કાલોલ શહેર અને તાલુકાના ગામેગામમાં વિઘ્નહર્તાને નિર્વિઘ્ને ભવ્ય વિદાય આપવાની તાડામાર તૈયારીઓ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મીરઝા :-

કાલોલ શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં વિઘ્નહર્તાને વિદાય આપવા માટે ૨૫૫ જેટલા સુરક્ષા કર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત રહેશે

કાલોલ શહેર અને તાલુકાના અનેક ગામોમાં ગણેશોત્સવ નિમિત્તે પાછલા દશ દિવસોથી મોંઘેરા મહેમાન બનેલા મંગલમૂર્તિને શુક્રવારે અનંતચૌદશ નિમિત્તે તેમની અનંતયાત્રાએ પ્રસ્થાન કરતા હોવાથી વિઘ્નહર્તાને નિર્વિઘ્ને વિદાય આપવામાં આવશે. હિન્દુ ધાર્મિક પરંપરા અનુસાર જેનુ સર્જન થાય છે તેનું વિસર્જન પણ કરવામાં આવે છે જેથી પોતાના નિજધામમાંથી ગણેશ ચતુર્થીએ ભક્તોને મળવા માટે આવેલા ભગવાન ગણેશજી પાછલા દશ દિવસો દરમ્યાન જનગણમનના મહેમાન બનીને અંતે વિધિ વિધાનુસાર અનંતચૌદશે પોતાની અનંતયાત્રાએ પ્રસ્થાન કરે છે જેથી અનંતચૌદશે ભગવાન ગણેશજીને જલસમાધિના માધ્યમથી વિસર્જન કરવામાં આવે છે. જોકે મોંઘેરા મહેમાન બનેલા ગણેશજીને આવતા વર્ષે જલ્દી આવવાના વચનના ઉમંગ ઉત્સાહભેર ભવ્ય શોભાયાત્રા સાથે ભવ્ય વિદાય આપવાની પરંપરાને અનુસરે છે. જેથી શુક્રવારે વિદાય લેતા મંગલમૂર્તિને ભવ્ય વિદાય આપવાના આયોજનની પુર્વ તૈયારીઓને અનુરૂપ કાલોલ શહેર અને તાલુકાના ગામોમાં ગણેશ યુવક મંડળો દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજીને યુવક યુવતીઓ સૌ કોઈ ડીજે, બેન્ડ અને નાસિક બેન્ડ જેવા નગારાઓના નાદથી અબીલ ગુલાલની છોળોના રંગે રંગાઈને નાચગાન અને નર્તનના ધૂમધામથી ભવ્ય વિદાય આપવાની તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. જોકે કાલોલ શહેરમાં વીસ જેટલા મોટા ગણેશ મંડળો અને સો જેટલા નાના મંડળીના ગણેશજીને વિદાય આપવાની પરંપરા મુજબ દરેક મંડળનો કાફલો નવાપુરાથી શરૂ કરીને બસ સ્ટેશન સુધીના એક નિર્ધારિત રુટ પર એકત્રિત થઈને નગરના મુખ્ય માર્ગો પર એકસાથે પ્રસ્થાન કરતા હોવાથી લાંબી એવી માનવમહેરામણ ઉમટી ભરેલી ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળશે. જેથી કાલોલ શહેરમાં ગણેશ વિસર્જનની શોભાયાત્રામાં કોઈ અનિચ્છનિય ઘટના ન ઘટે એ માટે સ્થાનિક પોલીસે બુધવારે બંને કોમના અગ્રણીઓ સાથે શાંતિ સમિતિની બેઠક યોજીને જિલ્લા પોલીસ તંત્રના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી-૧, પી આઈ-૧, પોસઈ-૭, કોન્સ્ટેબલ-૮૦, એસ આર પી-૧૬, હોમગાર્ડ- ૮૦ અને જીઆરડી -૭૦ મળીને કુલ ૨૫૫ કર્મીઓને શહેરના સમગ્ર રૂટ પર ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવાની પુષ્ટિ સ્થાનિક પોલીસે કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here