કાલોલ : ડેરોલ સ્ટેશન સ્થિત અંડરગ્રાઉન્ડ ગરનાળું વરસાદી પાણીથી ભરાઇ જતાં ટ્રાફિક જામ… લોકો અને વિદ્યાર્થીઓ અટવાયા

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

ડેરોલ સ્ટેશન સ્થિત હાઈસ્કૂલના વિદ્યાર્થીઓની શુક્રવારે પરિક્ષા હોવાથી જવા આવવા લાકડાના પાટિયા-નિસરણી મુકીને જીવના જોખમે પણપસાર કરવાની દારૂણ સ્થિતિ

રેલવે વિભાગ દ્વારા ડાયવર્ઝન આપેલ પીગળી ફાટક પર પણ છ દિવસથી મેઈન્ટેનન્સ ચાલતું હોવાથી હાલાકીઓ વધી

કાલોલ શહેર નજીકના ડેરોલસ્ટેશન સ્થિત પાછલા ચાર વર્ષથી બંધ પડેલા રેલવે ઓવરબ્રિજ કારણે સ્થાનિક લોકોના અવરજવર માટે રેલવે તંત્ર દ્વારા અંડરગ્રાઉન્ડ ગરનાળુ બનાવવામાં આવ્યું છે જે ગરનાળામાં ગુરૂવારે સાંજે ખાબકેલા ભારે વરસાદને પગલે ગરનાળું વરસાદી પાણીથી ભરાઇ જતા અવરજવર બંધ થઈ જવા પામી હતી, તદ્ઉપરાંત ઓવરબ્રિજ ફાટકનું ડાયવર્ઝન આપેલ પીગળી ફાટક પર પણ મેઈન્ટેનન્સ ચાલતું હોવાથી ૩ ઓક્ટોબરથી ૯ ઓક્ટોબર સુધી એ ફાટક પણ બંધ હોવાને કારણે સ્થાનિક લોકો અને આ રૂટના વાહનચાલકોની હાલત ભારે કફોડી બની જવા પામી છે. જે મધ્યે ડેરોલ સ્ટેશન અને કાલોલ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની શુક્રવારે પરીક્ષા હોવાને કારણે એક તબક્કે ગરનાળા પર લાકડાના પાટિયા-નિસરણી મુકીને જીવના જોખમે પસાર કરવા માટે મજબૂર બન્યા હતા.

આ કામચલાઉ એવા જોખમી વિકલ્પનો ઉપયોગ હાઈસ્કૂલ તેમજ પ્રાથમિક સ્કૂલના લગભગ એક હજાર જેટલા વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિકો લોકોને કરવો પડ્યો હતો ત્યારે આવી દારૂણ પરિસ્થિતિ જોઈને સ્થાનિક લોકોએ આ રીતે ‘ભણશે ગુજરાત’ તેવો પ્રશ્ન ઉઠાવીને સ્થાનિક નેતાઓ અને તંત્ર વિરુદ્ધ ભારે રોષ ઠાલવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે અંડરગ્રાઉન્ડ ગરનાળું છલકાતા સ્થાનિક લોકોની રજૂઆત અને સોશિયલ મીડિયામાં વાયરલ બનેલી ઘટનાને પગલે જીલ્લા પ્રાંત અધિકારી, કાલોલ મામલતદાર, કાલોલ પીએસઆઇ સહિત તંત્ર ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા પરંતુ તાત્કાલિક અસરથી નાળામાં ભરાયેલા પાણીના નિકાલની કોઈ સગવડ નજરે પડતી નહી હોવાથી અધિકારીઓ‌ પણ નિઃશબ્દ બની ગયા હતા.

જ્યારે બીજી તરફ અંડરગ્રાઉન્ડ ગરનાળું બનાવ્યા બાદ નાાળામાં પાણી ભરાઈ જાય તેવી પરિસ્થિતિમાં નાળામાંથી પાણી કાઢવા માટે મોટર મુકવાની અને લાઈટ કનેક્શનની જવાબદારી સ્થાનિક ગ્રામ પંચાયત ઉપર નાખવામાં આવી હોવાનું ગ્રામજનો દ્વારા ચર્ચાઈ રહ્યું હતું પરંતુ અંડર ગ્રાઉન્ડ ગરનાળા પાસે એવી કોઈ સગવડ ઉપલબ્ધ હતી નહીં તેથી અંતે ગ્રામજનોએ મામલતદાર સમક્ષ ઉગ્ર રજૂઆત કરતા રેલ્વે તંત્ર દ્વારા બનાવેલી સંરક્ષણ દિવાલને તોડવાનું નક્કી કર્યું હતું જેથી કરીને સ્થાનિકો અને વિદ્યાર્થીઓ રેલ્વે ટ્રેકની બન્ને બાજુ અવરજવર કરી શકે તેવો વિકલ્પ કરીને રેલવે ટ્રેક પરથી અવરજવર શરૂ કરી હતી.

જ્યારે બીજી તરફ તંત્રએ ગરનાળાનુ પાણી ઉલેચવા માટે એક ડમચી મુકવાનો તાત્કાલિક અમલ શરૂ કર્યો હતો તેમ છતાં ક્યારે પાણી ઉલેચાશે અને ક્યારે વાહનચાલકો અવરજવર કરશે તદ્ઉપરાંત ફરી વરસાદ વરસી પડે ત્યારે ફરી એ જ પરિસ્થિતિ સર્જાશે ત્યારે આ સમસ્યાનો ઉકેલ શું એ પ્રાણ પ્રશ્ન બની ગયો છે.

ડેરોલ સ્ટેશન સ્થિત અંડરગ્રાઉન્ડ ગરનાળું વરસાદી પાણીથી ભરાઇ જતાં એકત્ર થયેલા સ્થાનિક લોકોએ આવી કપરી પરિસ્થિતિમાં સ્થાનિક નેતાઓ કેમ દેખાતા નથી એવો આક્રોશ પ્રગટ કર્યો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર છેલ્લા છ સાત વર્ષથી ડેરોલ સ્ટેશન મુકામે રેલવે ઓવરબ્રિજનો પ્રોજેક્ટ બંધ પડી રહ્યો છે, ગ્રામજનોએ વારંવાર વિરોધ પ્રદર્શન કરેલ છે, જે અંગે અગાઉ નાયબ કલેકટર, રેલવે સતાધીશો અને માર્ગ મકાન વિભાગ દ્વારા ઓવરબ્રિજ બનાવવા કામગીરી ટુંકસમયમાં ફરી ચાલુ કરવાના આશ્વાસનો આપે છે તેમ છતાં ઓવરબ્રિજનું કામ શરૂ થતું નથી એવો રોષ ઠાલવીને પુનઃ કામગીરી અંગે સવાલો ઉઠાવ્યા હતા.

શુક્રવારે રેલવે ગરનાળું બંધ થવાને બપોરના સુમારે એક ગર્ભવતી મહિલાને પણ ગરનાળા પર બનાવવામાં આવેલ લાકડા પતરાંની છત પર થઈને પસાર થવા મજબુર બની હતી. જેથી તંત્ર દ્વારા ગરનાળાનુ પાણી ઉલેચવા માટે એક ડમચી મુકી છે એ પુરતી નથી જેથી સ્થાનિક લોકોએ જીલ્લા કક્ષાએ વાતચીત કરીને તાત્કાલિક અસરથી વધુ એક મોટર મુકી નાળામાંથી વહેલી તકે પાણી કાઢવાની માંગ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here