મગફળીમાં જમીનજન્ય રોગ-જીવાતના નિયંત્રણ માટે વાવણી પહેલાં/વાવણી સમયે આટલી બાબતોનું ધ્યાન રાખવું

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

મગફળીમાં જમીનજન્ય રોગ-જીવાતના નિયંત્રણ માટે વાવણી પહેલાં/વાવણી સમયે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

જેમાં ઉચ્ચ ગુણવત્તાવાળુ બિયારણ વાપરવું, સંપૂર્ણ સડી ગયેલ સેન્દ્રીય ખાતર વાપરવા, જમીનજન્ય રોગોના નિયંત્રણ માટે શક્ય હોય તો વહેલું વાવેતર કરવું, ઉનાળામાં ઉંડી ખેડ કરવી જેથી જમીનમાં રહેલ કોશેટા તથા સુષુપ્ત અવસ્થામાં રહેલ પુખ્ત કીટકો(ઢાલિયા) બહાર આવવાથી સૂર્યતાપથી અથવા પરભક્ષીઓથી તેનો નાશ થાય.

થડનો કોહવારો/ડોડવાના કોહવરાથી રક્ષણ મેળવવા ટ્રાયકોડમાં ફૂગ આધારીત પાવડર ૨.૫ કિ.ગ્રા.ને ૩૦૦ થી ૫૦૦ કિલો એરંડીના ખોડ અથવા છાણીયા ખાતરમાં ભેળવી વાવણી વખતે ચાસમાં આપવું. શરૂઆતનો સારો વરસાદ થયા બાદ ખેતરના શેઢા પાળા પરના બધા જ ઝાડો ઉપર કલોરપાયરીફોસ ૨૦% ઈ.સી. દવાના (૧૫ લીટર પાણીમાં ૨૦ મી.લી. દવા) મિશ્રણનો છંટકાવ કરવો જેથી ઝાડ ઉપર એકઠાં થયેલાં ઢાલિયાનો નાશ થાય. આ કામગીરી ૩ થી ૪ દિવસમાં જ પૂર્ણ કરવી.

ધૈણના ઢાલિયા કીટકો પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી રાત્રિ દરમ્યાન પ્રકાશ પીંજર ગોઠવી આકર્ષાયેલા ઢાલિયા ભેગાં કરી તેનો નાશ કરવો. મુંડાના અસરકારક અને અર્થક્ષમ નિયંત્રણ માટે બ્યુવેરીયા બાસીયાના અથવા મેટારીઝીયમ એનીસોપ્લી ૧.૧૫ વેટેબલ પાવડર (ન્યુનતમ 2×૧૦* સીએફયુ/ગ્રામ) વાવેતર પહેલા એરડીના ખોળ (૩૦૦ કિ.ગ્રા/હે) સાથે જમીનામાં આપવું. મુંડાના અસરકારક નિયંત્રણ માટે વાવેતર પહેલા ચાસમાં દીવેલાનો ખોળ ૫૦૦ કિ.ગ્રા./હે. પ્રમાણે આપવું. પાક વાવતી વખતે ચાસમાં કાર્બોફયુરાન ૩જી ૩૩ કિ.ગ્રા./હે. પ્રમાણે આપવું.

આ ઉપરાંત બીજ માવજત માટે મગફળીમાં ઉગસૂકના રોગના નિયંત્રણ માટે બીજને થાયરમ ૩ ગ્રામ સ્યુડોમોનાસ ફલ્યુરોસન્સ (ટાલ્ક બેઈઝ) પ ગ્રામ અથવા ફક્ત થાયરમ/ કપ્તાન/ મેન્કોઝેબ ૩-૪ ગ્રામ અથવા ફક્ત સ્યુડોમોનાસ ફલ્યુરોસન્સ ૫ ગ્રામ પ્રતિ કિલો બીજ અથવા ટેબ્યુકોનેઝોલ ૧.૨૫ ગ્રામ / કિગ્રા. પ્રમાણે બીજ માવજત આપવી. મગફળીમાં મૂળનાં ગંઠવા કૃમિના નિયંત્રણ માટે બીજને પેસીલોમાયસીસ લીલાસીનસ (ટાલ્ક બેઈઝ) ૧૦ ગ્રામ પ્રતિ કિલો બીજ પ્રમાણે બીજ માવજત આપવી.

સફેદ ધૈણ/મૂંડાના નિયંત્રણ માટે કલોરપાયરીફોસ ૨૦% ઈ.સી. ૨૫ મી.લી. અથવા ફીપ્રોનીલ ૪૦% . ઈમીડાકલોપ્રીડ ૪૦% ડબલ્યુજી ૧-૫ ગ્રામ અથવા કલોથીયાનીડીન ૫૦% ડબલ્યુડીજી ૪ ગ્રામ પ્રતિ ૧ કિલો બીજ દીઠ બીજને પટ આપી, બે ત્રણ કલાક બીજને છાંયડામાં સુકવી પછી બીજનો વાવેતર માટે ઉપયોગ કરવો.

વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/ જીવાત માટેની દવા છે તે મુજબ ઉપયોગ કરવો જોઈએ.

આ અંગે વધુ જાણકારી માટે આપના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) કે નાયબ ખેતી નિયામક (તાલીમ) નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી, છોટાઉદેપુરની એક યાદીમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here