહાયનું વિતરણ સ્ટેજ પરથી કરવામાં આવ્યું હતું. ગોધરાના ધારાસભ્યશ્રી સી.કે.રાઉલજીએ પ્રાસંગિક પ્રવચન કરતા જિલ્લામાં હાથ ધરાયેલ વિકાસકાર્યો અને વિકાસલક્ષી આગામી આયોજન અંગે વાત કરી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્જુનસિંહ બી. રાઠોડે ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરતા સમગ્ર કાર્યક્રમના હેતુ અને જિલ્લામાં તે અંતર્ગત થયેલી કામગીરીની રૂપરેખા આપી હતી. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખસુશ્રી કામિનીબેન સોલંકી, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી અશ્વિનભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી સહિતના અગ્રણી પદાધિકારીશ્રીઓ, જિલ્લા કલેક્ટરશ્રી સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્જુનસિંહ બી. રાઠોડ, ડિઆરડીએ ડાયરેક્ટરશ્રી એસ. તબિયાર સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here