વિશ્વના લોકોને આકર્ષી રહેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખરેખર અદભુત છે – કલરાજ મિશ્ર રાજયપાલ, રાજસ્થાન

એકતાનગર, (નર્મદા) આશિક પઠાણ :-

રાજસ્થાનના રાજ્યપાલ શ્રી કલરાજ મિશ્રએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત કરી સરદાર સાહેબને ભાવાંજલી અર્પી

સરદાર સરોવર નર્મદા બંધની મુલાકાત દરમિયાન ડેમમાં સંગ્રહિત જળરાશિના ઉપયોગ અંગે જાણકારી મેળવી

રાજસ્થાનના રાજ્યપાલ શ્રી કલરાજ મિશ્ર ગુજરાત પ્રવાસ દરમિયાન નર્મદા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા. બુધવારના રોજ એકતા નગર સ્થિત સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળીને ભવ્યતા અનુભવી સરદાર સાહેબને ભાવાંજલી અર્પી હતી. રાજ્યપાલશ્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ૪૫ માળની ઉંચાઈએ આવેલી વ્યુઇંગ ગેલેરી એટલે કે, સરદાર સાહેબના હ્રદયસ્થાનેથી સરદાર સરોવર નર્મદા ડેમ અને વિધ્યાંચલ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય પણ નિહાળ્યું હતું.

વિશ્વમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસનના કેન્દ્રબિંદુ તરીકે ઉભરી આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન કક્ષ સહિત સરદાર સાહેબના જીવન-કવનની તસવીરી ઝલક રાજ્યપાલશ્રીએ નજરે નિહાળી હતી. આ મુલાકાત દરમિયાન ગાઈડ સુશ્રી હેમ ભટ્ટ અને જનસંપર્ક અધિકારી રાહુલ પટેલ દ્વારા રાજયપાલશ્રીને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સમગ્ર નિર્માણ કાર્ય અને પ્રોજેક્ટની વિશેષતા વિશે ઝીણવટભરી માહિતીથી વાકેફ કર્યા હતા. મુલાકાત બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના નાયબ કલેકટર અભિષેક સિન્હાએ રાજયપાલશ્રીને સ્મૃતિરૂપે સરદાર સાહેબની પ્રતિકૃતિ અને કોફીટેબલ બુક અર્પણ કર્યા હતા.

આ પ્રસંગે મુલાકાત પોથીમાં પોતાનો પ્રતિભાવ નોંધતા કલરાજ મિશ્રએ જણાવ્યુ હતુ કે ,સ્ટેચ્યુ ઓફ યુનિટી ખરેખર અદભુત છે અને વિશ્વના લોકોને આકર્ષી રહી છે, ઇજનેરો અને નિર્માણમાં સંકળાયેલા તમામને હું અભિનંદન પાઠવુ છુ, સરદાર સાહેબની પ્રતિભા જેટલી મહાન અને વિશાળ હતી તેવી જ રીતે સરદાર સાહેબની આ પ્રતિમા મહાન અને વિશાળ છે.

એકતા નગર ખાતે આવેલા વિવિધ પ્રકલ્પો પૈકી ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમની પણ રાજ્યપાલશ્રીએ મુલાકાત લીધી હતી. તેઓએ ડેમની મુલાકાત દરમિયાન કાર્યપાલક ઇજનેર મનોજ પરમારે નર્મદા ડેમમાં સંગ્રહિત જળરાશિના ઉપયોગ અંગે ઝીણવટપૂર્ણ માહિતી આપી હતી.

રાજસ્થાનના રાજ્યપાલશ્રીની આ મુલાકાત દરમિયાન તેઓની સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટર નારાયણ માધુ, નાયબ કલેકટર અભિષેક સિન્હા, જિલ્લા વહીવટી તંત્રના નાયબ કલેક્ટર(પ્રોટોકોલ) એન.એફ.વસાવા, પ્રાંત અધિકારી ડૉ. કિશનદાન ગઢવી, નાયબ પોલીસ અધિક્ષક પી.આર.પટેલ જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here