કાલોલ શહેરમાં બિનઅધિકૃત બાંધકામ મામલે ૧૫૦ ઉપરાંત બાંધકામ ધારકો અને વેપારીઓને મામલતદાર વિભાગ દ્વારા નોટિસ ફટકારતા હડકંપ…

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મીરઝા :-

કાલોલ શહેરમાં બિનઅધિકૃત બાંધકામ મામલે ૧૫૦ જેટલા દુકાન માલિકોને અને વેપારીઓને કાલોલ મામલતદાર દ્વારા નોટિસ ફટકારતા હડકંપ મચી જવા પામ્યો છે, કાલોલ મામલતદારે ગુરૂવારે અને શુક્રવારે બિનઅધિકૃત બાધકામો ધારકોને નોટિસ ફટકારી બાંધકામની પરવાનગી અને નકશા સહિતના પુરાવાઓ રજૂ કરવાની નોટિસો ફટકારતા વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં મામલો ગરમાયો છે.

કાલોલ નગરપાલિકાની હદમાં આવેલા અનેકવિધ વેપારી કોમ્પ્લેક્ષનું બાંધકામ મામલે હેતુફેર અને નકશાઓ સાથે છેડછાડ કરીને બીનઅધિકૃત રીતે ઉભા થયા હોવાની લોકબૂમ અને રજુઆતો ઘણા સમયથી ઉઠી રહી હતી પરંતુ તાજેતરમાં એક બાંધકામ મામલે હાઇકોર્ટનો આદેશ ઉપરાંત ઉચ્ચ સ્તરીય રજુઆતને પગલે જિલ્લા કલેક્ટરે આ સમગ્ર મામલે કાલોલ મામલતદારને આદેશ કરતા કાલોલ મામલતદારે બિનઅધિકૃત બાંધકામો કરતા માલિકોને અને વેપારીઓને લેખિત નોટિસ ફટકારી બાંધકામના પુરાવાઓ લઈ કચેરીએ હાજર થવાનું ફરમાન કરતા તંત્રની અવગણના કરતા બાંધકામ ધારકોમાં હડકંપ મચી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે કાલોલના ડેરોલ સ્ટેશન રોડ ઉપર આવેલ એક કોમ્પ્લેક્ષનું બાંધકામ બિનઅધિકૃત હોવાના મામલે એક અસરગ્રસ્ત પક્ષકારે ગુજરાત હાઇકોર્ટમાં પડકારતા કેસની લડતને અંતે હાઈકોર્ટ દ્વારા બિનઅધિકૃત બાંધકામ ઠેરવીને તંત્ર દ્વારા સત્વરે કાર્યવાહી કરવાનો હુકમ કર્યો હતો તેથી હાઈકોર્ટના ચુકાદા મુજબ જિલ્લા કલેક્ટર તંત્રએ કવાયત હાથ ધરતા બિનઅધિકૃત બાંધકામ ધરાવતા વેપારીએ ગત મહિને જીલ્લા કલેકટર સમક્ષ પોતાની સામે જાતીય અન્યાય કરવામાં આવતો હોવાનું આવેદનપત્ર આપીને કાલોલ નગરમાં અન્ય ઘણા બિનઅધિકૃત બાંધકામો અંગે સર્વે નંબર સાથે કલેકટરને રજુઆત કરતા બિનઅધિકૃત બાંધકામો મામલે ઘર ફૂટે ઘર જાય તેવો ઘાટ સર્જાયો છે. જેથી જિલ્લા કલેક્ટરે કાલોલ મામલતદારને સમાનવર્તી ન્યાયિક તપાસનો આદેશ કરતા મામલતદાર વિભાગ દ્વારા ગુરૂવાર અને શુક્રવારે સર્વે નંબર મુજબ બાંધકામ ધારકોને નોટિસ ફટકારી રહેણાંક હેતુની જમીનમાં કોમર્શિયલ બાંધકામો અંગે જરૂરી લે-આઉટ પ્લાન, નકશા, બિનખેતીના હુકમ સહિતના જરૂરી દસ્તાવેજો રજૂ કરવા બાંધકામ કરનારા માલિકો અને વેપારીઓને જણાવાતા અવાનારા સમયમાં બીનઅધિકૃત બાંધકામો મામલે વધુ જોર પકડે તેવી વકી વર્તાઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here