પંચમહાલ જિલ્લા કલેકટરશ્રીએ ગોધરાના મહિલા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

જિલ્લા કક્ષાની દેખરેખ અને નિયંત્રણ સમિતિની બેઠક યોજાઈ

પીડિત મહિલા, ભયમુક્ત બની અને આત્મસન્માન જાળવી શકે એ માટે ગોધરામાં પોલીસ સ્ટેશન બેઈઝ્ડ સપોર્ટ સેન્ટર કાર્યરત છે.ગોધરા સ્થિત આ મહિલા પોલીસ સ્ટેશન ખાતે પંચમહાલ જિલ્લા કક્ષાની દેખરેખ અને નિયંત્રણ સમિતિની બેઠક જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમારના અધ્યક્ષસ્થાને મળી હતી. આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રીની સાથે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકીએ ૧૮૧ અભયમ,હિંસાથી પીડિત મહિલાઓને સહાય,માર્ગદર્શન તેમજ કાઉન્સિલિંગ માટે રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા શરૂ કરાયેલ પોલીસ સ્ટેશન બેઈઝ્ડ સપોર્ટ સેન્ટરની મુલાકાત પણ લીધી હતી.

તેમણે આ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર્સ પાસેથી મહિલાઓને સેન્ટર દ્વારા કઈ કઈ મદદ કરાય છે તથા વિવિધ સમસ્યાઓના નિવારણ બાબતે યોગ્ય માર્ગદર્શન આપીને સક્ષમ બનાવવાની માહિતી મેળવી હતી.

ગોધરામાં મહિલા પોલીસ સ્ટેશન ખાતે શરૂ કરાયેલ સેન્ટરનો હેતુ લિંગભેદ, સ્ત્રીભૃણ હત્યા, ઘરેલુ હિંસા, સામાજિક અસમાનતા જેવા પ્રશ્નોમાં પીડિત મહિલાને નિર્ણય લેવા સક્ષમ બનાવવાનો અને સંસ્થાકીય સહાય કરવાનો છે.સાસુ – વહુના ઝઘડા તેમજ પતિ-પત્નીના ઝઘડા, શારીરિક માનસિક ત્રાસ જેવી સમસ્યાઓથી પીડિત કોઈપણ મહિલા વિનામૂલ્યે આ સેન્ટરમાં આવીને પોતાના પ્રશ્નોનો ઉકેલ મેળવવા સક્ષમ બની શકે છે.

વાત કરીએ કેસોની તો એપ્રિલ ૨૦૨૨ થી ડિસેમ્બર ૨૦૨૨ સુધીમાં કુલ ૧૨૧ કેસ આ સેન્ટરમાં આવ્યા હતા.જેમાંથી ૧૧૬ કેસોનું સફળતાપૂર્વક કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. આ તમામ કેસો પૈકી ૬૭ કેસોમાં સમાધાન કરવામાં આવ્યું હતું.

ગુજરાત સરકારશ્રીના મહિલા અને બાળ વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૩ થી હિંસાથી પીડિત મહિલાને સહાય, માર્ગદર્શન તેમજ કાઉન્સેલિંગ માટે રાજ્યના નિયત કરેલા પોલીસ સ્ટેશન બેઈઝ્ડ સપોર્ટ સેન્ટરની યોજના શરૂ કરાઇ હતી.

આ સેન્ટર ખાતે પીડિત તમામ મહિલાઓના કેસની માહિતી સંપૂર્ણ ગોપનીય રાખવામાં આવે છે. પીડિત મહિલાને ભયમુક્ત કરવી અને આત્મસન્માન જાળવવા સાથે નિ:શુલ્ક સેવા આ સેન્ટર દ્વારા પૂરી પડાય છે.

આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી,મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી માધવીબેન ચૌહાણ,આઈ.સી.ડી.એસ પ્રોગ્રામ ઓફિસરશ્રી, સેન્ટરના કાઉન્સિલર્સ, મહિલા પોલીસ સ્ટેશનના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here