આસો નવરાત્રિ દરમિયાન પાવાગઢ ખાતે તળેટીથી માંચી સુધીના રસ્તા ઉપર ખાનગી વાહનોની અવર-જવર ઉપર પ્રતિબંધ

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

આગામી તા. 07/10/2021થી તા.20/10/2021 દરમિયાન પંચમહાલ જિલ્લાના પાવાગઢ યાત્રાધામ ખાતે આસો નવરાત્રિ પર્વની ઉજવણી થનાર છે. આ ઉજવણીમાં દર વર્ષે લોકો મોટી સંખ્યામાં અવર-જવર કરે છે. પાવાગઢથી માંચી સુધીનો રસ્તો ખૂબ જ વાંકો-ચૂંકો તથા સાંકડો હોઈ લોકોની અવર-જવર દરમિયાન કોઈ અકસ્માત કે જાનહાનિ ન સર્જાય તે માટે જાહેરહિતમાં તળેટીથી માંચી સુધીના રૂટ ઉપર ટ્રક, ટેમ્પો, જીપ, લક્ઝરી બસ, મેટાડોર, ઓટોરીક્ષા, દ્વિચક્રી વાહનો સહિત ઈંધણથી ચાલતા તમામ પ્રકારના ખાનગી વાહનોની અવર-જવર તથા ચીજવસ્તુઓ સાથે કે ચીજવસ્તુઓ વગર પશુઓ દોરી જનારાઓ કે તે દ્વારા માલ સામગ્રી વહન કરનારાઓ ઉપર નિયંત્રણ મૂકતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ગુજરાત પોલિસ અધિનિયમ-1951ની કલમ- 33(1) (ખ) અન્વયે મળેલ અધિકારની રૂએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એમ.ડી.ચુડાસમા દ્વારા જાહેર કરાયેલ આ જાહેરનામા અનુસાર તા. 07/10/2021થી તા.20/10/2021 (બંને દિવસો સહિત) પાવાગઢ ખાતે તળેટીથી માંચી જવાના રસ્તા ઉપર ઉપરોક્ત પ્રકારના ભારે તથા હળવા વાહનો અવર-જવર કરી શકશે નહીં. આ ઉપરાંત કોઈપણ પ્રકારના વાહનો કે પશુઓ દ્વારા સાધન સામગ્રી કે ચીજવસ્તુઓનું વહન કરવા ઉપર તેમ જ માંચીથી દુધિયા તળાવ પાવાગઢ સુધીના રસ્તા ઉપર પશુઓ દોરી જનારાઓની અવર-જવર ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ હુકમ આવશ્યક ચીજ વસ્તુઓનું પરિવહન કરતા વાહનો, એસ.ટી બસો, સરકારી ફરજ ઉપરના વાહનો તથા આરોગ્ય સેવાઓ માટે ઉપયોગમાં લેવાનાર વાહનોને લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ભારતના ફોજદારી અધિનિયમની કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here