અંબાજી આદ્યશક્તિ હોસ્પીટલની સુવિધામાં વધારોઃ શ્રી આરાસુરી અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા બે બાયપેપ મશીન અપાયા

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

આદિજાતિ વિસ્તારના ગરીબ લોકોને વિનામૂલ્યે સારવાર મળી રહે તે માટે શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટે બાયપેપ દાન આપ્યા


કોરોનાની વૈશ્વિક મહામારીથી સમગ્ર વિશ્વ પરેશાન છે. આ વૈશ્વિક મહામારીમાં શક્ય તેટલા લોકોની જિંદગી બચાવી શકાય તે માટે સમગ્ર દેશમાં અને રાજ્યમાં સરકારશ્રી દ્વારા યુધ્ધના ધોરણે વિરાટ પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે. બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલની સુચના અને માર્ગદર્શનથી જિલ્લાભરમાં ઠેર ઠેર કોવિડ કેર સેન્ટર અને કોવિડ હેલ્થ સેન્ટરો શરૂ કરવામાં આવ્યાં છે. દાંતા તાલુકાના આદિજાતિ વિસ્તારના લોકોને સરળતાથી સારવાર ઉપલબ્ધ થાય તે માટે યાત્રાધામ અંબાજી મુકામે આદ્યશક્તિ હોસ્પીટલમાં ઓક્શિજન બેડ સહિતનું કોવિડ હેલ્થ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ હોસ્પીટલની સુવિધામાં વધારો થાય અને આદિજાતિ વિસ્તારના ગરીબ લોકોને વિનામૂલ્યે સારવાર મળી રહે તે માટે શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા બાયપેપ આપવામાં આવ્યાં છે. અંબાજી મંદિરના અધિકારીઓ દ્વારા આદ્યશક્તિ હોસ્પીટલના સુપ્રિટેન્ડેન્ટશ્રી ર્ડા. શોભા ખંડેલવાલેને બાયપેપ અર્પણ કરવામાં આવ્યા હતાં.
બનાસકાંઠા જિલ્લાના દાંતા અને અમીરગઢ તાલુકાના અંતરીયાળ વિસ્તારના આદિજાતિ લોકો સહિત આ વિસ્તારના તમામ લોકોને કોરોનાના કપરા સયમમાં સારવાર અને આરોગ્ય સુવિધાઓ મળી રહે તે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેકટરશ્રી આનંદ પટેલની સુચના અને માર્ગદર્શનથી અંબાજી મુકામે આદ્યશકિત હોસ્પીટલમાં તા. ૧૩ અપ્રિલ-૨૦૨૧થી કોવિડ હેલ્થ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં કોરોના સંક્રમિત દર્દીઓ માટે ઓક્સિજનવાળા ૩૦ બેડ અને આઈસોલેશન ૩૦ બેડ એમ કુલ- ૬૦ બેડની અલગ સુવિધા ઉભી કરી સારવાર અપાય છે. આ હોસ્પીટલમાં કુલ-૮ મેડિકલ ઓફિસરો, ૧૮ નર્સિંગ બહેનો તેમજ વર્ગ-૪નાં ૨૮ કર્મયોગીઓ સેવાભાવથી રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવી કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર કરે છે. અંબાજી મંદિર તરફથી ઓક્શિજન માટેની પુરતી સુવિધા અને દર્દીઓ અને તેમના સગા- સબંધીઓ માટે ભોજન સહિતની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે તેમ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદારશ્રી એસ.જે.ચાવડાએ જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here