કાલોલ પંથકમા સામાન્ય ધુમ્મસ અને વાદળછાયા વાતાવરણને લઈ વાતાવરણ બદલાયુ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ નગર અને તાલુકા પંથકમાં અનેક વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. આજે વહેલી સવારે સામાન્ય ધુમ્મસ સાથે આકાશ વાદળ છાયું થયું હતું અને કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાતાં જે તે વિસ્તારના ધરતીપુત્રો વરસાદ પડવાની દહેશતોથી મૂંઝવણમાં મુકાયા હતા. જોકે દિવસ ચઢતાં વરસાદી વાદળો અંશતઃ વિખરાઈ જતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.
નગર અને તાલુકા પંથકમાં આજે વહેલી સવારથી મધ્યાહન સુધી અને સંધ્યાકાળ બાદ સિઝનલ ઠંડીનો અહેસાસ થયો હતો જ્યારે મધ્યાંતરે વાતાવરણ ફૂલ ગુલાબી અને ખુશનુમા રહ્યું હતું.
તાજેતરના કમૌસમી વરસાદને કારણે તાલુકાના ડેરોલગામ મુકામે વીજળી પડવાથી એક 45 વર્ષીય યુવકનું જ્યારે વ્યાસડા ખાતે એક બળદ ના મોતની કરુણાંતિકા ઉપરાંત અન્ય કોઈ જાનહાની થયેલ નથી.
માવઠાને લઈ કાલોલ તાલુકામાં કૃષિક્ષેત્રે ખાસ કોઈ નોંધપાત્ર નુકસાનીના અહેવાલો નથી. કમૌસમી વરસાદના કારણે તાલુકા પંથકમાં ખેતીને નુકશાન અંગેના સત્તાવાર આંકડાઓ હાલ સ્થાનિક વહીવટી તંત્ર તરફથી જાહેર કરવામાં આવ્યા નથી પણ બિનસત્તાવાર સૂત્રોના મતે સમગ્ર તાલુકાના કોઈપણ વિસ્તારમાં ખેતીને વ્યાપક નુકશાન થયેલ નથી. કેટલાક ખેડૂત મિત્રો સાથેની વાતચીત દરમ્યાન જાણવા મળ્યું હતું કે મોટાભાગના ખેડૂતોએ ડાંગરનો પાક માવઠા પૂર્વે જ સમેટી લીધો હતો જ્યારે તુવેર, કપાસ અને અન્ય પાકોમાં થયેલું સામાન્ય નુકશાન કુદરતી રીતે ભરપાઈ થઈ શકે તેમ છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here