કાલોલ આંગણવાડી કાર્યકર અને હેલ્પર મહિલાઓએ આંદોલનના માર્ગે હલ્લાબોલ કરીને મામલતદારને આવેદન આપ્યું

કાલોલ,(પંચમહાલ) મુસ્તુફા મીરઝા :-

કાલોલ તાલુકા આંગણવાડી કેન્દ્રોની સંચાલક અને તેડાગર મળીને ૪૫૦ ઉપરાંત મહિલાઓએ તેમના આંગણવાડી સંગઠનની માંગોના સમર્થનમાં સોમવારે તાલુકા પંચાયત કચેરી ખાતે એકત્ર થઇને તેમની વિવિધ માંગણીઓ અંગે સરકાર વિરુદ્ધ આંદોલનકારી હલ્લાબોલ પ્રગટ કર્યો હતો. આંગણવાડી કાર્યકર મહિલાઓએ તેમના સંગઠનની માંગ મુજબ આંગણવાડી કાર્યકરોને કાયમી કર્મચારી અને વધતી જતી મોંઘવારી સામે અપેક્ષિત વેતન વધારો કરવાની રજૂઆતો સરકાર સમક્ષ કરેલી છે તેમ છતાં કોઈ ન્યાય નહીં મળતા છેવટે આંગણવાડી સંગઠને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ઉપાડતા કાલોલ તાલુકા વિસ્તારના ઘટક-૧ અને ઘટક-૨ વિભાગની ૪૫૦ ઉપરાંત સંચાલક અને તેડાગર મહિલાઓએ તેમના સંગઠનના સમર્થનમાં સોમવારે સવારે તાલુકા પંચાયત કચેરીથી મામલતદાર કચેરી સુધી રેલી યોજી અંતે મામલતદારને આવેદન સુપરત કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આંગણવાડી કાર્યકર મહિલાઓના જણાવ્યા મુજબ સરકાર આંગણવાડી કાર્યકર મહિલાઓ પાસે આંગણવાડીના બાળકો ઉપરાંત સગર્ભા, ધાત્રી, કુપોષણ સહિતની વિવિધ કામગીરીઓ કરાવે છે તેની સામે હંગામી ધોરણે નજીવો પગાર આપીને અન્યાય કરે છે, તદ્ઉપરાંત ગુજરાત રાજ્યના ભાવિને પોષણક્ષમ કરવાનું મહત્ત્વની ભૂમિકા ભજવે છે તેમ છતાં અમારું શોષણ કરવામાં આવે છે તેવા આક્રોશ સાથે સોમવારે આવેદન, મંગળવારે ધરણાં અને બુધવારે કલેકટર કચેરી ખાતે આવેદન આપવાના આંદોલનની રૂપરેખા સાથે ‘એક કચોરી બે સમોસા, સરકાર તેરા ક્યા ભરોસા’ જેવા નારાઓથી ઉગ્ર આંદોલનનું સ્વરૂપ આપ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here