કાલોલ શહેરમાં કોરોના પ્રકોપ વધતા બુધવારે ત્રણ કેસો પ્રભાવિત:

હાઉસિંગ સોસાયટીમાં કોરોના પ્રભાવિત દર્દીના પરિવારની બે મહિલા અને પરસોત્તમનગર સોસાયટીમાં એક આધેડનો કોરોના રિપોર્ટ પોઝીટીવ

કલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ નગરમાં પાછલા ત્રણ દિવસના વિરામ બાદ બુધવારે સાંજે એક સાથે ત્રણ પોઝીટીવ કેસો પ્રકાશમાં આવતા નગરમાં ચકચાર મચી જવા પામી હતી. નગરની હાઉસિંગ સોસાયટીમાં ગત ૦૬/૦૭/2020 ના રોજ તુષારભાઈ રમેશભાઇ પટેલ(જગાભાઈ)નો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. જે સંદર્ભે તત્કાલીન સમયે તંત્ર દ્વારા તેમના પરિવારજનોને કરવામાં આવેલા હોમ કવેરોન્ટાઈન દરમિયાનના સાત દિવસને અંતે લીધેલા સેમ્પલનો રિપોર્ટ મુજબ બુધવાર સાંજે તુષાર પટેલના પત્ની અલ્પાબેન તુષારભાઇ પટેલ (ઉ.વ ૪૩)અને પુત્રી સાક્ષી તુષારભાઈ પટેલ(ઉ.વ ૧૯) આ બંને મા-બેટીના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પોઝીટીવ બનેલા તુષારભાઈ પટેલ પણ હાલ વડોદરા સ્થિત ખાનગી હોસ્પિટલમાં કોરોના સારવાર લઈ રહ્યા છે. જેને મા-બેટીને પણ તેમની કોરોના સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી શકે છે તેવી સંભાવના નજીકના સંબંધીઓએ વ્યક્ત કરી હતી. કાલોલ શહેરમાં કોરોના સંક્રમણથી હોટસ્પોટ બનેલા હાઉસિંગ સોસાયટી વિસ્તારમાં એક જ પરિવારના ત્રણ સભ્યો અને તેમના ઘર નજીકમાં જ હાલ સારવાર હેઠળ એવા ૮૪ વર્ષિય એક વયોવૃદ્ધ જયંતિભાઈ શાહ મળીને ચાર દર્દીઓ પ્રભાવિત બનતા હાઉસિંગ સોસાયટી વિસ્તારમાં વધતા જતા સંક્રમણના પ્રભાવનો ફફડાટ વધવા પામ્યો હતો. જ્યારે માંડી સાંજે પુરુષોત્તમ નગર સોસાયટીમાં રહેતા ૬૬ વર્ષિય ગફારમિંયા અબ્બાસમિંયા પઠાણની ચાલુ સપ્તાહે તબિયત લથડતા તેમનો કોરોના સેમ્પલનો રિપોર્ટ પોઝીટીવ આવતા તેમને કોરોના હોસ્પિટલ ગોધરા ખાતે સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. આમ બુધવારે વેજલપુરમાં એક અને કાલોલ શહેરમાં ત્રણ કોરોના કેસો સાથે તાલુકામાં એક જ દિવસમાં ચાર કોરોના કેસો પ્રકાશમાં આવતા તંત્રએ હરકતમાં આવી અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે અનુસાર કન્ટેનમેન્ટ કરવાની તજવીજ હાથ ધરી હતી. જે અંતર્ગત કાલોલ શહેરમાં કોરોના કેસો વધીને કુલ ૨૧ કેસો પૈકી ૧ મોત, ૧૦ કેસો ડિસ્ચાર્જ થઈને ઘરે પરત ફર્યા હતા. જ્યારે હાલમાં ૧૦ જેટલા પ્રભાવિત દર્દીઓ કોરોના સારવાર હેઠળ હોવાની તંત્રએ પુષ્ટિ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here