ગોધરા ખાતે જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં પરીક્ષા સ્થાયી સમિતિની બેઠક યોજાઈ

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

રિપીટર અને ખાનગી વિદ્યાર્થીઓ માટેની એસ.એસ.સી, એચ.એસ.સી. પરીક્ષાઓના સુચારુ આયોજન વિષયક તૈયારીઓની સમીક્ષા કરી

૧૫મી જુલાઈથી જિલ્લાના કુલ ૧૪,૮૬૫ પરિક્ષાર્થીઓ પરીક્ષા આપશે, ૧૯ પરીક્ષા કેન્દ્રોના ૭૦૫ બ્લોક પર લેવાશે

પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી સુજલ મયાત્રાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન, ગોધરા ખાતે સ્થાયી પરીક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકમાં કલેક્ટરશ્રીએ આગામી ૧૫મી જુલાઈથી શરૂ થઈ રહેલી ખાનગી, રિપીટર અને આઇસોલેટેડ વિદ્યાર્થીઓ માટેની એસ.એસ.સી, એચ.એસ.સી. પરીક્ષાઓને ધ્યાને રાખી કરવામાં આવી રહેલી તૈયારીઓ વિશે વિગતવાર માહિતી મેળવી હતી. કોરોના સંક્રમણ સામે સલામતીની એસઓપીના પાલનમાં કોઈ પણ બાંધછોડ ન થાય તેમ આયોજન કરવા વિશે તેમણે સૂચના અને માર્ગદર્શન આપ્યા હતા. શિસ્તને લગતા કોઈ પ્રશ્નો ન ઉદભવે, નિયમો અંગેના અજ્ઞાનના કારણે કોઈ સમસ્યા, ઘર્ષણ કે મુશ્કેલી ઉભી ન થાય, ગેરરીતિને કોઈ અવકાશ ન રહે, વિદ્યાર્થીઓ શાંતિથી નિશ્ચિંતપણે પરીક્ષા આપી શકે તેવો માહોલ સર્જવા માટે તેમણે સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા. મોબાઈલ લાવવા, પરીક્ષા ખન્ડમાં એન્ટ્રી અને ગેરરીતિ કરતા પકડાવવા પર થનારી શિક્ષા વિશે પરીક્ષાર્થીઓને સારી રીતે માહિતગાર કરવા તેમણે જણાવ્યું હતું. ૨૮ જુલાઈ સુધી ચાલનારી આ પરીક્ષાઓ દરમિયાન કેન્દ્રો પર પાણી, શૌચાલય, વીજપુરવઠો, પ્રાથમિક મેડિકલ સારવાર, ટ્રાન્સપોર્ટ માટે બસ સહિતના વાહનોની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા જિલ્લા સમાહર્તાશ્રીએ સૂચના આપી હતી.
બેઠક બાદ એક ઓનલાઈન વીસીમાં શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજ્યના તમામ જિલ્લાઓને કોરોનાના કપરા સમય બાદ આ પરીક્ષાઓના આયોજનના પડકારરુપ કાર્ય અંગે સૂક્ષ્મ માર્ગદર્શન આપ્યું હતું.
બેઠકમાં પોલીસ અધિક્ષકશ્રી ડો. લીના પાટીલ, નિવાસી અધિક કલેકટરશ્રી એમ.ડી. ચુડાસમા, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી બી.એસ. પંચાલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી વી.એમ. પટેલ, વિવિધ શૈક્ષણિક સંઘોના પ્રમુખશ્રીઓ સહિતના સ્થાયી પરીક્ષા સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લાના ૧૯ પરીક્ષા કેન્દ્રો પર કુલ ૧૪,૮૬૫ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

જિલ્લાના ધોરણ-૧૦ અને ૧૨ના કુલ ૧૪,૮૬૫ ખાનગી અને રિપીટર વિદ્યાર્થીઓ માટે ૭૩ પરીક્ષા બિલ્ડીંગના ૭૦૫ બ્લૉકમાં સમુચિત વ્યવસ્થા કરવામાં આવી છે. ધોરણ-૧૦ના કુલ ૧૦,૭૦૫ વિદ્યાર્થીઓ, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના કુલ ૩૩૨૦ અને વિજ્ઞાન પ્રવાહના કુલ ૮૪૦ ખાનગી, રિપીટર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ માટે જિલ્લાના ૧૯ પરીક્ષા કેન્દ્રોના ૭૩ પરીક્ષા બિલ્ડીંગના ૭૦૫ બ્લોકસમાં કોરોના સામે સલામતીને ધ્યાનમાં રાખીને સઘન આયોજન કરવામાં આવ્યું છે. તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે સેનેટાઇઝર અને થર્મલ ગનની વ્યવસ્થા કરવામાં આવશે. શિક્ષણ નિરીક્ષકશ્રી એ.એ.બારીયા અને શ્રી મેહુલ પારેખની નિમણુંક ઝોનલ અધિકારીઓ તરીકે કરવામાં આવી છે. તમામ બ્લોક પર સીસીટીવી કેમેરાની વ્યવસ્થા છે. એસ.એસ.સી.ની પરીક્ષાનો સમય સવારે ૧૦.૦૦ થી ૧૩.૧૫, સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ સવારે ૧૦.૦૦ થી ૧૩.૧૫ તેમજ ૧૪.૩૦ થી ૧૭.૪૫ કલાકે અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા બપોરે ૧૪.૩૦ થી ૧૮.૦૦ કલાકે યોજાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here