ખેતીવાડી અધિકારીશ્રીઓ અને વૈજ્ઞાનિકોની ઉપસ્થિતિમાં કાલોલ તાલુકાના ખેડૂતોએ ડેરોલ મોડલ ફાર્મની મુલાકાત લીધી

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

ખેડૂતોને પ્રાકૃતિક ખેતી મારફતે ઉગાડેલા પાક અંગે સમજ આપી આત્મનિર્ભર થવા અંગે માર્ગદર્શિત કરાયા

રાજ્ય સરકારશ્રી દ્વારા સમગ્ર રાજ્યના તાલુકાઓમાં રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરાયું છે ત્યારે આજરોજ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ખેડૂતોએ ડેરોલ સ્થિત મોડલ ફાર્મની મુલાકાત લીધી હતી.રવિ કૃષિ મહોત્સવના બીજા દિવસે કૃષિ વિભાગના અધિકારીશ્રીઓ,કર્મચારી અને વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને પ્રગતિશીલ ખેડૂતોના ફાર્મની મુલાકાત કરાવીને માર્ગદર્શિત કર્યા હતા.

આ પ્રસંગે પ્રગતિશીલ ખેડૂત દ્વારા તથા પ્રાકૃતિક કૃષિના ટેકનિકલ માસ્ટર ટ્રેનર દ્વારા જીવામૃત બનાવવાની પદ્ધતિનું નિદર્શન કરીને ખેડૂતોને ઊભા પાકોની મુલાકાત કરાવવામાં આવી હતી. આ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતી મારફતે ઉગાડેલા પાક અંગે સમજ આપી આત્મનિર્ભર થવા અંગે જાણકારી આપવામાં આવી હતી.ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના આયોમો અંગે સમજ આપી તેના ઉપયોગ અંગે જાણકારી આપતા રસાયણ મુક્ત ખેતી કરવા આહવાન કરાયું હતું.

આ મુલાકાત વેળાએ નોડલ અધિકારીશ્રી ડી.ડી.સોલંકી, વિસ્તરણ અધિકારીશ્રી ડી.વી.ચૌધરી,ગ્રામ સેવકો,બી.ટી.એમ,એ.ટી.એમ,વૈજ્ઞાનિકશ્રીઓ તથા મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here