RSS સંચાલિત વીર સાવરકર શાખાના યુવાનો દ્વારા કાલોલ નગરમાં “સંસ્કાર કી પાઠશાલા”નું સુંદર આયોજન..

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

આજના આધુનિક યુગમાં જ્યારે સમગ્ર વિશ્વ ટેક્નોલોજી તથા ઇન્ટરનેટના કારણે એક નાનકડાં ગામડાં સમાન બની ગયું છે ત્યારે આબાલવૃદ્ધ સૌ કોઈ વિદેશી પાશ્ચાત્ય સંસ્કૃતિ અને ટેકનોલોજીના દુરુપયોગ થકી પોતાના અમૂલ્ય બાલ્યકાળ તથા યુવાનીને દૂષણોની ખાઈમાં ધકેલી રહ્યાં છે. આજે વિશ્વમાં ભારત એકમાત્ર એવું રાષ્ટ્ર છે કે જે ૬૫ ટકાથી વધુ યુવાધન ધરાવે છે પરંતુ ભારતનો યુવાન પાશ્ચાત્ય સંસ્કૃતિના રવાડે ચઢીને પોતાના મહામૂલા યૌવનને ધૂળમાં રગદોળી રહ્યો છે. આજના બાળકો માતા – પિતાની વ્યસ્તતાના કારણે મોબાઈલ તથા અન્ય ટેકનોલોજીમાં કંઇક એવા સપડાયા છે કે તેઓનો શારીરિક તથા માનસિક વિકાસ રૂંધાય જવા પામ્યો છે. જેનું પરિણામ એ આવ્યું કે,આપણા બાળકો અને યુવાનો પ્રાચીન સનાતન પરંપરા, પરંપરાગત રમતો – વ્યાયામ, શાસ્ત્રોથી સાવ વિમુખ થઈ રહ્યા છે. આથી બાળકોમાં તથા યુવાનોમાં પુનઃ ઓજસ્વિતા નિર્માણ થાય તે હેતુથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંચાલિત કાલોલ નગરની વીર સાવરકર શાખાના યુવાનો દ્વારા ઉનાળું વેકેશન દરમિયાન “સંસ્કાર કી પાઠશાલા” શરૂ કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો. જેનું આયોજન નવરચના ગુરુકુળ,કાલોલ ખાતે સાંજે ૬:૩૦ થી ૮:૦૦ કલાક દરમિયાન કરવામાં આવી રહ્યું છે.શાખાના યુવાનો દ્વારા સંમિલિત બાળકો તથા યુવાનોને ભારતીય સનાતન સંસ્કૃતિ અને તેનો વિજ્ઞાન સાથે સુમેળ,શાસ્ત્રો અને સાચા ઐતિહાસિક તથ્યો સંબંધિત શિક્ષણ,શારીરિક ક્ષમતાને સુદૃઢ કરવા વિવિધ મેદાની રમતો તથા અંગ કસરતોનું જ્ઞાન વગેરે વિષયોને આવરી લઈ આ “સંસ્કાર કી પાઠશાલા”માં રહેલા રાષ્ટ્ર નિર્માણના ઉચ્ચ વિચારને સાકાર કરવાનો પ્રયત્ન થવા જઈ રહેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here